બે કાર સહિત 13.31 લાખનો મુદ્દામાલ જપ્ત, LCB ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા પોલીસ મથક વિસ્તારમાં લતીપર રોડ પર આવેલ તિરુપતિ એન્ટરપ્રાઈઝ નામની પેઢીના ગોડાઉનમાં બે દિવસ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા અને તેમાં રહેલ રૂ. 8.21 લાખની કિંમતના 3400 કિલો જીરું ભરેલા 68 કટ્ટાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં તિરુપતિ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. સંચાલકની ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી હતી તે દરમીયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ટંકારાની પેઢીમાંથી ચોરાયેલ જીરૂનો જથ્થો ભીમસર ગામના નકુલ ઉર્ફે નીકુલ કરશન મંદરિયા તેમજ વીરેન વિજય રાઠોડ નામના શખ્સોએ ચોરી કર્યો હોય અને હાલ આ જીરું તેઓ સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે મોરબીના ઉમિયા સર્કલ આસપાસ વોચ ગોઠવી હતી અને આરોપી નકુલ ઉર્ફે નીકુલ કરશન મંદરિયા, વીરેન વિજય રાઠોડ, રાહુલ રાજુભાઈ કુંઢીયા, પપુ નવાભાઈ પરમાર, પાંગળા નાનજીભાઈ ડામોર અને હરેશ નરશુંભાઈ મોહનીયાને ઝડપી લીધા હતા તેમજ આરોપીઓ પાસેથી પોલીસે 8.16 લાખની કિંમતના જીરુના 68 કટ્ટા, બે કાર, વજન કાંટો અને મોબાઈલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ ટીમે આરોપીઓની પુછપરછ કરતા આ તસ્કરીમાં દિનેશ તેજીયાભાઈ મેડા અને અજય પ્રકાશભાઈ ભુરીયાનું પણ નામ ખુલતા પોલીસે બંને શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.