અખબારી અહેવાલોની પાપિયાઓ પર કોઈ અસર નહીં
હાડકાંનો ખુલ્લામાં નિકાલ: જ્યાં જુઓ ત્યાં સૂગ ઉપજે તેવા દૃશ્યો
- Advertisement -
જોઈને માથું ભમી જાય તેવો ભયંકર વિડીયો સામે આવ્યો: જવાબદારોને કોનું રક્ષણ?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સોખડામાં ગાયનું ચામડું, માંસ, હાડકાં વેચવાનું કૌભાંડ જગજાહેર થયા બાદ હજુ પણ આ ગેરકાનૂની કૃત્ય પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, આજની તારીખે પણ સોખડામાં મનપાની સાઈટ પર અસામાજિક તત્વો પશુઓમાં ખાસ કરીને ગાયનું ચામડું કાઢે, માંસ કાઢે, નસો કાઢે અને આ બધું વેચવાનો ગોરખધંધો કરે છે. હાડકાંઓને ખુલ્લામાં ફેંકી સૂકાવા દે અને પછી એ હાડકાંઓને પણ દેશ-વિદેશમાં વેચી દે છે. આવું છાનેખૂણે નહીં પણ સરાજાહેર ખુલ્લા મેદાનમાં મનપાના કર્મચારીઓની સાઠગાંઠ સાથે ચાલી રહ્યા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યા છે છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જે અત્યંત ચોંકાવનારી બાબત છે. ખાસ-ખબરને પ્રાપ્ત એક હાલનાં જ વિડીયોમાં જોઈ શકાય છે સોખડા ડમ્પીંગ સાઈટ પર હજુ પણ સેંકડો ગૌવંશના હાડકાંઓ અને ચામડાં પડેલાં છે અને તેમની તસ્કરી થઈ રહી છે.
ગૌપ્રેમીઓ-ગૌરક્ષકોનું સોખડામાં ચાલતી ગાય તસ્કરી મામલે મૌન
સોખડા ડમ્પિંગ સાઇટ પર મૃત પશુઓને ખાડામાં દફનાવી દેવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, મનપાના કર્મચારીને ત્યાં ફરજ સોંપવામાં આવી છે પરંતુ મનપાના સ્ટાફની મિલીભગતથી મૃત ગૌવંશના તમામ અંગોને કાપીને તેનું વેચાણ કરવામાં આવે છે, મીડિયાએ અવારનવાર આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગૌપ્રેમીઓ ગૌરક્ષકો સરાજાહેર થતા આ કાળા કારોબાર વિશે બધું જાણતા હોવા છતાં હાથ પર હાથ રાખીને મૌન સેવીને બેઠા છે. કહેવાતા ગૌવંશ બચાવનારાઓ ક્યારે આ મામલે આગળ આવશે એ જોવું રહ્યું.
- Advertisement -
બાહોશ-ન્યાયપ્રિય CP રાજુ ભાર્ગવ પગલાં લે તે જરૂરી
રાજકોટનાં કમિશનર તરીકે રાજુ ભાર્ગવનાં આગમન પછી પોલીસનું મનોબળ ઘણું ઊંચુ ગયું છે. તેમણે શ્રેણીબદ્ધ લોકોપયોગી અને અસરકારક પગલાં લઈને પોલીસની અસલી તાકાતનો પરચો આપ્યો છે. વ્યાજનાં દૂષણ સામે પણ તેઓ આકરા પાણીએ છે. આવી સ્થિતિમાં આ કિસ્સામાં પણ તેઓ રસ લે અને પીડિતોને ન્યાય અપાવે તે સોને પે સુહાગા જેવું થાય તેમ છે.
વ્યાજદૈત્યો જીતેન્દ્ર આરદેશણા અને ધીરૂ કુંગશિયા સામે હજુ પણ કોઈ પગલાં નહીં!
