લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)
- Advertisement -
રાષ્ટ્રવિરોધી તત્વોને જાકારો આપવાનો અવસર ચૂકશો નહીં
મતદાન અવશ્ય કરજો…
પરિવર્તન એટલે શું? જે ખરાબ છે એને સારું કરીએ ત્યારે તે પરિવર્તન કહેવાય, પ્રગતિ કહેવાય. સારાનું ખરાબ કરવાથી પરિવર્તન થતું નથી. તેને અધોગતિ કહેવાય. છતી આંખે ખાડામાં પડવું કહેવાય. તમારી હાઉસિંગ સોસાયટીની ચૂંટણીમાં, તમારી જ્ઞાતિની ચૂંટણીમાં, શૈક્ષણિક સંસ્થાની ચૂંટણીમાં તમે સજ્જનોને હરાવીને કોઈ માથાભારે, ગામના ઉતાર જેવા, ગુંડા-મવાલીની પેનલને જીતાડવાનું પાપ કર્યું છે ક્યારેય? તો પછી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ‘આપ’ને વોટ આપવાનું પાપ કેવી રીતે થાય? કોંગ્રેસને વોટ આપવાનો નૈતિક અપરાધ કેવી રીતે થાય?
- Advertisement -
રાહુલ અને કેજરીવાલ- આ બંનેમાંથી કોણ મોટો નૌટંકીબાજ, વિશ્ર્વાસઘાતી, જુઠાડો અને નિર્લજ્જ નેતા છે તે કહેવું મુશ્કેલ છે. બેઉ એકબીજાની સાથે આ બાબતે ગળાકાપ સ્પર્ધા કરી રહ્યા છે. બેઉના અનુયાયીઓ, ચમચાઓ તથા જીહજુરિયાઓ પણ આવી જ સ્પર્ધામાં છે અને ગુજરાતની પવિત્ર ભૂમિને તેઓએ પોતાના જોકરવેડા દેખાડવા માટે બાપની જાગીર સમજી લીધી છે.
‘આપ’ અને કોંગ્રેસિયાઓ તમને જે કંઈ કહે, તમારે એમને પૂછવાનું કે દેશનો ટોટલ એક્સપોર્ટમાં ગુજરાતનો ફાળો કેટલો છે તે ખબર છે!
દેશમાંથી બીજા દેશોમાં જે માલ વેચવામાં આવે છે તેની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલો છે એની આ ભાંગફોડિયાઓને, ભ્રષ્ટાચારીઓને જાણ છે ખરી?
આવતી કાલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે મતદાન થશે, પાંચમીએ બાકીના 93 મત વિસ્તારોમાં. આ નેવ્યાસી મત વિસ્તારો સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના છે.
પાંચમીએ સાંજે બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થયા પછી ટીવી/ ડિજિટલ માધ્યમો એક્ઝિટ પોલ કરશે અને એ એક્ઝિટ પોલનાં પરિણામો ‘આપ’ તથા કોંગ્રેસની પોલ ખુલ્લી પાડશે. અત્યારે મોટાં મોટાં બણગાં ફૂંકતા ખાલિસ્તાનપ્રેમી પાર્ટીના નેતાઓ અને કૌભાંડી કોંગ્રેસીઓ કાગળના વાઘ બનીને ફરતા હતા અને એમણે ખોળે બેસાડેલું મીડિયા એમને ઉછળી-ઉછળીને ગીરના સિંહ ગણાવતું હતું તે આખીય રમત પાંચમીની સાંજના એક્ઝિટ પોલમાં ઉઘાડી પડી જવાની અને આઠમીએ સત્તાવાર મહોર લાગી જવાની.
પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં લાગેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ યાદ છે તમને? ફિલ્મના છેલ્લા સિન સુધી ઓડિયન્સને કશ્મકશમાં રાખવામાં આવે છે કે દુલ્હનિયાને દિલવાલો લઈ જશે કે નહીં, ઓડિયન્સને ભૂલાવી દેવામાં આવે છે કે તમે થિયેટરમાં એન્ટર થયા ત્યારથી જ તમને ખબર છે અને ટિકિટ પર લખીને આપ્યું છે, બહાર મોટું પાટિયું પણ માર્યું છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અંત નિશ્ર્ચિત જ છે. ફિલ્મવાળાઓ તો ત્રણ કલાક સુધી તમને ગમ્મત કરાવીને કરોડો કમાવા માગે છે.
