ભાગીદારોનાં વિવાદમાં હવાલો લઈને P.I. મેહુલ ગોંડલિયાએ રેપની ફરિયાદની ધમકી આપી
નિર્દોષ યુવાનને પચ્ચીસેક ફડાકા ઝીંક્યા, બેલ્ટ અને ધોકાથી બેફામ માર માર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ ફરી એકવખત વિવાદમાં આવી છે, આખોય પોલીસ બેડો શર્મસાર બને એવી ઘટના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટી છે. ભૂતકાળમાં શહેરના ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. અને પોલીસ કમિશનરે જે રીતે કાયદાના રક્ષકની જગ્યાએ ભક્ષકની ભૂમિકા ભજવી હતી તે રીતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં વર્તમાન પી.આઈ. મેહુલ ગોંડલિયાએ રક્ષકની જગ્યાએ ભક્ષકની ભૂમિકા ભજવી છે. મેહુલ ગોંડલિયાએ અરજદારને ન્યાય અપાવવાની જગ્યાએ ઢોર માર માર્યો છે એટલું જ નહીં, તેમણે રીઢા ગુનેગારોનો સાથ આપ્યો છે. આ મતલબની એક અરજી રાજકોટનાં પોલીસ કમિશનરને અપાઈ છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરમાં એક અરજી કરવામાં આવી છે. દર્પણ બારસિયા નામની વ્યક્તિને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ વાંક વગર ઢોરમાર માર્યા અંગે તથા તેમની વિરૂદ્ધ કડક ખાતાકીય અને કાનૂની પગલાં લેવા અંગેની અરજી રાજકોટ પોલીસ કમિશનરમાં થઈ છે. દર્પણ બારસિયા નામની વ્યક્તિએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરુદ્ધ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મેં અગાઉ સતિષ બટુકભાઈ શિંગાળા, હાર્દિક મોલિયા, ચિરાગ મોલિયા વિરૂદ્ધ અરજી આપેલી હતી. સતિષ શિંગાળા ધંધામાં મારા રૂપિયા 35 લાખ ઓળવી ગયાની ફરિયાદ પણ મેં આપેલ હતી. સતિષ શિંગાળા અને તેનાં સાગરિતોએ મારી હત્યા કરવાની કોશિશ કરી હતી. એ વિશે દર્પણે કમિશનરને અરજી કરી હતી. જે મુંજકા ખાતે ફોરવર્ડ થઈ હતી – જ્યાં આરોપી વિરૂદ્ધ કશાં જ પગલાં લેવાયા ન હતા અને ફરિયાદ પણ નોંધાઈ ન હતી.
આ બધી બાબતો ચાલું હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ પોતાનો સ્ટાફ મોકલી મને ક્રિસ્ટલ મોલ પાસેથી ઉઠાવી લીધો હતો. તારીખ 5 જુલાઈ 2022ની સાંજે લગભગ 7 વાગ્યે મને ઉઠાવી લીધો અને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જ્યાં પી.આઈ. ગોંડલિયાએ મને લગભગ પચ્ચીસેક તમાચા માર્યા હતા અને કહ્યું હતું કે, ‘તારી વિરૂદ્ધ સતિષે અરજી કરી છે!’ અરજી મને દેખાડી સુદ્ધાં ન હતી, મને કહ્યું હતું કે, ‘તારી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ છે!’ વાસ્તવમાં આવો કોઈ જ કેસ મારી પર નથી, ફરિયાદ પણ નથી. તેમ છતાં મને ઢોરમાર મારીને મારા મોબાઈલમાંથી સતિષ અને તેનાં મિત્રોનાં તમામ રેકોર્ડિંગ ડિલીટ કર્યા હતાં. ત્યારબાદ સતિષ શિંગાળા ત્યાં આવ્યો હતો. પછી પી.આઈ. ગોંડલિયાએ તેની હાજરીમાં – જાણે તેને ખુશ કરવા માંગતા હોય તેમ મને પટ્ટાથી અને પ્લાસ્ટિકનાં ધોકાથી બેફામ માર માર્યો હતો. સાંજે સાત વાગ્યે મને પકડ્યો અને રાત્રે અઢી વાગ્યે છોડ્યો. આ દરમિયાન તેમણે મારો મોબાઈલ અને એપલ વોચ ફોર્મેટ કરી નાંખ્યા. આમ, કોઈ જ વાંક-ગુના વગર, હું ફરિયાદી હોવા છતાં મને પી.આઈ. ગોંડલિયાએ ઢોરમાર માર્યો હતો અને કાયદા વિરૂદ્ધ જઈને મને અધમૂઓ કરી નાંખ્યો હતો. પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરૂદ્ધ કાનૂની પગલાં ભરવા તથા આ સાથેની મારી જૂની અરજી (તા. 21/11/2021)ની કાર્યવાહી પણ આગળ વધારવા આપને નમ્ર અરજ છે. આપ સાહેબ પર અમને સંપૂર્ણ ભરોસો છે. પરંતુ અમને ન્યાય નહીં મળે તો નાછૂટકે અમારે હાઈકોર્ટ સુધી જવા ફરજ પડશે એવું અરજદાર દર્પણ બારસીયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરુદ્ધ કરેલી અરજીમાં પોલીસ કમિશનરને જણાવ્યું છે.
