અવિરત વિકાસ યાત્રાને પ્રાધાન્ય એટલે સંજય કોરડિયા
જૂનાગઢને પાયાની સુવિધાઓ અપાવવાની મેં નેમ લીધી છે: કોરડિયા
- Advertisement -
ગિરનારની ધરતી શાસકની નહીં સેવકની ધરતી
પ્રવાસનને ઉદ્યોગ સાથે જોડી આર્થિક વિકાસને પ્રાથમિકતા અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 86 વિધાનસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર સંજય કોરડિયા એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે સંજયભાઇ એક લોક સેવકની સાથે અગ્રણી ઉદ્યોગપતિ તરીકે સારી એવી નામના મેળવી ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ યુવા નેતા પર વિશ્ર્વાસ મૂક્યો છે. જેને લઇને જૂનાગઢમાં પાયાની સુવિધા અપાવવાની નેમ સાથે તેઓ ચૂંટણીનાં મેદાનમાં ઉતર્યા છે. જૂનાગઢ શહેર પ્રવાસન ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે પ્રવાસનને ઉદ્યોગ સાથે જોડીને લોકોનો આર્થિક વિકાસ થાય તેવા મંત્ર સાથે ચૂંટણી મેદાનમાં આવ્યો છું તેવું ખાસ-ખબર સાંધ્ય દૈનિકનાં જૂનાગઢ કાર્યાલયે શુભેચ્છા મુલાકાતે આવેલાં સંજય કોરડિયાએ જણાવ્યું હતું.
- Advertisement -
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મને રાજકારણ આવડતું નથી, લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ મને જીતાડશે તેવો મને વિશ્ર્વાસ છે. હું રોજ સવારે માતાજીને પ્રાર્થના કરૂ છું કે, લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભરોસો ઓછો ન થવા દઉં એવી સદબુદ્ધિ આપજો.
વધુમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે, આટલા વર્ષો મારી પાસે સત્તા હોવા છતાં કોઇ દિવસ મેં અંગત સ્વાર્થના કાર્યો કર્યા નથી અને એટલે જ લોકો મને ચાહે છે. અગાઉ એકવાર ચૂંટણી હાર્યો હતો. ત્યાર પછી મેં મનોમંથન કર્યું કે શું ઘટયું? ત્યારે મને સમજાયું કે લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભરોસો ઘટયા ત્યાર બાદ મેં જનસેવાને જ મારા જીવનનો મંત્ર બનાવીને મારૂં બધુ જ જનસેવામાં લગાડી દીધું. ભગવાને મને માંગ્યા કરતા વધારે આપ્યું છે એટલે મારે પૈસા માટે રાજકારણ કરવાની જરૂર નથી. પણ ભગવાને મને જે આપ્યુ એનો ઋણ ઉતારવા લોકસેવાના કાર્યો કરૂ છું અને કરતો રહીશ. હાર-જીત તો ગૌણ છે અને રાષ્ટ્રવાદની રાજનિતીને મારૂં પ્રથમ પ્રાધાન્ય આપવાની નેમ સાથે હું આ ચૂંટણીમાં આગળ વધી રહ્યો છું.
ખાસ-ખબરની મુલાકાતે સંજય કોરડિયા
જૂનાગઢ 86 વિધાનસભા ભાજપનાં ઉમેદવાર સંજય કોરડિયા ખાસ-ખબર જૂનાગઢ આવૃત્તિનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ખાસ-ખબરની મુલાકાત વેળાએ સંજય કોરડિયાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢનાં વિકાસ કાર્યોને વધુ પ્રાધાન્ય આપીને લોકોની સુખાકારી કેમ વધે અને પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ હરણફાળ ભરે તેવી નેમ સાથે કાર્યો કરવાની મને જે તક મળી છે તેને હું પુરૂં પ્રાધાન્ય આપીશ.
જૂનાગઢમાં પાયાની સુવિધાઓ મળે એ જ મારી નેમ: કોરડિયા
જૂનાગઢ શહેરમાં જે ગતિથી કાર્યો થઇ રહ્યા છે તે કાર્યોને વધુ ગતિ મળે અને હજુ વધુ પાયાની સુવિધા જેમ કે, શહેરનાં જાહેર શૌચાલયો, સીટી બસ સુવિધા, ગેસની પાઇપલાઇન, પાણી, રસ્તાના પ્રશ્ર્નો ઝડપભેર પુરા થાય તે દિશામાં કામ કરીશ.
વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવાની મારી ફરજ
જૂનાગઢ જિલ્લો ખેતી અને પ્રવાસન ક્ષેત્ર તરીકે એક પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે ખેડૂતોના અને પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી એ મારી પહેલી ફરજ હશે. હું ભાજપનો નેતા છું પણ જનતાનો પહેલો પ્રતિનિધી છું હું રાષ્ટ્રવાદી રાજનીતિને માનું છું. નાત-જાતથી પર રહીને વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવાની મારી પહેલી ફરજ હશે.