નાના બાળકો માટે પહેલાના સમયમાં સરકારશ્રી દ્વારા બાલમંદિર ચાલતા. આજે આવા બાલમંદિરને સરકાર દ્વારા નવું નામ આપવામાં આવ્યું છે ‘નંદઘર’. સુખી-સંપન્ન અને આર્થિક રીતે પરવડે એવા પરિવારના સંતાનો મોટી મોટી ફી ભરીને પ્લે હાઉસમાં જાય અને ગરીબ પરિવારના બાળકો ‘નંદઘર’માં જઇને ધમાલ મસ્તી કરે. નંદઘરને લોકો આંગણવાડીનાં નામથી પણ ઓળખે છે.
આંગણવાડી કે નંદઘરમાં આવતા નાના-નાનાં ભૂલકાઓને ભગવાનનું સ્વરૂપ માનીને ગામના લોકો ઘણીવખત સારા-માઠા પ્રસંગોએ જમાડતા હોય છે તો વાલી કેટલાક લોકો પેન્સિલ કે રબર જેવી નાની વસ્તુઓ પણ ભેટમાં આપતા હોય છે. મહેસાણામાં આવેલા આવા એક નંદઘરની 10 નાની-નાની બાળાઓને કોઇ દાતા તરફથી સોનાની બુટ્ટી ભેટમાં આપવામાં આવી. નાની બાળાઓને સોનાની કિંમતી બુટ્ટી ભેટમાં આપનાર આ દાતા કોઇ મોટા ઉદ્યોગપતિ નથી પરંતુ મહેસાણાના જુદા-જુદા મંદિરોની બહાર ઉભા રહીને ભીખ માંગવાનું કામ કરતા ખીમજીભાઇ પ્રજાપતિ નામના એક અપંગ ભિક્ષુક છે.
ખીમજીભાઇને બધા ‘ગોદડીયાબાપુ’ તરીકે ઓળખે છે. આ ભાઇ ભીખ માંગીને જે કંઇ રકમ ભેગી કરે એ બેંકમાં જમા કરવાને બદલે દર વર્ષે સરકારી શાળામાં અભ્યાસ કરતી ગરીબ પરિવારની બાળાઓને ઉપયોગમાં આવે એવી રીતે વાપરે છે. ક્યારેક અભ્યાસના પુસ્તકો લઇ આપે તો ક્યારેક સ્ટેશનરી લઇ આપે, ક્યારેક વળી દફતર લઇ આપે તો ક્યારેક નોટબુક અને પેન લઇ આપે.
આ વર્ષે થોડી વધુ રકમ ભેગી થઇ તો ગોદડીયાબાપુએ નંદઘરની દીકરીઓ માટે સોનાની બુટ્ટી કરાવી આપી. આપણે ત્યાં ‘તેન ત્યકતેન ભૂંજીથા: (ત્યાગ કરીને ભોગવી જાણો)નો ઉપદેશ આપનારા મહાત્માઓ અબજો રૂપિયા ભેગા કરે છે અને બીજી બાજુ આવા મુફલિસ માણસો આ વેદ-ઉપનિષદના ઉપદેશને જીવીને બતાવે છે.
ગરીબ પરિવારની નાની-નાની દીકરીઓને ભલે પેટ ભરીને ખાવા ન મળતું હોય કે પહેરવા માટે પુરતા કપડાં ન હોય પણ સપનામાં તો સોનાની બુટ્ટી આવતી જ હશે. ખીમજીભાઇએ આવી દીકરીઓના સપનાઓને માત્ર સપના જ ન રહેવા દેતા વાસ્તવિકતામાં બદલી નાંખ્યા.
ખાલી ખિસ્સાની ચિંતા ન કરો – ચિંતા કરવી હોય તો ખાલી માથાની અને ખાલી હૃદયની કરો.
-નોર્મેન વિન્સેન્ટ પીલ