ત્રણ કરોડનાં બદલામાં 50 કરોડની જમીન ખાઈ ગયા
વ્યાજંકવાદી આરદેશણા પરિવાર અને ધીરૂ કુંગશિયાને કોની ઓથ? શા માટે પગલાં લેવાતાં નથી?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગીતાબેન શૈલેષભાઈ પટેલે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો જીતેન્દ્ર આરદેશણા, અરુણા આરદેશણા, અર્જુન આરદેશણા, બ્રિદા આરદેશણા, બીના આરદેશણા, કિશોર આરદેશણા, મનસુખ કલોલા, એલ્વીન કલોલા, પ્રવીણચંદ્ર કોઠારી, તુલસી પાડલિયા, જયંતિલાલ પટેલ, માંડણ કુંગશીયા, ધીરુ કુંગશીયા, મુકેશ વૈષ્ણવ, રામજી વૈષ્ણવ વિરુદ્ધ વ્યાજે લીધેલી રકમ પરત કરેલી હોવા છતાં મિલ્કત પડાવી લેવા, ચેકના દુરુપયોગ કરવા તથા ધાક-ધમકી આપવા મામલે અરજી કરી ફરિયાદ નોંધવા માગણી કરી હતી. પરંતુ બી ડિવિઝન પોલીસે અરજીના આધારે કઈ જ કાર્યવાહી કરી નહતી. ત્યારબાદ હાલમાં જ રાજકોટ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા યોજેલા લોકદરબારમાં પણ પીડિત પટેલ પરિવાર ન્યાયની આશા સાથે પહોંચ્યો હતો. ત્યાં પણ માત્ર પટેલ પરિવારની અરજી લઈ તેમને ન્યાય અપાવવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા સહિતનાઓએ પટેલ પરિવાર પાસેથી ગોંડલ તાલુકાના મોવિયા ગામે, રૂપાવટી ગુંદાળા ગામે, બિલિયાળા ગામે, જેતપુર તાલુકાના રબારીકા ગામે, લોધિકા તાલુકાના ચિભડા ગામે, પીપળિયા પાળ ગામે આવેલી વિવિધ ખેતી-બિનખેતીની આશરે પચાસેક કરોડો રૂપિયાની જમીન લખાવી લીધી છે. જીતેન્દ્ર આરદેશણાએ આશરે 3 કરોડ રૂપિયા વ્યાજે આપવાના બદલામાં 5 કરોડ રૂપિયા રોકડા અને 50 કરોડ રૂપિયાની જમીન પોતાના જાણીતાઓના નામે કરાવી લીધી હતી, બાદમાં ગીતાબેન શૈલેષભાઈ પટેલના પરિવારે જીતેન્દ્ર આરદેશણા વ્યાજે આપેલા પૈસાની મૂળ કિંમત અને તેની પર તોતિંગ વ્યાજ વસૂલી લીધું હતું. હજુ વધુ પૈસા પડાવવાની અને મિલ્કત પચાવી પાડવાની લાલચમાં તેણે કરોડો રૂપિયાની ખેતી-બિનખેતીની જમીનના દસ્તાવેજ ગીતાબેન શૈલેષભાઈ પટેલને પરત લખી આપ્યા નથી. ગીતાબેન શૈલેષભાઈ પટેલ વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાના ત્રાસથી કંટાળી અનેક વખત રાજકોટ પોલીસના શરણે ગયા છે પરંતુ આજ દિન સુધી તેમને વ્યાજખોરોના ત્રાસમાંથી છૂટકારો અપાવી ન્યાય આપવાની વાત તો દૂર રહી બી ડિવિઝન પોલીસે પટેલ પરિવારની અરજીને આધારે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી નથી.
B ડિવિઝન પોલીસની વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નિરસતા
એક તરફ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ વ્યાજંકવાદથી પીડિતોને બહાર આવી વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવવા માટે અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક પોલીસસ્ટેશનમાં જ્યારે વ્યાજખોરોથી પીડિત લોકો ફરિયાદ નોંધાવવા પહોંચે છે ત્યારે તેમની અરજી સ્વીકારી લેવામાં આવે છે પણ પછી આગળ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રાજકોટનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન પણ વ્યાજખોરો વિરુદ્ધ અરજી તો સ્વીકારે છે, પરંતુ પાછળથી ભેદી કારણોસર અરજીને આધારે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી રહ્યુ નથી. વ્યાજખોરોથી ત્રાસીને કંટાળેલાં રાજકોટના એક પટેલ પરિવારે થોડા મહિનાઓ અગાઉ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને થોડા દિવસો પહેલાં લોકદરબારમાં વ્યાજખોરો વિરુદ્ધ પુરાવા સાથેની અરજી કરી છે છતાં હજુ સુધી તેમની અરજીને આધારે બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કોઈ જ કાર્યવાહી કરી નથી.