મકાન-ઇમારતોમાં તિરાડ પડી હોય તેવા પરિવારોનું સ્થળાંતર: નવા વિસ્તારોમાં પ્રિફેબ્રીકેટેડ આવાસો બનાવવા નિષ્ણાંત એજન્સીઓને કામ સોંપાયું
હવે સંપૂર્ણ વિસ્તૃત અભ્યાસ બાદ જ નવા વિસ્તારોમાં ડિઝાઇન આધારીત ઘર બાંધવાની છુટ અપાશે
- Advertisement -
રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે જોશીમઠના જોખમગ્રસ્ત રહેણાંક સંકુલોને ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમાં વસવાટ કરતા પરિવારોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. જમીન ધસવાની સમસ્યાના લાંબાગાળાના ઉકેલ માટે જીયો ટેકનીકલ અને જીયો ફિઝીકલ અભ્યાસ કરવામાં આવશે જે ક્ષેત્રોની ઇમારતમાં તિરાડ નથી ત્યાં નિર્માણ કાર્ય માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. સમગ્ર ક્ષેત્રનો હાઇડ્રોલોજીકલ અભ્યાસ કરવામાં આવશે.
જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવી રહેલા લોકોના પુન:વસવાટ માટે કેટલાક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. પ્રિફેબ્રીકેટેડ મકાનો બનાવવા માટે સરકારી એજન્સીઓને કામે લગાડવામાં આવી છે અને 10મી જાન્યુઆરી સુધીમાં ડિઝાઇન સહિતની માહિતી આપશે. જોશીમઠની ઇમારતોનો અભ્યાસ કરીને કેવા પ્રકારના મકાન બનાવવા તેનો નિર્ણય લેશે.
જોશીમઠમાં જમીન ખસકવાનો અને મકાન ઇમારતોમાં તિરાડ પડવાનો સિલસિલો જારી રહેવાના પગલે મુખ્યમંત્રી ધામીએ નવેસરથી સર્વે કરવાનો આદેશ કર્યો હતો અને નિષ્ણાંતોનો રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. જોશીમઠમાં નવી ઇમારતો બનાવવા માટે સેન્ટર બિલ્ડીંગ રીચર્સ ઇન્સ્ટીટયુટની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવશે.
- Advertisement -
સુત્રોએ જણાવ્યું છે કે રાજય સરકારે હૈદ્રાબાદ સ્થિત નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર અને દહેરાદુન સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટીયુટ રીમોટ સેન્સીંગને સેટેલાઇટ તસ્વીરો મારફત જોશીમઠ ક્ષેત્રનો અભ્યાસ કરવા અને તસ્વીરો સાથેનો વિસ્તૃત રીપોર્ટ સોંપવાની સૂચના આપી છે. જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાના પુન:વસવાટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાહત અભિયાન ઝડપી બનાવવા માટે નિયમોમાં પણ છુટછાટ જારી કરવામાં આવી છે.
જોશીમઠ સંકટ મુદ્દે વડાપ્રધાન મોદી મેદાને
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પાસેથી માહિતી મેળવી : નુકસાની સહિતનો રીપોર્ટ માંગ્યો : કેન્દ્ર તરફથી તમામ મદદ આપવા ખાતરી જોશીમઠમાં જમીન ખસવાના ઘટનાક્રમને પગલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેદાને આવ્યા છે તેઓએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. પાણીના લીકેજ, ઇમારતોમાં તિરાડો, લોકોનું સ્થળાંતર વૈજ્ઞાનિકોની ટીમના અભિપ્રાય સહિતના મુદ્દે વાકેફ થયા હતા અને કેન્દ્ર તરફથી તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે જોશીમઠના લોકોની સુરક્ષા માટે ઉઠાવાયેલા કદમ ઉપરાંત નુકસાન, સ્થળાંતર સહિતના મુદ્દાઓથી વડાપ્રધાન વાકેફ થયા હતા. જોશીમઠને બચાવવા માટે તમામ પ્રકારની શહાયતા કરવાની ખાતરી આપી હતી અને નુકસાનીનો વિસ્તૃત રીપોર્ટ સોંપવા સૂચવ્યું હતું. વૈજ્ઞાનિકો તથા નિષ્ણાંતોની ટીમ જોશીમઠની સાથોસાથ અન્ય સંવેદનશીલ ક્ષેત્રોનો પણ અભ્યાસ કરશે. પર્વતોમાં વસેલા આ શહેરોની ક્ષમતાની ચકાસણી કરશે. ક્ષમતા પૂર્ણસ્તરે પહોંચી ગઇ હોય તો પુન:વસન માટેના સૂચનો કરશે અને તેના આધારે કેન્દ્રની સહાયતા સાથે રાજય સરકાર નવો પ્લાન તૈયાર કરશે.
વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે.મિશ્રા દ્વારા જોશીમઠની સ્થિતિ વિશે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવામાં આવી હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોશીમઠ પરના પ્રવર્તમાન ખતરાને લઇને નવી શહેરી વિકાસ યોજના તૈયાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ખતરાને ધ્યાનમાં રાખીને અને વિસ્તૃત અભ્યાસ કરવા માટે 7 એજન્સીઓની ઉચ્ચસ્તરીય કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે. ભારતીય ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ આઇઆઇટી રૂરકી, વાડીયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલયન, જીયોલોજી નેશનલ ઇન્સ્ટીટયુટ હાઇડ્રોલોજી સહિત 7 એજન્સીઓને કમીટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જોશીમઠની વધુને વધુ ઇમારતોમાં તિરાડો દેખાવા લાગી
જમીન ખસવાનો ઘટનાક્રમ યથાવત રહ્યો હોય તેમ સમગ્ર ક્ષેત્રમાં નવી નવી ઇમારતોમાં તિરાડો દેખાવા લાગી છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવી જ રહ્યો છે. તિરાડ ધરાવતી ઇમારતોની સંખ્યા 603 પર પહોંચી ગઇ છે. નુકસાનગ્રસ્ત મકાનોમાં રહેતા 60થી વધુ પરિવારોને કામચલાઉ રાહત કેમ્પોમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે.
હિમાલયન ક્ષેત્રોમાં 4 થી 5 સ્થળોએ રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે અને 90 થી વધુ પરિવારોને હજુ સ્થાળાંતરીત કરવાના બાકી છે. રવિવારે સમગ્ર તંત્ર દોડતું રહ્યું હતું. નિષ્ણાંતોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો જ છે. જયારે રાજયના મુખ્ય સચિવ અને પોલીસ વડા દ્વારા જોખમગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક રીપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.