- Advertisement -
ભોગ બનનાર યુવાન દર્પણ બારસિયા
રાજકોટ જિલ્લા યુવા ભાજપનાં પ્રમુખ સતિષ શિંગાળાએ પોલીસ સાથે મળી આ પાપકર્મ કર્યું હોવાનો આક્ષેપ
સતિષ શિંગાળાએ જિલ્લા યુવા ભાજપ પ્રમુખના અને મેહુલ ગોંડલિયાએ તાલુકા પી.આઈ.ના હોદ્દાનો દુરુપયોગ કર્યો
દર્પણ બારસીયાએ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા વિરુદ્ધ ધંધામાં નીકળતાં 35 લાખ રૂપિયા ન આપવાની ફરિયાદ કરી હતી. આ સિવાય દર્પણ બારસીયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયાએ કોઈ જ વાંક-ગુના વગર તેને ઢોરમાર માર્યા અંગેની અરજી કરી છે. આખો મામલો સમજતા ખ્યાલ આવે છે કે, રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયાએ પોતપોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને કાયદાને હાથમાં લીધો છે. ભાજપના કેટલાંક ટોચના નેતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કહેવાથી જ પી.આઈ. ગોંડલિયાએ ફરી એકવખત રાજકોટ પોલીસ વિવાદમાં આવે અને પોલીસ બેડો શર્મસાર થાય તેવું કૃત્ય આચર્યું છે.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ગોંડલિયાએ સતિષ શિંગાળા પાસેથી હવાલો લીધો હતો?
ધંધામાં ભાગીદારી છૂટી થતા સતિષ શિંગાળાને દર્પણ બારસીયાને રૂપિયા 35 લાખ રૂપિયા આપવાના હતા. સતિષ શિંગાળા પૈસા આપી રહ્યો ન હતો. આ દરમિયાન જાણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ સતિષ શિંગાળા પાસેથી દર્પણ બારસીયાને પૈસા માંગતો ભૂલાવી દેવાનો હવાલો લીધો હોય તેમ તેમણે દર્પણ બારસીયાને ક્રિસ્ટલ મોલ પાસેથી ઉઠાવી લીધો હતો. પી.આઈ. ગોંડલિયાએ દર્પણ બારસીયાને પચ્ચીસેક ફડાકા મારી કહ્યું હતું કે, ‘તારી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ છે!’ હા! કદાચ સતિષની બોગસ અરજી જરૂર હતી ! હકીકતમાં કોઈ જ કેસ દર્પણ બારસીયા પર ન હતો, કોઈ ફરિયાદ પણ ન હતી તેમ છતાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસીયાને પટ્ટા અને દંડા વડે ઢોરમાર મારીને મારા મોબાઈલમાંથી સતિષ અને તેનાં મિત્રોનાં તમામ રેકોર્ડિંગ ડિલીટ કર્યા હતાં. સતિષ શિંગાળાની હાજરીમાં પી.આઈ. ગોંડલિયાએ દર્પણ બારસીયાને માર માર્યો હોય જાણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ સતિષ શિંગાળા પાસેથી હવાલો લઈ દર્પણ બારસીયા ધંધામાં લેવાના થતા 35 લાખની ઉઘરાણી ન કરે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.