પાલિકાના સરકારી બાબુઓ સત્તાધિશોને ગાંઠતા ન હોવાનો પુરાવો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકામાં સરકારી બાબુઓ કોઈને ગાંઠતા ન હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે જેમાં નગરપાલિકાના સદસ્યો દ્વારા રોડ રસ્તા અને ગટર સહિતના પ્રશ્નોની વણઝાર લગાવવા છતાં પણ નગરપાલિકા તંત્રના બહેરા કાને અવાજ નહીં સંભળાતા આખરે નગરપાલિકાના સદસ્ય અને કારોબારી ચેરમેને નગરપાલિકાની કામગીરીના હિસાબ કિતાબ અંગે માહિતી અધિનિયમ હેઠળ આરટીઆઈ કરીને માહિતી માંગી છે.
- Advertisement -
હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ઈશ્વરભાઈ કણઝરીયાએ નગરપાલિકા કચેરીમાં માહિતી અધિનિયમ હેઠળ આરટીઆઈ કરી છે જેમાં બાંધકામ શાખા, પાણી પુરવઠા શાખા, સેનિટેશન શાખા તથા રોશની શાખામાં તા. 01-08-2022 થી અત્યાર સુધીમાં થયેલા કામોના વર્ક ઓર્ડરની માહિતી માંગવામાં આવી છે તેમજ હળવદ નગરપાલિકામાં બાંધકામ શાખા, પાણી પુરવઠા શાખા, સેનિટેશન શાખા તથા રોશની શાખામાં તા. 01-01-2023 સુધીમાં થયેલા કામોના જે બિલ ચુકવવામાં આવેલ હોય તેની માહિતી માંગવામાં આવી છે.
- Advertisement -
આ ઉપરાંત હળવદ નગરપાલિકામાં તા. 01-01-2023 થી સ્વભંડોળમાંથી કરેલા કામોના વર્કઓર્ડર તથા ચૂકવણી કરેલ બીલની માહિતી માંગવામાં આવી છે. આમ હળવદ નગરપાલિકાના ભાજપના જ સદસ્યએ ભાજપ શાસિત નગરપાલિકામાં આરટીઆઈ કરીને પંથકમાં ચર્ચાનો મારો ચલાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે નગરપાલિકાના સદસ્યએ જ નગરપાલિકા પાસે હિસાબ કિતાબ માંગતા આગામી સમયમાં આ મુદ્દો ચૂંટણીમાં પણ ચર્ચાય તેમજ નગરપાલિકાની મળનારી બેઠકમાં પણ ચર્ચાય તો જરાય નવાઈ નહીં.