-ગુલમર્ગ, પહેલગામ, શ્રીનગર સહિત કાશ્મીરમાં સર્વત્ર તાપમાન શૂન્યની નીચે
-પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપીમાં વરસાદ-ભારે પવનની આગાહી: હજુ ઠંડી વધશે
- Advertisement -
દેશના અનેક ભાગોમાં હાડ થિજાવતી ઠંડીનો દોર શરુ થયો હોય તેમ સિઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો માઈનસમાં સરકયો છે. રાજસ્થાનના કેટલાંક ભાગોમાં કોલ્ડવેવની હાલત છે. ઉતર તથા ઉતર પશ્ચીમી દિશાના બરફીલા પવનોને કારણે ઉતર પશ્ચિમ, મધ્ય તથા પુર્વીય ભારતના રાજયોમાં ઠંડીનો ચમકારો છે.
શિયાળામાં પ્રથમ વખત તાપમાનનો પારો માઈનસમાં સરકયો હોય તેમ કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાં તાપમાન શૂન્ય ડીગ્રીથી નીચે ઉતરી ગયુ હતું. શ્રીનગરમાં ન્યુનતમ તાપમાન માઈનસ 0.8 ડીગ્રી નોંધાયું હતું. આ સિવાય કાઝીકુંડમાં માઈનસ 2, પહેલગામમાં માઈનસ 4.4, કુપવાડામાં માઈનસ 2.4, કોકરનાગમાં માઈનસ 1, ગુલમર્ગમાં માઈનસ 2.4 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. લેહમાં માઈનસ 9, કારગીલમાં માઈનસ 10.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.
ઉતર ભારતના પર્વતીય ભાગોમાં વધુ હિમવર્ષા થવાની આગાહી વચ્ચે બરફીલા પવનોથી અન્ય રાજયો પણ કાતિલ ઠંડીના ભરડામાં આવવા લાગ્યા છે. રાજસ્થાનના અનેક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. સીકરના ફતેહપુરમાં સૌથી ઓછુ 2.4 ડીગ્રી તાપમાન હતું. રાજયના 10 શહેરોમાં કોલ્ડવેવની હાલત હતી.
- Advertisement -
ધુમ્મસને કારણે લોકો હાલાકીમાં મુકાયા હતા. ચુરૂમાં છેલ્લા 10 વર્ષમાં નવેમ્બરમાં બીજા નંબરની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. હજુ એકાદ-બે દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. કોટા, ચુરૂ તથા અજમેરમાં તાપમાન 6 ડીગ્રી સુધી સરકી ગયુ હતું.
હવામાનશાસ્ત્રીઓએ કહ્યું કે પર્વતીય ભાગોમાં હિમવર્ષાનો સિલસિલો છે તે અટકયા બાદ બરફીલા પવનથી ઠંડી વધુ વધશે. ઉતરપ્રદેશ તથા હરિયાણામાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે અને હવે કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.
પંજાબ, હરિયાણા, ઉતરીય રાજસ્થાન, દિલ્હી તથા પશ્ચીમી ઉતરપ્રદેશમાં હળવા વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની શકયતા હોવાથી હજુ ઠંડીમાં વધારો થવાની શકયતા છે. મધ્યપ્રદેશમાં પણ બદલાતા મોસમ વચ્ચે કોલ્ડવેવની શકયતા છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર હેઠળ આજથી હવામાન વધુ બદલાશે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરી પાકિસ્તાન તથા આસપાસના ભાગોમાં છે. અપર એર સાયકલોનિક સરકયુલેશન રાજસ્થાન પર છે. પર્વતીય ભાગોમાં હિમપાત તથા વરસાદની શકયતા છે. ભૂસ્ખલન પણ થઈ શકે છે.