આ ટીવી / ઈલેકટ્રોનિક ડિજિટલ કે પ્રિન્ટ મીડિયાનું આવું જ છે. સૌ કોઈને ખબર છે કે ભાજપ જીતવાની છે, પ્રચંડ બહુમતીથી જીતવાની છે ને વિલનનાં સૂપડાં સાફ થઈ જવાનાં છે. આમ છતાં, છેવટ સુધી, આઠમી ડિસેમ્બરે પરિણામો આવવાનાં શરૂ થશે ત્યાં સુધી તમને સાંભળવા મળશે કે ‘દેખતે હૈં આખિર મેં કિસકા પલડા ભારી હૈ’, ‘રેસ મેં કિસકા ઘોડા વિન મેં હૈ.’
કેટલાક લોકો ઈલેકશનના ન્યુઝ આપતી વખતે મોદીની સાથે કેજરીવાલ અને રાહુલના ફોટાઓ પણ આપણને દેખાડે છે ત્યારે થાય કે આ ઘોડાની રેસ છે જેમાં એક જ જાતવાન ઘોડો દોડી રહ્યો છે તો પછી આ લોકો ગધેડાની અને ખચ્ચરની તસવીર સાથે શું કામ છાપતા કે ટીવીના પડદે બતાવતા હશે?
ભલે.
‘આપ’ અને કોંગ્રેસિયાઓ તમને જે કંઈ કહે, તમારે એમને પૂછવાનું કે દેશનો ટોટલ એક્સપોર્ટમાં ગુજરાતનો ફાળો કેટલો છે તે ખબર છે! દેશમાંથી બીજા દેશોમાં જે માલ વેચવામાં આવે છે તેની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલો છે એની આ ભાંગફોડિયાઓને, ભ્રષ્ટાચારીઓને જાણ છે ખરી? ત્રીસ ટકા. ઓલમોસ્ટ વન થર્ડ જેટલો માલ ગુજરાતમાં બનીને વિદેશમાં વેચાય છે. 130 કરોડની વસ્તીમાં ગુજરાતની વસ્તી કેટલા ટકા છે? પાંચ ટકા કરતાં પણ ઓછી, અને નિકાસમાં ફાળો 30 ટકા! આ ગુજરાત છે. વિદેશી મૂડી રોકાણને આકર્ષવામાં છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં 1થી 3ની વચ્ચે રહ્યો છે.
ગુજરાતના શિક્ષણ તંત્રને પાપિયાઓ બદનામ કરે છે અને બગલબચ્ચુ મીડિયા એકલદોકલ અપવાદોને ઉછાળી ઉછાળીને તમારા સુધી પહોંચાડીને છાપ એવી ઊભી કરે છે કે સમગ્ર ગુજરાતના શિક્ષણ તંત્રના આવા બેહાલ છે. આની સામે બિકાઉ મીડિયા દિલ્હીમાં કેજરીવાલે હજારો સ્કૂલોને ખંડેર રાખીને એકને જરાતરા રંગરોગાન કરાવ્યું હોય તો એ એક અપવાદને દેખાડ-દેખાડ કરીને કેજરીવાલ વતી તમારી આંખોમાં ધૂળ નાખે છે કે જુઓ, દિલ્હીમાં આ માણસ કેવું સુંદર કામ કરે છે. કેજરીવાલની બદમાશીને અને મીડિયા સાથેની એમની ભાગબટાઈને સમજવાની કોશિશ કરો, મિત્રો. કોઈ તમને સતત મૂર્ખ બનાવી જતું હોય ત્યારે કોઈકની તો ફરજ બને કે તમારી આગળ સાચું ચિત્ર રજૂ કરે.
