મોરબીમાં રેન્જ IGની અધ્યક્ષતામાં વ્યાજખોરી ડામવા જનસંપર્ક સભા યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે શરૂ થયેલી ઝુંબેશ અન્વયે ગુરૂવારે રેન્જ આઈજી અને ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વ્યાજપીડિતો અને ગુન્હેગારોના સીતમનો ભોગ બનેલા લોકો હાજર રહ્યા હતા અને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. અહીં મોરબી પોલીસ દ્વારા જીલ્લાના દરેક પોલીસ મથકના હેલ્પ ડેસ્ક બનાવીને તાત્કાલિક ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જનસંપર્ક સભામાં અલગ અલગ બેન્કોના મેનેજર અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને ગુજરાત સરકાર દ્વારા હાલમાં લોનની સુવિધા અને યોજનાઓ માટે હેલ્પ ડેસ્ક રાખીને નાગરીકોને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, વ્યાજખોરોથી છૂટકારો મેળવવા અને આગામી પેઢીના ભયને સુધારવાના હેતુથી પોલીસે આ ઝુંબેશ શરૂ કરી છે.
- Advertisement -
કોઈ લગ્ન પ્રસંગ હોય કે અન્ય જાહેર કાર્યક્રમો હોય પોલીસને જાણ કરશો તો ત્યાં પોલીસ મથકનું હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવશે અને ત્યાં આવીને પોલીસ આપની ફરીયાદ નોંધશે. આ ઉપરાંત વ્યાજના લાયસન્સ લઈને તેનો દુરુપયોગ કરતા તત્વોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે તો જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં મોરબી પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ 14 ફરિયાદો નોંધવામાં આવી હતી અને 70 આરોપીઓને સકંજામાં લેવાયા હતા જયારે ચાલુ વર્ષમાં 5 ફરિયાદમાં તમામ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે હવે લોકો જાગૃત બની ગેરકાયદેસસર રીતે વ્યાજનો ધંધો કરતા લોકો વિરુદ્ધ માહિતી આપે તેવી અપીલ કરી મોરબીમાં વ્યાજખોરીનો ધંધો હવે નહીં ચાલે, કા તો વ્યાજખોરો મોરબી છોડે અથવા વ્યાજખોરીનો ધંધો છોડે નહીંતર પોલીસ તો નહીં જ છોડે તેમ કહીને સ્પષ્ટ શબ્દોમાં વ્યાજખોરોને ચેતવણી આપી હતી.
તાત્કાલિક 14 FIR નોંધીને 26 વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી
આ જનસંપર્ક સભામાં નાના ફેરીયાઓ, લારીગલ્લાવાળા, શાકભાજીવાળા, વેપારીઓ અને ખેડૂતો કે જે વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયા હોય તેવા 300 નાગરીકો આવ્યા હતા. અહીં આવેલા નાગરીકોએ અલગ અલગ કુલ 18 રજૂઆતો કરી હતી જે રજૂઆતના આધારે ગેરકાયદે નાણાં ધિરાણની કલમ હેઠળ તાત્કાલિક 14 ફરીયાદ નોંધીને કુલ 26 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે બાકીની રજૂઆતો પર હાલમાં કાર્યવાહી ચાલું હોવાનું જાણવા મળ્યું છે.