રામનાથપરા, પંચનાથ સહિતનાં મંદિરોમાં ભાવિકોની ભીડ ઊમટી: મહાદેવનાં દર્શન અને પૂજા માટે ભક્તોની લાંબી લાઈન લાગી
ખાસ-ખબર સંવાદદાતા
આજે મહા વદ તેરસ. આમ તો શિવ અજન્મા છે પરંતુ તેની મહિમાને દર્શાવવા માટે મહા વદ તેરસે મહાશિવરાત્રી પર્વ ઊજવવામાં આવે છે. રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ પંચનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા માટે ભાવિકોની લાંબી લાઈન લાગી છે. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દ્રવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે. સાથે જ લોકો બિલ્વપત્ર તેમજ ધતુરાના ફૂલ પણ ચડાવી રહ્યા છે. આજે રાજકોટ શહેર શિવમય બની મહાદેવની ભક્તિમાં લીન થઇ ગયું છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવામાં આવી છે. સવારે 8 વાગ્યે પૂજા કરી પ્રથમ ધ્વજા ચડાવી હતી.
- Advertisement -
પંચનાથ મંદિરે રક્તદાન કેમ્પ અને ભાંગની પ્રસાદીનું વિતરણ
મહાશિવરાત્રી નિમિત્તે પંચનાથ મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં એકત્ર થતું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ચડાવવામાં આવે છે. તથા મંદિરના ટ્રસ્ટી દેવાંગ માંકડ તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.