સાચું ચિત્ર એ છે કે ગુજરાતમાં નવાં નવાં ક્ષેત્રોની યુનિવર્સિટીઓ ખુલતી ગઈ છે જેને કારણે ગુજરાતના યુવાનો માટે ભણતરની, તાલિમની, રોજગારની નવી નવી તકો સામે આવે છે. ગુજરાતમાં શિપિંગ યુનિવર્સિટી છે, પેટ્રોલિયમ, રક્ષાશક્તિ, ફોરેન્સિક સાયન્સ વગેરે ક્ષેત્રોની યુનિવર્સિટીઓ આજે ગુજરાતમાં છે. ગુજરાતમાં મા-બહેનો સલામત છે. સ્ત્રીઓને કોઈ પણ પ્રકારના ક્રાઈમનો ભય નથી. સમાજ સુરક્ષિત છે. કોંગ્રેસના જમાનામાં અને કોંગ્રેસનું જોર હતું તે ગાળામાં છાશવારે હુલ્લડો થતાં. કરફયુ લાગતા. 2002 પછી જન્મેલા અને પ્રથમવાર મતદાન કરવા જતા મતદારોએ કરફ્યુનું શાસન કેવું હોય તે જોયું જ નથી, કરફ્યુ શબ્દ જ નથી સાંભળ્યો, કોમી હુલ્લડ જોયાં નથી, રાયટ્સ શબ્દ સાંભળ્યો નથી. ગુજરાતની, ગુજરાતનું અઢી દાયકાથી શાસન કરતી ભાજપની, આ ઘણી મોટી ઉપલબ્ધિ છે. કાલે (કે પાંચમીએ) મતદાન કરવા ઘરેથી નીકળો ત્યારે મનમાં સતત આ વાતનું રટણ કરજો.
કેજરીવાલનાં જુઠ્ઠાણાંઓને એમની ગેંગના સ્થાનિક ગેંગસ્ટરોએ ખૂબ ચલાવ્યાં. દિલ્હીમાં પ્રદૂષણ કેટલું વધી ગયું છે, શ્ર્વાસ લેવાની પણ ક્યારેક તો તકલીફ પડે છે- આ વાત દિલ્હી જતાં-આવતાં, ત્યાં રહેતાં તમામ લોકોએ અનુભવી છે છતાં કેજરીવાલ ખુલ્લેઆમ જુઠ્ઠાણું ચલાવે છે કે એશિયામાં સૌથી પ્રદૂષિત એવાં દસ શહેરોમાં દિલ્હીનું નામ હતું, હવે નથી. હકીકત એ છે કે સૌથી પ્રદૂષિત શહેરોના ટોપ ટેનના લિસ્ટમાં દિલ્હી નંબર વન છે.
કેજરીવાલની મફત વીજળી, મફત પાણી, મફત શિક્ષણ, મફત પ્રવાસ, મફત દારૂ, મફત લોલિપોપની જાહેરાતોના ચક્કરમાં ફસાતા પહેલાં વિચારજો કે કેજરીવાલ જો ગુજરાતમાં આ બધું મફતમાં આપવા જશે તો શું થશે?
કેજરીવાલની ઈમેજ ચકચકિત કરવાના પૈસા લેનારા મીડિયા વારંવાર આવા જુઠ્ઠાણાંઓ આપણા સુધી પહોંચાડે છે, આપણને મૂર્ખ બનાવે છે અને આપણે આવા મીડિયા પર ભરોસો રાખીને હોંશે-હોંશે મૂરખ બની તમને મોદી માટે જે આદર છે તે ઓછો થઈ જાય, ભાજપ પ્રત્યેનો લગાવ ઘટી જાય અને સરકાર પરથી તમારો વિશ્ર્વાસ ઊઠી જાય એવી મીડિયાની ત્રણ બદમાશીઓ વિશે તમારું ધ્યાન દોરું. આવતી કાલે મોરબીમાં અને આસપાસના તમામ વિસ્તારોમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં રહેતાં મતદારોએ આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે.
પહેલો કિસ્સો: મોરબીની પુલ હોનારત પછી ઈજાગ્રસ્ત થયેલા એક યુવાનના પગે સાદી પાટાપિંડી હતી પણ વડાપ્રધાન જ્યારે હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે એ યુવાનના આખા પગે મોટું પ્લાસ્ટર બાંધી દેવામાં આવ્યું. જેને કંઈ વાગ્યું નથી એને બનાવટી દર્દી બનાવીને રજૂ કરવામાં આવ્યો એવું જુઠ્ઠાણું સોશ્યલ મીડિયા પર અને ટીવી મીડિયામાં ચલાવવામાં આવ્યું. અશ્ર્વિન નામના આ યુવાને કહ્યું કે એ પુલ પરથી નદીમાં પડ્યો ત્યારે એને વાગ્યું હતું, હોસ્પિટલમાં પાટો બંધાવીને ઘરે જતો રહ્યો પણ ફરી દુ:ખાવો શરૂ થયો એટલે ફરી એ હોસ્પિટલે ગયો જ્યાં એક્સ-રે કઢાવીને ખબર પડી કે ફ્રેકચર છે એટલે પ્લાસ્ટર લગાવવામાં આવ્યું. વડાપ્રધાનને દેખાડવા માટે મુન્નાભાઈની ફિલ્મની જેમ ડમી દર્દી ઊભો કરવામાં આવ્યો હતો એવું મીડિયાનું જુઠ્ઠાણું ઉઘાડું પડી ગયું.
બીજો કિસ્સો: પુલના સમારકામ માટે અને આ હોનારત માટે જવાબદાર હોવાનો જેમના પર આક્ષેપ છે તે ઓરેવા ગ્રુપના સ્થાપક ઓધવજી પટેલ સાથે મોદીને ઘરોબો છે એટલે એમને બચાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે એવો પ્રચાર કરનારા મીડિયાએ એક ફોટો તમને બતાવ-બતાવ કર્યો જેથી તમે માની લો કે ઓધવજીભાઈ અને મોદી કેટલા નજીક છે. મોદી જેમને પ્રેમથી મળી રહેલા દેખાય છે એ ઓધવજી પટેલ નથી પણ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે અને આ તસવીર એક વર્ષ જૂની છે અને ઓધવજી પટેલ તો મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં, આજથી દસ વર્ષ અગાઉ 2012માં 87 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા હતા એની જાણ પ્રજાને કરવામાં આવી ત્યારે છેક મીડિયાની બદમાશી ઉઘાડી પડી.
ત્રીજો કિસ્સો: નામિબિયાથી ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા અને મોદીએ એ વખતે ફોટોગ્રાફી કરી ત્યારે કેમેરાનું ઢાંકણ તો બંધ હતું એવા ફોટા દેખાડીને તમને જતાવવામાં આવે છે કે મોદી તો માત્ર પોતાનો ફોટો પડાવવા માટે આ બધા ખેલ કરે છે.
મોદીને ફોટોગ્રાફીનો શોખ છે અને એમને કેમેરા ચલાવતા આવડે છે એ જગજૂની વાત છે. ગુજરાતમાં હતા ત્યારે એમણે સલમાન ખાન સામે ઉત્તરાયણ વખતે ફોટોગ્રાફી કરી હતી, બીજા ઘણા પ્રસંગોએ કરી હતી તેના સચિત્ર સમાચાર આપણે જોયા છે.
ચિત્તાની તસવીર લેતાં મોદીના લેન્સ પરનું ઢાંકણું હટાવ્યું નથી એવું ચિત્ર ઉપસાવવામાં આવ્યું. હકીકત એ છે કે ફોટોશોપની કમાલવાળી બનાવટી તસવીર હતી. મોદીની ખૂબ મજાકો ઉડાવાઈ આ તસવીર બદલ. પણ આ તસવીર બનાવટી છે, છેડછાડ કરેલી છે તે કોઈએ જોયું નહીં. મોદી ‘નિકોન’ કેમેરાથી તસવીર પાડી રહ્યા હતા અને ફોટોશોપ કરનારા બદમાશે કેમેરાની બ્રાન્ડ જોયા કર્યા વિના ‘કેનન’નું ઢાંકણું લેન્સ પર ચિપકાવી દીધું અને જુઠ્ઠાણું પકડાઈ ગયું.
હવે આ ત્રણેય કિસ્સાઓમાં તો સત્યશોધન સહેલું હતું. પણ ધારો કે ફોટોશોપ કરીને બનાવટ કરનારાએ ધ્યાન રાખીને ‘નિકોન’નું જ ઢાંકણ લગાવ્યું હોત તો શું તમારે માની લેવાનું કે મોદી દેખાડો કરે છે? ધારો કે ઓરેવાના સ્થાપક ઓધવજીભાઈને મોદી હુંફથી મળે છે એવી સાચી તસવીર દેખાડવામાં આવે તો આપણે માની લેવાનું કે મોદી આ લોકોને બચાવી રહ્યા છે?
