-તા.24ના રોજ રજુ થનારા બજેટમાં જંત્રીદરના વધારા સામે રાહત આપવાની વિચારણા
-પ્રોજેકટમાં પ્રથમ ખરીદનાર માટે ખાસ જોગવાઈ પણ શકય
- Advertisement -
ગુજરાતમાં ઓચિંતા જ જંત્રીદરમાં 100%નો વધારો કરીને રાજય સરકારે તેની સામે જબરો ઉહાપોહ સર્જાતા જંત્રીદર વધારો તા.15 એપ્રિલ સુધી મુલત્વી રાખીને હવે જંત્રીમાં રાજયભરમાં સર્વે કરાવીને પછી જ કરશે અને તેથી તા.15 એપ્રિલ બાદ આ નવી જંત્રી અમલમાં આવે તેવી શકયતા નથી પણ સરકાર આગામી તા.24ના રોજ રજૂ થનારા બજેટમાં મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો કરે તેવી ધારણા છે.
જંત્રી દર વધારાથી સરકારને ભવિષ્યમાં આવકમાં મોટો વધારો થશે અને તેની સામે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીમાં ઘટાડો કરીને થોડી આવક જતી કરે તો પણ એકંદર મહેસુલી આવક વધશે. રીયલ એસ્ટેટ ક્ષેત્ર એ લાંબા સમયથી રાજયમાં ઉંચી સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી ઘટાડાની માંગણી કરી રહ્યું છે. હાલમાં રાજયમાં સ્ટેમ્પ ડયુટી 4.9% અને રજી. ફી 1% છે. જો મિલ્કત ખરીદીમાં મહિલાના નામે દસ્તાવેજ થતો હોય તે તેમાં રજીસ્ટ્રેશન ફીમાં પુર્ણ મુક્તિ મળે છે.
સરકાર જો કે જંત્રીદર વધારા સાથે તાલમેલ મેળવીને આ રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડાનો નિર્ણય લેશે. ખાસ કરીને નવા પ્રોજેકટમાં પ્રથમ વેચાણમાં ખરીદનારને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી માં રાહત અપાય તે ફોર્મ્યુલા પણ વિચારણામાં છે જેથી નવા બાંધકામમાં બિલ્ડર્સ, ખરીદનાર બન્નેને પ્રોત્સાહન મળશે.
- Advertisement -
ખાસ કરીને એફોર્ડેબલ હાઉસીંગ જેમાં રૂા.25 લાખથી રૂા.75 લાખ સુધીના આવાસનો સમાવેશ થાય છે તેને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી ઘટાડાથી રાહત થશે. કેડાઈ-ગુજરાતના માનવા મુજબ સ્ટેમ્પ ડયુટી તથા રજી. ફી માં 50% ઘટાડો થઈ શકે છે.
અગાઉ ગુજરાત સરકારે નિયુક્ત કરેલી હસમુખ અઢીયા કમીટીએ જ સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફી ઘટાડવાની ભલામણ તેના રીપોર્ટમાં કરી હતી. કોવિડ બાદ રાજયના અર્થતંત્રને ફરી વેગવંતુ કરવાના ઉપાયોમાં આ એક ભલામણ પણ હતી. હવે ખુદ હસમુખ અઢીયા મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત થયા છે તેથી બજેટમાં પણ તેમના અભિપ્રાયોનું વજન હશે.
2022માં ગુજરાતમાં સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજી. ફી આવક 22% જેટલી વધી છે અને પ્રોપર્ટી રજી. પણ વર્ષ દરમ્યાન 11% વધીને 2021માં 14,29,607ની સામે 15,97,188 દસ્તાવેજો થયા હતા જયારે સરકારની સ્ટેમ્પડયુટી આવક 2021માં જે રૂા.7337,9 કરોડ હતી તે 2022માં વધીને રૂા.8769 કરોડ રહી હતી.
સ્ટેમ્પ ડયુટી- રજી.ફી હાલની સ્થિતિ
– મિલ્કત (દસ્તાવેજ) સ્ટેમ્પ ડયુટી 4.9% તથા નોંધણી ફી 1% છે. મહિલાના નામે દસ્તાવેજ થતો હોય તો નોંધણી ફી (1%) માં મુક્તિ.
– રાજયમાં 2022માં 1597188 દસ્તાવેજો નોંધાયા જે 2021ની સરખામણીમાં 11% વધુ.
– 2022માં સ્ટેમ્પ ડયુટી- રજી.ફી આવક રૂા.8769 કરોડ જે 2021ના રૂા.7337.9 કરોડ કરતાં વધુ