– પ્રવાસ ટાળવા સલાહ, હજારો ફલાઇટો રદ્દ
– તાપમાનમાં મોટા ઘટાડા-બરફ વર્ષાની શકયતા: કેટલાક ભાગો થીજી ગયાની હાલત
- Advertisement -
અમેરિકાના અનેક ભાગોમાં ભયાનક ચક્રાવાત અને અસામાન્ય ઠંડી બરફ વર્ષાના પગલે જનજીવન ખોરવાઇ ગયું છે. હજારો ફલાઇટો રદ કરવામાં આવી છે અને નાગરિકો માટે ઉભા કરાયેલા આશ્રય સ્થાનો ભરચક બની ગયા છે. નાતાલની પ્રવાસ સિઝનમાં જ તોફાની હવામાનના પગલે તંત્ર દ્વારા ‘બોમ્બ સાઇકલોન’નું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ક્રિસમસની ઉજવણીમાં ગળાડૂબ અમેરિકાના અનેક ભાગોમાં તોફાની હવામાનના પગલે તિવ્ર અસર સર્જાય છે. મધ્યથી પૂર્વ અમેરિકા તરફ તોફાની પવનોના કારણે 13.5 કરોડ લોકોને આવતા દિવસોમાં અસર થવાની ચેતવણી આપવામાં આવી છે. ડેશમોઇનીસ, લોવા જેવા ક્ષેત્રોમાં તાપમાન માઇસન 37 ડિગ્રી જેટલા સ્તરે નીચે ઉતરી જવાની આશંકા દર્શાવવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ ગંભીર ચેતવણી ઉચ્ચારતા એવી ટકોર કરી હતી કે બરફ વર્ષા જેવું વાતાવરણ નહીં હોય પણ તેનાથી ઘણું ગંભીર હશે.
હવામાન ખાતાના નિષ્ણાંતો દ્વારા ‘બોમ્બ સાઇકલોન’ની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે જેમાં વાતાવરણનું દબાણ અત્યંત ઝડપે નીચે ઉતરી જાય છે અને શકિતશાળી ચક્રાવાતમાં પરિવર્તીત થઇ જાય છે. ગ્રેટલેક આસપાસ આ પ્રકારનું વાતાવરણ ઉભુ થઇ શકે છે અને તોફાની પવન અને બરફ જેવી ઘટનાઓનું નિર્માણ કરી શકે છે. દક્ષિણ ડેકોટામાં કેટલાક સ્થળોએ 10 ફુટ બરફ જામેલા છે. માર્ગો સાફ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવા છતાં તોફાની પવન અવરોધક બન્યો છે. રસ્તા સાફ કરવા માટેના સંસાધનો પણ ટુંકા પડી રહ્યા છે.
- Advertisement -
લોકો ઘરની અંદર જ ફસાઇ ગયા હોવાની સ્થિતિ સર્જાઇ છે. અમુક ભાગોમાં માઇનસ 41 ડિગ્રી તાપમાનથી સંસાધનો પણ થીજી થવા જેવી સ્થિતિમાં આવી ગયા છે. પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. ટેકસાસમાં પણ તાપમાનમાં અસામાન્ય ઘટાડો થવાની ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા ફેબ્રુઆરી-2021 જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને પાવરગ્રીડને નુકસાન ન થાય તે માટે આગોતરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અમેરિકામાં અનેક ભાગોમાં બાયડન તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
ઘરવિહોણા લોકો અને વૃધ્ધોની ખાસ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. પ્રવાસ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે ખરાબ હવામાનમાં ફસાઇ જવાનું જીવલેણ સાબિત થઇ શકે તેમ હોવાથી લોકોને અત્યંત સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. મીસોરીમાં બરફ આચ્છાદિત માર્ગ પર વાહન પલ્ટી જતા એક વ્યકિતનું મૃત્યુ નિપજયું હતું.
મીસીગનમાં લોકોની સુરક્ષા માટે વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્કુલોમાં પણ રજા જાહેર કરીને પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. અમેરિકામાં ગુરૂવારે 2156 ફલાઇટો રદ કરી નાખવામાં આવી હતી. આ સિવાય શુક્રવારની 1પ76 ફલાઇટો રદ કરી નાખવામાં આવી હતી. શિકાગો તથા ડેનવેરમાં મોટા ભાગની ફલાઇટો બંધ કરી દેવામાં આવી હતી. અસામાન્ય હવામાન બદલાવને કારણે શરણાર્થી કેમ્પો પણ હાઉસફુલ થઇ ગયા છે.