ખાસ-ખબર સંવાદદાતા
કોડિનાર ખાતે આવેલી સોમનાથ સાયન્સ એકેડમીના વિશાળ પટાંગણમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ માટેનો 8મો વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. બાળ વૈજ્ઞાનિકોના અનોખા આવિષ્કાર નિહાળી મુલાકાતીઓએ આશ્ચર્યનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ વિજ્ઞાનમેળામાં ઈ-હાઈવે, પવનઉર્જા, ડિફેન્સ સિસ્ટમ, ગાર્બેજ સિસ્ટમ, આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ, સંચાલિકા પ્રણાલી, હવાશુદ્ધિકરણ સહિતના વિવિધ મુદ્દે 30 પ્રાથમિક અને 30 માધ્યમિક એમ કુલ 60થી વધુ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિજ્ઞાન સલાહકાર કિશોરકુમાર ચિત્રોડાએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં સ્થાન મળ્યું છે અને વિજેતા કૃતિઓને ક્રમશ: ઝોનલ તેમજ રાજ્ય કક્ષાએ સ્થાન મળશે. ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થા કરનાર સોમનાથ સાયન્સ એકેડમીના પ્રમુખ કરસનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આવા જ્ઞાનસભર મેળાઓથી બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભા ખીલી ઉઠે છે જે દેશ માટે ભવિષ્યમાં ફાયદાકારક છે. આજના વિદ્યાર્થીઓ ભારત માટે આવતીકાલનું સોનેરી ભવિષ્ય રચી શકે છે.