શિવરાત્રી પૂર્વે ભવનાથમાં હર હર મહાદેવ નાદ ગુંજવા લાગ્યો
રવેડીનાં રૂટમાં બન્ને સાઈડ 3580 મીટરની બેરીકેડ કરાશે: વન વિભાગ, એસટી, મનપા સાથે તંત્ર તૈયારીઓ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ભવનાથમાં પર્વતાધિરાજ ગિરનારના સાંનિધ્યમાં દર વર્ષે યોજાતો ભક્તિમય મહાશિવરાત્રનો મેળો આ વર્ષે તા.15 થી તા.18 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે. મહાવદ નોમથી ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. મહાશિવરાત્રીની રાત્રીએ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો સંપન્ન થશે.
મેળામાં ભાવિકોને કોઇ અવગડતા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્ર વિવિધ વ્યવસ્થા, સુવિધા, આયોજન અંગે તૈયારી કરી રહ્યું છે. રવેડીના રૂટ પર શિવરાત્રીના દિવસે રોડ ઉપર 3580 મીટરની લોખંડની બેરીકેટ પણ કરવામાં આવશે. તેની સાથે મહાનગરપાલિકા દ્વારા ધંધા-વ્યવસાય માટે કુલ-82 પ્લોટ ફાળવવામાં આવશે. ઉતારા મંડળોને વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ-37 ઉતારા મંડળો -અન્નક્ષેત્રો માટે જગ્યા ફાળવાશે.
શિવરાત્રના મેળામાં રાઉન્ડ ધી ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવશે. આ માટે 225 સફાઇ કામદાર, 17 સુપરવાઈઝર, 2 જનરલ સુપરવાઈઝર અને 1 લાઈઝીનીંગ અધિકારીને ફરજ સોંપવામાં આવશે. ભવનાથમાં કુલ-9 સફાઇ રૂટ નિયત કરાયા છે. અન્નક્ષેત્રોમાંથી 6 ડોર ટૂ ડોર વાહન મારફત ત્રણ દિવસ કચરો એકત્રિત કરાશે તેમજ મહાશિવરાત્રીના મેળામાં ગંદકી ન થાય તે માટે તંત્ર દ્વારા લોક સહયોગ મેળવી ઝુંબેશ હાથ ધરાશે. જરૂરિયાત મુજબ પાંચ સ્થળે તા.12 ફેબ્રુઆરી સુધીમાં ભારતી આશ્રમ ગ્રાઉન્ડ, મંગલનાથબાપુની જગ્યા પાસે, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને કચ્છી ભવન પાસે મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવશે. આ ઉપરાંત સાત જાહેર શૌચાલય રહેશે. રખડતા પશુઓને પકડવાની કામગીરી માટે કર્મચારીઓની ટીમ બનાવવામાં આવશે.
- Advertisement -
મેળામાં ચાર ફાયર ફાઈટર મુકવામાં આવશે મેળા વિસ્તારમાં રીંગરોડ, જિલ્લા પંચયત ગેસ્ટ હાઉસ, ભવનાથ પોલીસ સ્ટેશન પાસે અને ભવનાથ ઝોનલ કચેરી પર ફાયર ફાઈટર રાઉન્ડ ધ ક્લોક કર્મચારીઓ સાથે રાખવામાં આવશે.તેની સાથે ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમિયાન 5000 લીટરની ક્ષમતાવાળી કુલ 60 પીવાના પાણીની પી.વી.સી. ટાંકીઓ મુકવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સુપરવિઝન પણ કરાશે.
ભવનાથમાં મોબાઈલ ફ્રિકવન્સીમાં વધારો કરવામાં આવશે મેળામાં લાખો ભાવિકો આવતા હોય કોમ્યુનિકેશન જળવાય રહે તેમજ યાત્રિકોને મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે મોબાઈલ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ છે. જેમાં મોબાઈલ કોલની ફ્રિકવન્સીમાં વધારો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.મેળા દરમિયાન યાત્રિકોની સુરક્ષા, સલામતી તેમજ ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત તેમજ ટ્રાફિક વ્યવસ્થા વગેરે માટે પુરતો પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ તંત્ર દ્વારા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત 2 હજારથી વધુનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે. આ માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને ટ્રાફિક સહિતની સમસ્યા ન રહે તે માટે પોલીસની ટીમ આયોજન કરી રહી છે. પોલીસ વિભાગ દ્વારા પાસ માટેની કામગીરી ભવનાથ ખાતે કરવામાં આવશે.તથા મેળામાં ભાવિકોને પરિવહન સગવડતા મળી રહે માટે એસ.ટી. તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ માટે 56 મીની બસ મુકાશે. જેનું ભાડું મુસાફર દીઠ રૂ.20 રહેશે. જ્યારે જૂનાગઢથી અન્ય મથકોએ જવા 173 મોટી બસ દોડાવવામાં આવશે. તેમજ 6 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે, ત્રણ સ્થળે દવાખાના શરૂ થશે અને મેડિકલ ઓફિસરો, ફાર્માસીસ્ટ, પેરામેડીકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે.
મેળામાં પોલીસની રહેશે બાજ નઝર
જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો આગામી 15 ફેબ્રુઆરી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા તેમજ પોલીસ અધિક્ષક દ્વારા ખાસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ભવનાથ ક્ષેત્રમાં સીસીટીવી કેમેરાથી બાજ નઝર રાખવામાં આવશે. તેની સાથે ખાસ પેટ્રોલીંગ તેમજ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવશે અને અન્ય જિલ્લામાંથી અધિકારી સહિત પોલીસ સ્ટાફ ખડે પગે રહીને કામગીરી કરવામાં આવશે.