દેશમાં વધુને વધુ સારી થઇ રહેલી હાઈવે સહિતના માર્ગ પરિવહનની પરિસ્થિતિ વચ્ચે પણ અકસ્માતોની સંખ્યામાં પણ મામૂલી ઘટાડો થયો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ મુજબ જો કે માર્ગ અકસ્માત રોકવામાં 2019થી જે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેના કારણે 2021માં માર્ગ દુર્ઘટનામાં ઘટાડો નોંધાયો છે.
પ્રસિધ્ધ થયેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2021માં 4,12,432 માર્ગ અકસ્માત નોંધાયા અને કુલ 1,53,972 લોકોએ જીવન ગુમાવ્યા જ્યારે 3,84,848 લોકો ઘાયલ થયા. પરંતુ 2019ની સરખામણીમાં 2021માં માર્ગ અકસ્માતમાં 14.8%નો ઘટાડો થયો છે. 2019ની સરખામણીમાં ઘાયલોની સંખ્યા પણ ઘટી છે. જો કે મૃત્યુદર વધ્યા છે. અને તે પણ ખાસ કરીને વધતા જતા વાહનો અને ચાલકોની બેદરકારી સહિતના કારણે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ દર ઉંચો ગયો છે.
- Advertisement -
રોજ સરેરાશ 1130 માર્ગ દુર્ઘટના નોંધાય છે અને તેમાં 422 લોકોના મોત થાય છે.
કોવિડ સહિતના પ્રકોપના કારણે માર્ચ-એપ્રિલ 2020 દરમિયાન રાષ્ટ્રીય વ્યાપી લોકડાઉન હતું અને ત્યારબાદ ધીમે ધીમે દેશ અનલોક થયો તેના કારણે 2020માં આંકડાઓ ઓછા આવ્યા હોય તે સ્વાભાવિક છે. 2020-21 દરમિયાન એક નવો અને ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં 18 થી 45 વર્ષના યુવાઓની સંખ્યા માર્ગ અકસ્માતમાં મૃત્યુ અથવા તો ઘાયલ થવામાં વધી છે. 2021માં કુલ 1,42,163 ઘાતક દુર્ઘટનાઓ નોંધાઈ.
જેમાં 35%થી વધુ દુર્ઘટનાઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પર નોંધાઇ છે જે દર્શાવે છે કે રાષ્ટ્રીય રાજમાર્ગની સ્થિતિ સુધરી હોવા છતાં પણ અકસ્માતોની સંખ્યામાં નિયંત્રણ લાવી શકાયું નથી. 2021માં ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘનમાં ઓવર સ્પીડીંગ એટલે કે વધુ પડતી ગતિએ વાહન ચલાવવું એ અકસ્માતમાં મુખ્ય કારણ બની રહ્યું છે અને જે મૃત્યુ થયા તેમાં 69% હિસ્સો આ પ્રકારના ઓવર સ્પીડીંગનો હતો જ્યારે ખોટી દિશામાં એટલે કે રોંગ સાઈડમાં ડ્રાઈવીંગના કારણે 5.2%અકસ્માતો નોંધાયા હતા.