આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના બે વીડિયો સામે આવ્યા છે. તેમનો મસાજ કરતી વખતે પહેલો વીડિયો વાયરલ થયો હતો. બીજા વિડિયોમાં તે જેલની બહાર ખાવાનું ખાતા જોવા મળ્યા હતા
દિલ્હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો છે. જાહેર કરાયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સત્યેન્દ્ર જૈન જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે મુલાકાત કરી રહ્યા છે. આ વીડિયો આ વર્ષે 12 સપ્ટેમ્બરનો જણાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના બે વીડિયો સામે આવ્યા છે. તેમનો મસાજ કરતી વખતે પહેલો વીડિયો વાયરલ થયો હતો. બીજા વિડિયોમાં તે જેલની બહાર ખાવાનું ખાતા જોવા મળ્યા હતા. હવે ત્રીજો વીડિયો બીજેપી નેતા હરીશ ખુરાનાએ ટ્વીટ કર્યો છે. તેણે લખ્યું, ‘લો પ્રમાણિક મંત્રી જૈનનો નવો વીડિયો. રાત્રે આઠ વાગ્યે જેલ મંત્રીની કોર્ટમાં જેલ અધિક્ષકની હાજરી.
- Advertisement -
મહત્વનું છે કે, 19 નવેમ્બરના રોજ મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈન અને કેટલાક કેદીઓ પાસેથી મસાજ મેળવતા દર્શાવતો વીડિયો સામે આવ્યા બાદ તિહાર જેલ પ્રભાવશાળી કેદીઓને આપવામાં આવતી વીઆઈપી સુવિધાઓ અંગેના વિવાદના કેન્દ્રમાં છે. માલિશ કરનાર કેદીને પાછળથી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આરોપી જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે વિવિધ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આ એક જૂનો વીડિયો છે, જેના પર કાર્યવાહી થઈ ચૂકી છે અને તત્કાલિન જેલ અધિક્ષક અજીત કુમાર સહિત સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે, આ વીડિયો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લીક કરવામાં આવ્યો હતો, જેણે સત્યેન્દ્ર જૈન સામે તેની તપાસના ભાગ રૂપે તેને મેળવ્યો હતો.
#WATCH | More CCTV visuals of jailed Delhi Minister and AAP leader Satyendar Jain in Tihar jail come out: Sources pic.twitter.com/4c6YdJ2bAL
- Advertisement -
— ANI (@ANI) November 26, 2022
આજે કોર્ટમાં ચુકાદો
બીજી તરફ ધાર્મિક આસ્થાના આધારે જેલમાં ભોજન આપવાની વિનંતી કરતી સત્યેન્દ્ર જૈનની અરજી પર દિલ્હીની કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલ શુક્રવારે આ મામલે આદેશ આપવાના હતા, પરંતુ તેમણે તેને 26 નવેમ્બર, શનિવાર સુધી મુલતવી રાખ્યો હતો. આવેદનમાં જેલ સત્તાધીશોને તાત્કાલિક મંત્રીની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી પણ કરવામાં આવી હતી.
સત્યેન્દ્ર જૈને શું આરોપો લગાવ્યા હતા ?
સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે, જેલમાં તેમને સામાન્ય ભોજન અને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 31 મેના રોજ જૈનની ધરપકડના દિવસથી તે જૈન મંદિરની મુલાકાત લઈ શક્ય ન હતા. તેઓ જૈન ધર્મના કટ્ટર અનુયાયી હોવાના કારણે તે ધાર્મિક ઉપવાસ કરી રહ્યા હતા પરંતુ તેમને રાંધેલા ખોરાક કઠોળ, અનાજ અને દૂધની બનાવટો આપવામાં આવતી નથી. એવો દાવો કરવામાં આવ્યો છે કે, મંત્રી જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે.
જેલ પ્રશાસને શું કહ્યું ?
આ તરફ જેલ પ્રશાસને આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કોર્ટને કહ્યું હતું કે, સંબંધિત વહીવટીતંત્ર કોઈપણ કેદીને વિશેષ સુવિધાઓ આપે તેવી અપેક્ષા રાખવી ખોટી છે. જેલ પ્રશાસને દાવો કર્યો છે કે, તમામ કેદીઓને પૌષ્ટિક અને સંતુલિત ખોરાક આપવામાં આવે છે અને તેમાં જાતિ અને ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી.
નોંધનીય છે કે, જૈનની CBI દ્વારા 2017માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમની સામેના કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 17 નવેમ્બરે કોર્ટે જૈનને આ કેસ અને અન્ય બે કેસમાં જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જૈન પર કથિત રીતે તેમની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે.