ટંકારાના નસીતપરમાં સભા પૂરી થયા બાદ બનેલી ઘટના
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના નસીતપર ગામે કોંગ્રેસની જાહેર સભા હોય ટંકારા તાલુકા પંચાયતની લજાઈ-2 બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોત જાહેર સભામાં ગયા હતા અને જાહેરસભા પૂર્ણ થયા બાદ ગામના ઝાંપા પાસે ઉભા હતા ત્યારે તેમના કૌટુંબિક જમાઈ અને આરોપી દિનેશભાઇ અઘારાએ કહ્યું હતું કે, તારે પ્રકાશ સાથે શું વાંધો છે જેથી પંકજભાઈએ કહ્યું હતું કે, જે તે સમયે બધું હતું એ હવે પતી ગયું છે ત્યારે બંનેની વાતચીત દરમિયાન જ આરોપી પ્રકાશ રમેશભાઈ, ગામના સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ, દિનેશ અઘારા અને પ્રવીણભાઈ નામના ચારેય આરોપીઓ એક સંપ કરી પંકજભાઈને ઢીંકા પાટુનો માર મારવા મારવા લાગ્યા હતા અને પ્રકાશભાઈ રમેશભાઈ નામના આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારી હવે પછી નસીતપર ગામમાં પગ મુકતો નહીં, નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.
- Advertisement -
ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય પંકજ મસોત ઉપર સરપંચ અને તેના પુત્ર સહીત ચાર વ્યક્તિઓએ હુમલો કરતા ઈજાઓ પહોંચતા પ્રથમ ટંકારા અને બાદમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પંકજ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.