મસ્જિદ સંચાલકોના ગેરકાયદે બાંધકામ સામે ટી.પી. શાખાનું મૌન
દુકાનોનું બાંધકામ કરવા મંજુરી લીધી નથી અને માર્જિન જગ્યા પણ નથી છોડી
- Advertisement -
ડઝનેક દુકાનો બનાવી ભાડે આપી પૈસાનો કમાવવાનો મસ્જિદના ટ્રસ્ટીઓનો પ્લાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગેરકાયદે બાંધકામ દિવસે બેગણું અને રાત્રે ચોગણું થઈ રહ્યું છે. ગેરકાયદે થતા બાંધકામ ટી.પી. શાખાને તો જ દેખાઈ છે જો તેમને હપ્તા ન મળે. ટી.પી. શાખાના અધિકારીને થોડા રૂપિયા ફેંકી છડેચોક ગેરકાયદે બાંધકામ ખડકી શકાય છે જેનું જ્વલંત ઉદાહરણ છે, હાથીખાનામાં આવેલી મસ્જિદની જગ્યામાં ગેરકાયદે ચાલતું ડઝનેક જેટલી દુકાનોનું બાંધકામ.
રાજકોટનાં વોર્ડ નંબર 7માં વિરાણી વાડી ચોક પાસે સિલ્વર માર્કેટની સામે- હાથીખાના મેઈન રોડ પર આવેલી કરિમપુરા મસ્જિદમાં ટ્રસ્ટીઓ દ્વારા જ ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો ’ખાસ-ખબર’માં પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ હજુ સુધી મસ્જિદ સંચાલકોના ગેરકાયદે બાંધકામ સામે ટી.પી. શાખા મૌન સેવી બેઠી છે. મસ્જિદની ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા થતાં આ બાંધકામની મંજુરી લેવાઈ નથી અને એક ફૂટનો માર્જિન પણ છોડવામાં આવ્યો નથી. ખુલ્લેઆમ ચાલી રહેલા આ બાંધકામ સામે જાણે કોર્પોરેશનનાં અધિકારીઓએ હપ્તા લઈ આંખ આડા કાન કરી લીધા હોવાનું જણાય આવે છે.
- Advertisement -
કરિમપુરા મસ્જિદમાં થઈ રહેલાં આ બાંધકામ વિરૂદ્ધ એક જાગૃત નાગરિકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરી હતી. આ બાંધકામ તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી આસપાસના રહેવાસીઓની માંગ છે. મીડિયામાં પણ આ અંગે અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે આમ છતાં હપ્તાખાઉં ટી.પી. શાખાના અધિકારીઓ સમગ્ર મામલે કશી જ કાર્યવાહી કરી રહ્યા નથી. હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જ કોઈ પગલાં ભરે એ જરૂરી છે.