અમેરિકામાં કોરોનાના નવા કહેર પાછળ જવાબદાર સબવેરિએન્ટના ભારતમાં વધુ કેસ
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકા જેવા રાષ્ટ્રોમાં કહેર સર્જી રહેલા અને કોરોનાના સૌથી ખતરનાક વેરિએન્ટ તરીકે ગણના પામી રહેલા એક્સબીબી.1.5ના પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયા બાદ હવે વધુ 3 કેસો પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદમાં ગઇકાલે કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા તેમાંથી ત્રણ કેસ આ ખતરનાક વેરિએન્ટના હોવાનું બહાર આવ્યું છે.
જીનોમીક કોન્ર્સોટીયમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં કોરોનાના નવા કહેર પાછળ એક્સબીબી.1.5 સબવેરિએન્ટ જવાબદાર છે અને તેના હવે પાંચ કેસો ભારતમાં નોંધાયા છે. પાંચ પૈકીના ત્રણ કેસ ગુજરાતમાં છે. જ્યારે કર્ણાટક અને રાજસ્થાનમાં 1-1 કેસ નોંધાયા છે. કોરોનાનો આ સ્ટ્રેન ઓમિક્રોન એક્સબીબી વેરિએન્ટ સાથે સંકળાયેલો છે. જે બીએ.2.10.1 અને બીએ.2.75 સબ વેરિએન્ટનું કોમ્બીનેશન છે. અમેરિકામાં કોરોનાના 44 ટકા કેસ એક્સબીબી.1.5 અને એક્સબીબીના છે. એજન્સી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન તથા તેના સબવેરિએન્ટ એક્સબીબીના કેસો સામાન્ય છે.
અમેરિકામાં કોરોનાના નવા સંક્રમણ પાછળ એક્સબીબી.1.5 સબવેરિએન્ટ જવાબદાર છે. આ સબવેરિએન્ટ અત્યંત ખતરનાક અને અત્યાર સુધીનું સૌથી ચેપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોનાના અન્ય વેરિએન્ટની સરખામણીએ આ સબવેરિએન્ટનો ચેપ અને સંક્રમણ દર 120 ગણો ગણવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ગત ડીસેમ્બરમાં આ સબવેરિએન્ટના બે કેસ હોવાનું જાહેર થયું હતું.
જો કે બંને દર્દી સાજા થઇ ગયા હોવાની પણ ચોખવટ કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં આ સબવેરિએન્ટના પ્રથમ કેસ ગુજરાતમાં જ હોવાનું સ્પષ્ટ હતું. આ સબવેરિએન્ટ વધુ ન ફેલાય તે માટે સરકાર એલર્ટ હતી અને આ જ કારણોસર નવા તમામ પોઝીટીવ દર્દીઓના સેમ્પલ જીનોમ સીકવન્સીંગમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જીનોમ સીકવન્સીંગનાં રિપોર્ટના આધારે ગુજરાતમાં એક્સબીબી.1.5ના નવા ત્રણ કેસો નોંધાયા હોવાનું જાહેર થયું છે જેના પગલે સરકારને સાવધાની વધારવી પડે તે સ્પષ્ટ છે. કારણ કે આ સબ વેરિએન્ટનો સંક્રમણ રેટ ઘણો વધુ છે.