જૂનાગઢ ‘ખાસ-ખબર’નાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં ભાજપનાં ઉમેદવાર સંજય કોરડિયા વિરૂદ્ધનો માહોલ જોવા મળ્યો
શહેરમાં તૂટેલાં રોડ-રસ્તા મુદ્દે મતદાન બહિષ્કાર
જૂનાગઢ શહેરનાં નગરજનો વિવિધ પ્રશ્ને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે શહેરની નવી કલેક્ટર કચેરી સામે આવેલાં ગીતા નગર, ત્રિવેણી એપાર્ટમેન્ટ, શ્રીધરનગર, અમૃત નગર, ભાગ્યલક્ષ્મી સોસાયટી સહિતનાં સ્થાનિક લોકોએ તૂટેલાં અને બિસ્માર રસ્તાઓ મુદ્દે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આવા સળગતા પ્રશ્ર્ને ભાજપ મોવડી મંડળ નોંધ લેશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે અને જૂનાગઢ શહેરમાં ડેમેજ કંટ્રોલ કરવા મેદાનમાં આવશે કે કેમ? તે જોવું રહ્યું.
- Advertisement -
જૂનાગઢવાસીઓનો આક્ષેપ: ભાજપનાં એકપણ નેતાને પ્રજાના કામ કરવામાં રસ નથી
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીનું મતદાન આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ખાસ-ખબર ટીમ દ્વારા જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ સહિત વિસ્તારોનાં લોકો સાથે સંવાદ કરી તેમનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢવાસીઓએ ભાજપનાં ઉમેદવાર સંજય કોરડિયાનાં વિરોધમાં સૂર વ્યક્ત કર્યો હતો અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન નહીં કરવાનો તેમજ ચૂંટણીનાં બહિષ્કાર કરવા સુધીનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારનો જૂનાગઢને જરા પણ ફાયદો થયો નથી. લોકોએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના જે કોર્પોરેટર છે જ એ જ હવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર છે. આજ સુધી સંજય કોરડિયા પ્રજાની સમસ્યાઓ દૂર કરવા માટે ક્યારેય દેખાયા નથી અને વિસ્તારનાં કોઈ જ કામ કરતા નથી. તો પછી આવા ઉમેદવારને ક્યા આધારે મત આપવો?
ઉલ્લેખનીય છે કે, જેની સાથે નરેન્દ્ર મોદી અને ભાજપ પક્ષનું નામ જોડાય છે તે ચૂંટણી જીતી જાય છે. જો જૂનાગઢનાં વર્તમાન ભાજપ ઉમેદવારસંજય કોરડિયાને આપબળે ચૂંટણી લડવી પડે તો તેઓ ભૂંડેહાલ હારે તેવો જનમત છે. આજ સુધી ભાજપનાં એક પણ આગેવાન જનતાની સમસ્યા જાણવા આવ્યા નથી. ભાજપનાં નેતાઓ માત્ર જ્ઞાતિવાદના જોરે જ ચૂંટણીઓ લડવામાં મસ્ત છે. આજે ચૂંટણીમાં જ્ઞાતિવાદ-ધર્મવાદ અને પક્ષવાદ હોવો ન જોઇએ. અમારા વિસ્તારના ભાજપ ઉમેદવાર સંજય કોરડિયા છેલ્લાં પાંચ વર્ષમાં એકથી બે વાર જોવા મળ્યા છે. શહેરનાં શેરી, ગલી, રોડ રસ્તાની હાલત બદતર છે ત્યારે રોડ-રસ્તા સારા બનાવવા જોઇએ એવી પણ માંગ કરી હતી.
- Advertisement -
નોંધનીય છે કે, જૂનાગઢવારસીઓએ જણાવ્યું હતું કે, અમે એવા ઉમેદવારને મત આપશું કે જે કામ કરે અને અમારા વિસ્તારોના પડતર પ્રશ્ર્નોને ઉકેલ લાવે. હાલની ચૂંટણીમાં પરિવર્તનની જરૂર છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધાના અભાવે અનેક વિસ્તારોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખુલ્લેઆમ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ નવી કલેક્ટર કચેરી સામેની 7 જેટલી સોસાયટીના રહીશોએ રસ્તા મુદ્દે મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે કયાંકને કયાંક શહેરનાં ઘણા ખરા વિસ્તારો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી ચૂકયા છે. ત્યારે હવે ચૂંટણીનું મતદાન નજીક આવી રહ્યું છે એવા સમયે સ્થાનિક પ્રશ્ર્નોની ભરમાર વચ્ચે કેવા ઉમેદવારને મત આપશે તે આગામી 8 ડિસેમ્બરે મતગણતરી પૂર્ણ થયા બાદ ખબર પડશે.
વિરોધ વંટોળ વચ્ચે ભાજપને નુક્સાન થવાનું તારણ
જૂનાગઢ શહેરની બેઠક સહીત જિલ્લાની પાંચ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહયો છે એવા સમયે શાસકપક્ષની સામે વિવિધ સ્થાનિક પ્રશ્ર્નોને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં તો ભાજપ અને તેનાં ઉમેદવારો પ્રત્યે નારાજગી છે જ આ ઉપરાંત પક્ષમાં પણ આંતરિક ખેંચતાણ અને જૂથવાદ જોવા મળી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ શહેર અને જિલ્લાની ચૂંટણી વિરોધનાં વંટોળ વચ્ચે કોને ફાયદો અને કોને નુક્શાન કરાવશે? તે 8 ડિસેમ્બરે જ ખ્યાલ આવશે. પરંતુ મતદારોનાં મૂડ પ્રમાણે આ ચૂંટણીમાં ભાજપને નુક્સાન થવાનું નક્કી મનાઈ રહ્યું છે.