અક્ષર માર્ગ પર યોગ ટીચર સાથે અશ્ર્લિલ હરકત કરનારને પોલીસે ઝડપી પાડ્યો
બે વર્ષમાં 100થી વધુ મહિલાઓની છેડતી કરી હોવાનું કૌશલ પિપળીયાએ કબૂલ્યું
- Advertisement -
કુસ્તીમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચુકેલા યુવાને પોતે વિકૃત આનંદ માટે જ આવુ કરતો હોવાનું સામે આવ્યું
રાજકોટ શહેરમાં 13 દિવસ પહેલા અક્ષર માર્ગ પર યોગા ટીચર લિફટમાં જઇ રહ્યા હતાં ત્યારે તેની સાથે અત્યંત વિકૃત હરકત કરી પોતાનું ગુપ્તાંગ બતાવી તેમજ મારકુટ કરી ભાગી ગયો હતો. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી અને આવા વિકૃતને દબોચી લેવા પોલીસ સામે પડકાર આવી ગયો હતો. માલવીયાનગર પોલીસની ટીમે ચૂંટણી બંદોબસ્ત કરવાની સાથે સાથે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પણ રાત દિવસ એક કર્યા હતાં અને અંતે આ શખ્સને દબોચી લીધો હતો. કુસ્તીમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચુકેલા દેવપરાના આ યુવાને પોતે અંગત આનંદ માટે જ આવુ કરતો હોવાનું અને છેલ્લા બે વર્ષથી આ રીતે એકલ દોકલ મહિલાને શિકાર બનાવતો હોવાનું કબુલ્યું હતું. પોતાની મજા માટે તે વહેલી સવારે ઘરેથી નીકળી દેવપરા પાસેના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્લેટને કપડાથી ઢાંકી દેતો, પોતે પણ મોઢે માસ્ક, માથે ટોપી પહેરી લેતો અને બાદમાં છેડતી કરવા જતો હતો. રોજની બે-ત્રણ મહિલાની તે છેડતી કરી ભાગી જતો હતો. પોલીસે કૌશલ રમેશભાઇ પીપળીયાને દબોચી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી. પોલીસની વિસ્તૃત પુછતાછમાં માત્ર યોગા ટીચર જ નહિ શહેરની અનેક પોશ વિસ્તારની સોસાયટીઓમાં આ શખ્સે છેલ્લા બે વર્ષમાં 100થી વધુ મહિલા, યુવતિઓને પોતાની હરકતનો ભોગ બનાવી હોવાનું કબુલ્યું હતું. પરંતુ આબરૂ જવાની બીકે કે પછી શરમને કારણે ભોગ બનનાર કોઇએ ફરિયાદ નોંધાવી નહોતી. છેલ્લે 22 નવેમ્બરના રોજ યોગા ટીચર આવી હરકતનો ભોગ બનતાં તેમણે હિમ્મત દાખવી ફરિયાદ કરી હતી અને માલવીયાનગર પોલીસની ટીમ કામે લાગી ગઇ હતી. પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ આવ્યા હતાં પરંતુ તેમાં મોઢુ દેખાતુ નહોતું. બાઇકના ફૂટેજ પણ મળ્યા હતાં પરંતુ તેમાં નંબર પ્લેટ ઢાંકેલી હાલતમાં હતી. પોલીસ માટે આ વિકૃતને શોધી કાઢવો પડકારરૂપ બની ગયું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસે ચૂંટણી બંદોબસ્તની સાથે સાથે આ ગુનો ડિટેક્ટ કરવા પણ રાત દિવસ એક કરી દીધા હતાં. જેના ભાગ રૂપે મોલ, દૂકાન, ઓફિસ, ઘર, શેરી-મહોલ્લા, સોસાયટીઓના હોલ, આઇ-વે પ્રોજેક્ટના કેમેરાના ફૂટેજ મળી અંદાજે 1500 જેટલા ફુટેજ ચેક કર્યા હતાં. લાલ જમ્પરવાળુ બાઇક કે જેની નંબર પ્લેટ ઢાંકી દેવામાં આવેલી હોય છે એ બાઇક ક્યા કયા રસ્તેથી જાય છે, કઇ તરફ નીકળે છે અને છેલ્લે ક્યાં જાય છે એ શોધવા પોલીસે આકાશપાતાળ એક કરી દીધા હતાં અને અંતે સફળતા મળી હતી.
પોલીસે તપાસ શરૂ કરી પછી અમુક સોસાયટીઓના રહેવાસીઓ સામેથી જુના ફૂટેજ લઇને આવ્યા હતાં. એકાદ વર્ષ પહેલા પણ સતત આવી ઘટનાઓ પંચવટી, પર્ણકુટીર, ઇન્દ્રપ્રસ્થ, એસ્ટ્રોન સોસાયટી સહિતના વિસ્તારોમાં બની હોઇ અને ત્યારે પણ એક નંબર વગરના ટુવ્હીલર પર આવતો શખ્સ આ રીતે મહિલાઓ-યુવતિઓની પજવણી કરી હલકી હરકત કરી ભાગી જતો હોવાની માહિતી મળતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. અંતે ફૂટેજને આધારે પોલીસ આરોપીનું બાકઇ જે રસ્તે આવ-જા થતું હતું તેના આધારે દેવપરા વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાંના બધા નાકા દબાવી વોચ રાખી હતી.
- Advertisement -
આરોપી કૌશલ મનોરોગી
આ બનાવ અંગે અઈઙ બી.જે.ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, કૌશલ પોતે કુસ્તીબાજ છે અને તેણે ચાર વખત ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું છે છતાં તે મનોરોગથી પીડાય છે અને છેલ્લા એક થી દોઢ વર્ષના સમય દરમિયાન તેણે આ પ્રકારે અનેક યુવતીઓ તેમજ સ્ત્રીઓની છેડતી કરીને વિકૃત આનંદ મેળવ્યો હતો અને તેનો મનરોગ આવું કરવા માટે તેને મજબુર કરતો હોવાની કબૂલાત કૌશલે આપી હતી.
જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરી કાર્યવાહી હાથ ધરી છે. કૌશલ અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે.
ઝડપાયેલો કૌશલ કુંડલીયા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા યાર્ડમાં પેઢી ધરાવે છે. તે અગાઉ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં સતત ચાર વર્ષ ચેમ્પિયન રહેતાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કૌશલ કુંવારો છે અને તેનો મોટો ભાઇ વિદેશ રહે છે. દરરોજ સવારે શેઠ હાઇસ્કૂલની જીમમાં જવાની આદત ધરાવતો કૌશલ એક દિવસ જીમમાં જતો અને બે દિવસ રજા રાખી પોતાની વિકૃત હરકતો સંતોષવા નીકળી પડતો હતો અને એક જ દિવસમાં બે કે વધુ મહિલાને શિકાર બનાવી ભાગી જતો હતો. જે રસ્તે તે છેડતી કરતો ત્યાંથી પાછો વળવાને બદલે બીજા જ માર્ગ શોધી નીકળી જતો હતો. પંચવટીમાં છેડતી કરી હોય તો આડો અવળો થઇ મવડી ઓવર બ્રીજ થઇ અટીકા થઇ ત્યાંથી જંગલેશ્વર તરફ જતો અને છેલ્લે જ્યાં સીસીટીવી કેમેરા ન હોય એવા રસ્તેથી દેવપરા તરફ જઇ ઘરે પહોંચી જતો હતો અને રોજીંદા કામોમાં પરોવાઇ જતો હતો.