મોરબી માળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ખર્ચની હાસ્યાસ્પદ રકમ રજૂ કરી !
મંડપ, કાર્યાલય, ઠેર ઠેર લાગેલા હોર્ડિંગ સહિતનો લાખોનો ખર્ચ ક્યાં ગ્યો ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ચુંટણી લડતા ઉમેદવારો દ્વારા તેમણે ચુંટણી પ્રચાર દરમિયાન કરેલ ખર્ચની વિગત જાહેર કરવામાં આવી હતી. આ વિગતમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલે આશ્ચર્યજનક ખર્ચની રકમ જાહેર કરી છે જેમાં જયંતીભાઈએ માત્ર તેમનો ચુંટણી ખર્ચ રૂ. 10,300 જ રજુ કર્યો હતો. છ-છ વખત ચુંટણી લડવાનો અનુભવ ધરાવતા જયંતિભાઈએ આ ચુંટણી ખર્ચ જુના અનુભવના આધારે રજુ કર્યો છે કે અન્ય કોઈ પરીબળ ભાગ ભજવી રહ્યું છે તેવા સવાલો પણ ઉભા થયા છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા નોમીનેટ કરવામાં આવેલ ઉમેદવારના ખર્ચ ઓબ્ઝર્વર તેમજ તેમની નીચેની આખી ટીમે જયંતિભાઈનો ખર્ચ એસી ઓફિસમાં બેસીને માન્ય કરી લીધો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મોરબી માળીયા બેઠક પર વિવિધ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલ ચૂંટણી ખર્ચ મુજબ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ રૂ. 4,90,460 ખર્ચ રજૂ કર્યો હતો તો સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજભાઈ પટેલ દ્વારા રૂ. 10,300 જેટલો જ ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો.
મોરબી બેઠકમાં 24 કલાક ધમધમતા કાર્યાલય અને તેમાં પણ મંડપ, ચા-પાણી, મોટા પાયે રોજ નાસ્તા સહિતના ખર્ચ ઉપરાંત અનેક સ્થળોએ હોર્ડીંગ સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ હોવા છતાં જયંતિભાઈએ માત્ર રૂ. 10,300 ના ખર્ચનો ઉલ્લેખ કર્યો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ચાર ગણાથી વધુ એટલે કે રૂ. 53,465 રજૂ કર્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈએ રજૂ કરેલ ચૂંટણી ખર્ચ 10 અપક્ષ ઉમેદવારથી માત્ર 300-400 જ વધુ જોવા મળ્યો છે જેમાં અપક્ષ ઉમેદવાર ઈકબાલ કટિયાએ રૂ. 10,050 જ્યારે બીજા અપક્ષ ઉમેદવાર ગોપાલ સીતાપરા, હસન મોવર, અકબર જેડા, શાહમદાર દાઉદશા, આરીફ ખાન, મહમદ હુસેન, નિરુપમા મધુ તેમજ જાદવ મહેશભાઈએ રૂ. 10,050 ચૂંટણી ખર્ચ રજુ કર્યો હતો જ્યારે બીએસપીના ઉમેદવાર કાસમ સુમરાએ રૂ. 10,030 ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો.