રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે
દિનેશ સદાદિયાનું માનવાથી અતુલ પંડિત અને કિરીટ હરિ પરમારનું ડબલ સ્ટાન્ડર્ડ છતું થઈ ગયું
- Advertisement -
વિડીયો વાયરલ થયો ત્યારે કહ્યું, આંગણવાડીનો વિડીયો છે, શિક્ષકની જગ્યાએ કોઈ ત્યાં ભણાવતું નથી
વિડીયો વાયરલ થયાની ગણતરી કલાકોમાં મહિલા આચાર્યાને સસ્પેન્ડ કરી કહ્યું, આચાર્યાએ પોતાના અંગત કામ માટે યુવાન રાખ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 62માં વાયરલ થયેલા વિડીયો મામલે ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારને થૂકેલું ચાટવું પડ્યું છે. સરકારી શાળા નં. 62નો વિડીયો વાયરલ થયા બાદ એક મીડિયાને શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે કહ્યું હતું કે, વિડીયોમાં દેખાય છે તે સ્કૂલ નથી પરંતુ આંગણવાડી છે અને શિક્ષકને બદલે બીજું કોઈ ત્યાં ભણાવતું નથી. આ મામલે શાસનાધિકારી કિરીટ હરિ પરમારના પણ આ જ સૂર રહ્યા હતા. ત્યાં અચાનક જ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના કહેવા પર માત્ર ગણતરીની કલાકોમાં પંડિત-પરમારે કોઈ જ તપાસ, ખુલાસા કે કારણદર્શક નોટિસ વિના શાળા નં. 62ના મહિલા આચાર્ય આનંદીબેન પટેલને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. આ મામલે મીડિયાએ ફરી શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે આચાર્યએ પોતાના અંગત કામ માટે તે યુવાનને રાખ્યો હોવાથી અશિસ્ત બદલ તે આચાર્યને સસ્પેન્ડ કરાયા છે. આમ, શાળા નં. 62નો વિડીયો વાયરલ થયો ત્યારે પંડિત-પરમાર કંઈક બોલી રહ્યા હતા અને સદાદિયાની સૂચના બાદ મહિલા આચાર્યાને સસ્પેન્ડ કરી કંઈક બોલી રહ્યા છે. જોકે આ આજકાલનું નથી, શરૂૂઆતથી પંડિત અને પરમાર વિવિધ મામલે મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મીડિયાથી લઈ સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યા છે કે, શાળામાં કોઈ બહારની વ્યક્તિ ભણાવતી હતી તો શાળાના આચાર્યાને સસ્પેન્ડ કરવામાં આવે અને તે શાળામાં મોનિટરિંગની સી.આર.સી. તરીકે જેની જવાબદારી છે તેના પર કેમ કોઈ પગલાં ચેરમેન કે શાસનાધિકારી ભરી શકતા નથી?
- Advertisement -
પંડિત-પરમાર દિનેશની કઠપૂતળી!
રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત કે શાસનાધિકારી કિરીટ હરિ પરમારનું નહીં પરંતુ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાનું રાજ અને હુકમ ચાલે છે. સર્વત્ર એવું ચર્ચાઈ રહ્યું છે કે, અતુલ પંડિત અને કિરીટ હરિ પરમાર એ દિનેશ સદાદિયાની કઠપૂતળી છે, દિનેશ સદાદિયા કહે તે મુજબ જ પંડિત-પરમારને પગલાં લેવા પડે છે. પંડિત અને પરમારને તમામ નિર્યણો કરવા સદાદિયાને સાથે રાખવો પડે છે. ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારના એવા તો શું રાઝ દિનેશ સદાદિયા પાસે કે શિક્ષણ સમિતિમાં પંડિત-પરમાર માત્ર છાપેલા કાટલા બની સદાદિયાના શરણે થઈ ગયા છે? આ સવાલ સૌ કરી રહ્યા છે.
પંડિત, પરમાર, સદાદિયાને મહિલા આચાર્યાની બદદુઆ લાગી જશે!
રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોથી લઈ અન્ય શાળાના આચાર્યો, કેટલાક શિક્ષકો કહી રહ્યા છે કે, શાળા નં. 62ના મહિલા આચાર્યાને એક ષડયંત્રની ભોગ બનાવી કલાકોમાં ખોટી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહિલા આચાર્યા હાલ માનસિક આઘાત પામી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. મહિલા આચાર્યાને ખોટી રીતે સસ્પેન્ડ કરવા બદલ પંડિત, પરમાર અને સદાદિયાને તેમની બદુવા લાગી જશે.