ભવિષ્યમાં બનાવટી ન્યુઝ ચલાવનારા વધારે તકેદારી રાખીને, પોતે પકડાઈ ન જાય એનું ધ્યાન રાખીને ફેક ન્યુઝનો વેપલો કરશે જ કરશે. તમારે આવા વખતે શું કરવાનું?
સીધી વાત છે. મીડિયા પર ભરોસો નહીં રાખવાનો અને તમને જેમના પર આદર છે, દેશ આખાને જેમના માટે માન છે એવી વ્યક્તિ આવું કરે જ નહીં એમ માનીને તમારો ભરોસો અકબંધ રાખવાનો.
મોદી જ નહીં, દેશની સેવા કરનારા- હિન્દુત્વની સાચવણી કરનારા- કોઈપણ માણસની ઈમેજને લાંછન લગાડતા ન્યુઝ કોઈપણ મીડિયા છાપે/ પ્રસારિત કરે ત્યારે જો આ સલાહ માની હશે તો છાતી ઠોકીને કહું છું તમારો ભરોસો સો ટકા સત્ય પુરવાર થશે, થશે ને થશે જ. હા, સત્ય પુરવાર ન થાય ત્યાં સુધી જુઠ્ઠાણાનું વાતાવરણ રહે અને ત્યાં સુધી આજુબાજુવાળા તમને મહેણાંટોણાં મારી જાય એ સ્વાભાવિક છે. એટલું સહન કરી લેવાનું. જે લોકો દેશનું, સમાજનું, હિન્દુત્વનું આટલું મોટું કામ કરી રહ્યા હોય એમના માટે તો જાન પણ ન્યોચ્છાવર કરી દેવાનો હોય, આટલું સહન ન થાય?
કેજરીવાલની મફત વીજળી, મફત પાણી, મફત શિક્ષણ, મફત પ્રવાસ, મફત દારૂ, મફત લોલિપોપની જાહેરાતોના ચક્કરમાં ફસાતા પહેલાં વિચારજો કે કેજરીવાલ જો ગુજરાતમાં આ બધું મફતમાં આપવા જશે તો શું થશે! ગુજરાતનું વાર્ષિક બજેટ રૂપિયા 2 લાખ 42 હજાર કરોડનું છે. એની સામે કેજરીવાલે જે ચૂંટણીવચનો આપ્યાં છે તે પૂરા કરવા માટે 3 લાખ 60 હજાર કરોડ રૂપિયા જોઈએ! સરકારી પગારો, બીજા રેગ્યુલર ખર્ચાઓ જેનો બજેટમાં સમાવેશ થયો છે તે ઉપરાંતના 3 લાખ 60 હજાર કરોડ રૂપિયા કેજરીવાલ ક્યાંથી લાવશે, કેવી રીતે વચનો પૂરાં કરશે એનો કોઈએ વિચાર પણ કર્યો છે? કેજરીવાલનાં વચનો પર કોઈનેય ભરોસો નથી. ‘આપ’ને અપાયેલો પ્રત્યેક વોટ વેડફાઈ જવાનો છે અને કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટ્યો એટલે તમારે તમારા હાથે જ કુહાડો તમારા પગ પર મારવા બરાબર છે.
મોદીથી માંડીને અમિત શાહ અને સૌ કોઈ તદ્દન નાના પાયે જોડાઈને પોતાની ક્ષમતા પુરવાર કરીને ટોચના નેતા બન્યા છે
ઘરમાં બેસીને ટીકા-ટિપ્પણ કરવાથી કે વોટ્સએપના ફોરવર્ડિયાઓ વાંચીને સંતોષ મેળવી લેવાથી કંઈ નહીં થાય. દેશ માટેની નિષ્ઠા બતાવવા જતાં કોઈ તમને ‘મોદીભક્ત’ કહે તો એમાં લજ્જાવાનું નહીં, ગૌરવ મેળવવાનું
આ વખતે ચૂંટણીમાં મતદાન કરવા જઈએ કે ન જઈએ કોઈ ફરક નથી પડતો, આમેય બીજેપી તો જીતવાની જ છે એવું માનીને ઘરે બેસી રહેવાથી ઘણું મોટું નુકસાન થશે. પેલા લોકો પોટલી આપીને, રોકડ આપીને, ટેમ્પોમાં ભરી-ભરીને લોકોને લાવશે, બોગસ મતદાન કરાવવાની કોશિશ પણ કરશે. આવા મતદારો આળસ કરશે તો ક્યાંથી ચાલશે?
