ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં પશુના નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં એક પશુને એક દિવસના નિભાવ ખર્ચ પેટે રૂપિયા 30 ચૂકવવામાં આવે છે. આમ, જૂનાગઢ જિલ્લામાં પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી 86 ગૌશાળા-પાંજરાપોળના પશુના નિભાવ ખર્ચ માટે છેલ્લા ત્રણ મહિનાના રૂ.1.83 કરોડથી વધુ રૂપિયા ચૂકવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે.
આ સંદર્ભે નાયબ પશુપાલન નિયામક ડો.દિલીપ પાનેરાએ જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળમાં ગાય, ભેંસ વર્ગના પશુઓના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુઓને નિભાવ ખર્ચ પેટે દૈનિક રૂ. 30 ચૂકવવામાં આવે છે.
જેમાં પબ્લિક એક્ટ નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળને જ આ રકમ ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 86 ગૌશાળા અને પાંજરાપોળ પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી છે. આ પાંજરાપોળ અને ગૌશાળાના પશુને નિભાવ ખર્ચ પેટે રૂપિયા 1,83,76,080 જેવી રકમ ચૂકવી દેવા આદેશ કરવામાં આવ્યો છે.જયારે જૂનાગઢ જિલ્લાની પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલી 86 ગૌ-શાળા અને પાંજરાપોળમાં કુલ 6658 પશુ નોંધાયેલા છે. અને આ પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળાને રૂપિયા ચૂકવી દેવામાં આવશે. તે ઉપરાંત જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ જે પબ્લિક એક્ટ હેઠળ પાત્રતા ધરાવતી હોય તેમને પણ આગામી સમયમાં આવરી લેવામાં આવશે.