– રડતી આંખો, રૂંધાતા ગળા અને સ્મશાનમાં સળગતી ચિતાઓ… લઠ્ઠાકાંડમાં બિહારની આ કેવી હાલત!
બિહારમાં અનેક ઘરોમાં માતમ છે, મહિલાઓ સુહાગની નિશાનીઓ મિટાવીને રોકકળ કરી રહી છે, પિતાનો પડછાયો ગુમાવનારા બાળકો રડી રહ્યા છે અને જવાનજોધ દીકરાઓના મૃતદેહ જોઈને ઘરડી માતાઓ બેભાન થઈ રહી છે, કારણ છે મોતની પોટલી. બિહાર આમ તો ઐતિહાસિક રાજ્ય પણ કાયદો અને વ્યવસ્થાના કારણે આખા દેશમાં બદનામ, નીતિશ કુમાર દારૂબંધી લઈને તો આવ્યા પણ ઝેરી દારૂ પીવાના કારણે થતી મોતને રોકી ન શક્યા.
- Advertisement -
લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 53 પહોંચ્યો
દારૂબંધી વાળા બિહારમાં ઝેરી દારૂ પીવાના કારણે સારણ જિલ્લામાં જ 53 લોકોના મોત થયા છે અને હજુ તો કેટલાય લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બહરૌલી એક એવું ગામ છે જ્યાં એક સાથે 11 પુરુષોની અર્થી ઉઠી.
126 આરોપીની ધરપકડ
પોલીસ દ્વારા સારન જિલ્લામાં રેડની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને SIT બનાવી દેવામાં આવી છે, અત્યાર સુધીમાં ચાર હજાર લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યું છે અને 126થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. એક SHO અને ચોકીદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
ગામોમાં સન્નાટો અને મોતનું માતમ
બિહારમાં જે ગામોમાં લોકોના મોત થયા છે ત્યાં આખેઆખા ગામમાં માતમનો માહોલ છે. મૃતકોમાં એક યુવાન એવો છે જે ગુજરાતમાં કામ કરતો હતો પણ ગામડે ફરવા માટે ગયો હતો દારૂ પીવાના કારણે જીવ ગુમાવ્યો, આ યુવકનો 11 મહિનાનો દીકરો ઘોડિયામાં રમે છે.
નીતિશ કુમાર નશામુક્તિના મસીહા બનવા ચાલ્યા હતા
નોંધનીય છે કે વર્ષ 2016માં નીતિશ કુમારે રાજ્યમાં દારૂબંધી કરી નાંખી હતી. જોકે તે બાદથી અનેક વાર દારૂના કારણે જ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ લઠ્ઠાકાંડ બાદથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સડકથી લઈને વિધાનસભા સુધી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે હજુ સુધી પોલીસ એ બતાવવામાં નિષ્ફળ રહી છે કે કાંડમાં મુખ્ય આરોપી કોણ છે.
અસંવેદનશીલતાની હદ
જોકે બિહારના નેતાઓને જાણે આ મોતથી કોઈ ફરક જ ન પડતો હોય તેવા નિવેદન કરી રહ્યા છે, ખુદ મુખ્યમંત્રીએ કહ્યું કે જે પીશે એ તો મરશે જ ને! નીતિશ કુમારે કહ્યું કે બિહારના લોકોએ સાવધાન રહેવું જોઈએ કે દારૂબંધી છે તો નકલી દારૂ વેચાશે, દારૂ ન પીવું જોઈએ. આટલું જ નહીં તેમણે વળતર આપવાની ના પાડી અને કહ્યું કે આવા લોકોને સંવેદના આપી ને સમજાવવા જોઈએ જેથી હવેથી આવું ન થાય.
અસંવેદનશીલતાની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે રાજ્યના એક મંત્રીએ તો એમ કહ્યું કે આપણે ખેલકૂડ કરીને બોડી ફીટ રાખવી જોઈએ, જેથી આવી દારૂથી મોત નહીં થાય.