આજકાલ યોગાની બોલબાલા છે. ઠેર ઠેર યોગા સેન્ટર્સ પણ ખૂલી ગયાં છે. શરીરની ચુસ્તી અને સાંધાની ફ્લેક્સિબિલિટી માટે આ સારું છે, પરંતુ એમાં માત્ર શરીરને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે.
મહર્ષિ પતંજલિ નિર્દેશિત અષ્ટાંગ યોગ એ અત્યારના યોગા કરતાં ભિન્ન અને ગહન છે. એમાં શરીર ઉપરાંત મનને પણ જોડવાની વાત છે. ઉદાહરણ તરીકે અષ્ટાંગ યોગના એક ઘટક પ્રાણાયામની વાત કરીએ.
- Advertisement -
યોગસાધનાના પ્રવાસીએ નિયમિત પ્રાણાયામ શરૂ કરતાં પહેલાં સતત એક મહિના સુધી દિવસમાં ચાર વાર નાડીશુદ્ધિ કરવી જોઇએ. એ પછી જ પ્રાણાયામની સાધના શરૂ કરી શકાય. પ્રાણાયામ એ માત્ર ફેફસાંની કસરત નથી. સાધકે દરેક ઉચ્છવાસ છોડતી વખતે મનમાં એવું વિચારવું જોઇએ કે એ પોતાની ભીતરનો કચરો તથા દુર્ગુણોનો મેલ બહાર ઠાલવી રહ્યો છે અને શ્ર્વાસ લેતી વખતે એવું વિચારવું જોઇએ કે શુભ વિચારોની સુગંધ એ અંદર લઇ રહ્યો છે. આવું કરવાથી જ પ્રાણાયામ એ માત્ર વ્યાયામ બની રહેવાના બદલે અષ્ટાંગ યોગનું એક મહત્ત્વનું અંગ બની જશે.