માનસિક બીમારીઓનું એક મોટું કારણ અપરાધ ભાવનો બોજ
સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા દોશી તથા વિદ્યાર્થિની રંજન ઝાપડીયાએ 1195 લોકો પર કર્યો સરવે
- Advertisement -
માનસિક બીમારીઓનું એક મોટું કારણ અપરાધભાવનો બોજ છે. માણસ અતાર્કિકતા અને ઘણી વખત ખોટા આવેશમાં આવીને ખોટો નિર્ણય લઈ લેતા હોય છે જેનો અપરાધભાવ કે ગિલ્ટ તેને ઘણી વખત ડિપ્રેશન સુધી પહોંચાડી શકે અને આત્મહત્યા સુધી વાળી શકે. આ બોજની નીચે દબાયેલ વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક, વ્યક્તિગત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.સ્વદોષમાં વ્યક્તિ પોતાની જાતનું નકારાત્મક રીતે મૂલ્યાંકન કરે છે. આવા લોકોને તકલીફની લાગણીઓ તેમજ વારંવાર નિષ્ફળતાની લાગણીઓનો અનુભવ થાય છે.જ્યારે સ્વદોષ ની લાગણી વધારે પડતી દુ:ખદાયક બની જાય ત્યારે તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે.જેમ કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત ભૂતકાળમાં કરેલ કોઈ કાર્ય વિશે અફસોસ અથવા તેના વિશે સ્વદોષ આપણને આગળ વધવા દેતો નથી અને જેના કારણે ઘણી વખત ડિપ્રેશન કે આત્મહત્યા સુધી પણ પહોંચી શકતો હોય છે. સ્વદોષવૃત્તિ ધરાવતા લોકો દરેક નિષેધક ઘટના પાછળ પોતાને જ જવાબદાર માને છે. તેઓ માને છે કે દરેક નિષેધક બાબતો પોતાને કારણે જ થાય છે. ક્યારેક તેઓ પોતાની જાતને અપશુકનિયાળ માનવા લાગે છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ઝાપડીયા રંજન દ્વારા ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં સરવે કરવામાં આવ્યો
સર્વેની માહિતી માટે મુલાકાત અને ગુગલફોર્મ દ્વારા મેળવવામાં આવી. સાથે કાઉન્સેલિંગ માટે આવેલ કેસોના વિશ્લેષણ પરથી માહિતી નું તારણ કાઢવામાં આવ્યું. 940 લોકો પાસેથી ગુગલફોર્મ દ્વારા, 210 કાઉન્સેલિંગના કેસનું વિશ્લેષણ અને 45 લોકોની પાસેથી મુલાકાત દ્વારા માહિતી મેળવવામાં આવી. આમ કુલ 1195 લોકોની માહિતી પરથી તારણ તારવવામાં આવ્યું.
સ્વદોષના લક્ષણો
ચિંતા, હતાશા, સતત રડવું આવવું, અનિંદ્રા , સ્નાયુમા તણાવ, ભૂતકાળની ભૂલોને વાગોળવી અને તેનો અફસોસ થયા કરવો, અપચો , તણાવનો અનુભવ, સામાજિક પ્રવૃત્તિમાં રસ ગુમાવવો, સતત થાક લાગવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી , આત્મહત્યા ના વિચારો , આત્મવિશ્વાસ નો અભાવ , ધ્યેય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ,પોતાની જાતને નકારવી, લઘુતાગ્રંથિ, નકારાત્મક વિચારો વગેરે
- Advertisement -
61.3% લોકો ભૂતકાળના કાર્યનો અફસોસ અનુભવે છે
ભૂતકાળમાં કે ઉંમરના જોશમાં આવીને કે ઉતાવળમાં લીધેલ કોઈ નિર્ણય કે કોઈ કાર્ય એ સાવ દોષ કે અપરાધભાવનું કારણ બની રહે છે. ઘણા કાર્ય એવા હોય છે જે ક્યારેક થઈ જતા હોય છે જેના માટે સમય, સંજોગ, પરિસ્થિતિ જવાબદાર હોય છે પણ તેની ગિલ્ટ આજીવન રહી જતી હોય છે.
81.9% લોકોને કોઈ વ્યક્તિની મદદ ન કર્યાનો અફસોસ
વ્યક્તિની અંદર મદદ કરવાની વૃત્તિ પડેલ હોય છે પણ તેંહ પ્રમાણ અલગ અલગ હોય છે. કોરોના વખતે બે પ્રકારના લોકો જોવા મળ્યા હતા જેમાં એક વર્ગ સતત કોઈની મદદ કરતો જ્યારે એક વર્ગ વસ્તુઓની કાળા બજારી કરતો. અહીં લોકોને મદદની ના પાડ્યા પછી પણ અફસોસ અનુભવાય છે જેની ગિલ્ટ તેમને ઘણી વખત વિચારતા કરી મૂકે છે.
75.7% લોકો વિશ્ર્વાસઘાતને ભૂલી શકતા નથી
વિશ્ર્વાસ જ્યારે તૂટે તેની અસર વ્યક્તિ પર ઘણી થતી હોય છે. વધુ પડતો વિશ્ર્વાસ મુક્યો હોય તેવા લોકો પાસેથી જ્યારે યોગ્ય પ્રતિક્રિયા ન મળે ત્યારે પણ વ્યક્તિને ગિલ્ટની લાગણી અનુભવાય છે. વિશ્વાસ તૂટતા વ્યક્તિ તણાવમાં ગરકાવ થઈ શકે અને તેની ઘણી નિષેધક અસરો થઈ શકતી હોય છે.
68.6% લોકોને ભૂલો યાદ આવતા સ્વદોષ અનુભવાય છે
ભૂતકાળમાં ઘણી બાબતો હોય છે જેને લોકો ભૂલી પણ નથી શકતા અને સ્વીકારી પણ નથી શકતા. એવી ભૂલો જે વ્યક્તિ ને સતત યાદ આવતી હોય તેને કારણે પણ વ્યક્તિ ગિલ્ટ અનુભવી શકે.