ભાજપમાં અમારું કોઈ સાંભળતું નથી, ભાજપમાં બધી સત્તા મોદી અને અમિત શાહના હાથમાં કેન્દ્રિત થયેલી છે, સત્તાનું વિકેન્દ્રીકરણ નથી થયું એવી ફરિયાદ કેટલાક ભાજપ સમર્થકો કરતા હોય છે એમને સંબોધીને બે વાત કહેવાની.
જો તમને એમ લાગતું હોય કે તમારી પાસે દેશને આગળ લઈ જવા માટેના કોઈ નક્કર આઈડિયા છે, સૂચનો છે, તો આગળ આવો અને સંગઠનમાં જોડાઈને તમારી મહેનતથી આગળ વધો. જો તમને લાગતું હોય કે ભ્રષ્ટાચારની બાબતમાં ભાજપમાં કોઈ તમારી ફરિયાદ સાંભળતું નથી તો ઘરે બેસી રહેવાને બદલે ભાજપમાં જોડાઈને તમારી ફરિયાદ સૌ કોઈ સાંભળે એવું કરો. મોદીથી માંડીને અમિત શાહ અને સૌ કોઈ તદ્દન નાના પાયે જોડાઈને પોતાની ક્ષમતા પુરવાર કરીને ટોચના નેતા બન્યા છે. ઘરમાં બેસીને ટીકા-ટિપ્પણ કરવાથી કંઈ નહીં વળે, કામ કરવું પડે, મહેનત કરવી પડે, નિષ્ઠા પુરવાર કરવી પડે અને દહીં-દૂધમાં પગ રાખ્યા વિના જે સાચો માર્ગ છે, સારો માર્ગ છે ત્યાં કાંટા-પથ્થર હોય તો પણ એના પર ચાલીને જાતને ઘસવી પડે. આવું કરવામાં અંગત જિંદગીના કેટલાક હિસ્સાનો, કેટલાક સપનાંનો ભોગ આપવો પડે તો આપવાનો. તો જ આ દેશ મજબૂત થાય. ઘરમાં બેસીને ટીકા-ટિપ્પણ કરવાથી કે વોટ્સએપના ફોરવર્ડિયાઓ વાંચીને સંતોષ મેળવી લેવાથી કંઈ નહીં થાય. દેશ માટેની નિષ્ઠા બતાવવા જતાં કોઈ તમને ‘મોદીભક્ત’ કહે તો એમાં લજ્જાવાનું નહીં, ગૌરવ મેળવવાનું.
એક નાનકડો પર્સનલ કિસ્સો કહીને આજની વાત પૂરી કરું.
2019ના જનરલ ઇલેકશનની વાત છે. મારું મતદાન મથક મારા ઘરથી માત્ર બસો ડગલાં દૂર આવેલી સ્કૂલમાં હતું. સવારે સાત વાગ્યે લાઈનમાં ઊભો રહી ગયો ત્યારે ખાસ્સી એવી લાંબી લાઈન હતી. સાડા આઠ વાગ્યે મતદાન કરીને ઘરે પાછો આવતો હતો ત્યારે લિફ્ટ પાસે જૂનો દૂધવાળો મળ્યો. મને જોઈને હસતાં હસતાં એ લિફ્ટમેનને કહે, ‘લો, આ ગયે મોદીભક્ત!’ દેશમાં વાતાવરણ જ એવું છે કે જેની ડાબા હાથની પહેલી આંગળીએ જાંબલી ટપકું દેખાય એ સૌ મોદીને જીતાડવા, કમળનું બટન દબાવવા, વહેલી ઊઠીને મતદાન મથકે પહોંચી જશે એવું સૌ કોઈ માની લેશે. આવું માનનારાઓ ખોટા પુરવાર ન થાય એ જોવાની જિમ્મેદારી તમારી.