બીજી વન-ડે હારતાંની સાથે જ લંકાની કુલ 437મી હાર: ભારત સામે 95મો પરાજય; ન્યુઝીલેન્ડની બરાબરી કરી: કુલદીપ યાદવ 200 વિકેટ લેનારો પ્રથમ ‘ચાઈનામેન’ બોલર બન્યો: મોહમ્મદ સીરાજ 2022થી અત્યાર સુધીમાં 19 બેટરોને પ્રથમ 10 ઓવરમાં જ કર્યા આઉટ
ભારતે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણીના બીજા મુકાબલામાં ચાર વિકેટે જીત હાંસલ કરીને શ્રેણી પોતાના કબજામાં કરી લીધી છે. કોલકત્તામાં રમાયેલા આ મુકાબલામાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 215 રન બનાવ જેના જવાબમાં ભારતીય ટીમને સતત ઝટકા લાગવા છતાં ટીમે અંતમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિકેટકિપર-બેટર કે.એલ.રાહુલે 64 રનની ઈનિંગ રમી હતી. આ મુકાબલામાં પરાજય સાથે જ શ્રીલંકાના નામે એક અત્યંત શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.
- Advertisement -
શ્રીલંકાની વન-ડે ક્રિકેટમાં આ 437મી હાર છે. આ સાથે જ શ્રીલંકા વન-ડે ફોર્મેટમાં સૌથી વધુ મેચ હારનારો દેશ બની ગયો છે. 436 હાર સાથે ભારત બીજા નંબરે છે. જો કે શ્રીલંકાએ અત્યાર સુધીમાં 880 મેચ જ રમી છે જેની સામે ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં 1022 મેચ રમી ચૂકી છે.
વન-ડેમાં આ શ્રીલંકાની ભારત વિરુદ્ધ 95મી હાર છે. આ મામલે તેણે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. શ્રીલંકા કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ મેચ હારનારો દેશ બન્યો છે. ન્યુઝીલેન્ડને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ 95 મેચમાં હાર મળી છે.
દરમિયાન મેચમાં ટીમ ઈન્ડિયાના સ્પીનર કુલદીપ યાદવની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટ પૂર્ણ થઈ ચૂકી છે. તેના નામે વન-ડેમાં 122, ટેસ્ટમાં 34 અને ટી-20માં 44 વિકેટ છે. તે 200 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો પ્રથમ ચાઈનામેન બોલર પણ છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાના બ્રેડ હૉઝના નામે 180 વિકેટ છે. ભારત માટે મોહમ્મદ સીરાજે પ્રથમ પાવરપ્લેમાં ફરીવાર વિકેટ ખેડવી છે. 2022થી તે પ્રથમ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો પહેલો બોલર છે.
- Advertisement -
આ દરમિયાન સિરાજે 19 બેટરોને પ્રથમ 10 ઓવરની વચ્ચે જ આઉટ કર્યા છે. કે.એલ.રાહુલે ભારત મો 64 રનની અણનમ ઈનિંગ રમી છે જે તેની વન-ડેમાં 12મી ફિફટી છે. પાંચમા નંબરે બેટિંગ કરતાં ભારત માટે રાહુલે અંદાજે 49ની સરેરાશ અને 110ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. શ્રીલંકા માટે આ મુકાબલામાં નુવાનીડુ ફર્નાન્ડોએ ડેબ્યુ કરતાં 50 રનની ઈનિંગ રમીહતી. ફર્નાન્ડો શ્રીલંકા માટે ડેબ્યુ વન-ડેમાં ફિફટી બનાવનારો છઠ્ઠો ખેલાડી બન્યો છે.
શ્રીલંકાની ભારતમાં આ 26મી આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણી છે જેને ટીમ હારી ચૂકી છે. શ્રીલંકાને અહીં 22 હાર મળી છે તો ચાર શ્રેણી ડ્રો રહી છે. હજુ પણ ટીમને ભારતમાં પહેલી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી માટે જીતનો ઈન્તેજાર છે.