રાજકોટ દક્ષિણ કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા ઉપર 12 કરોડનું દેવું
ગુજરાત ચૂંટણીને પગલે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 96 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાંથી આજે રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્યના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર હિતેશ વોરાએ સોંગદનામામાં જાહેર કર્યું હતું કે, તેમના પર 12 કરોડ રૂપિયાનું દેવું છે. જાણો બંને ઉમેદવારોની સંપત્તિ તેમજ અભ્યાસ વિશે. રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવી છે. હિતેશ વોરા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉમેદવારી પત્ર ભરતાં સમયે તેઓએ પોતાના સોંગદનામામાં પોતાની મિલકતો જણાવી હતી. જે મુજબ હિતેશ વોરા પર 11.77 કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે ખાનગી બેંકમાંથી 3 કરોડની તેમજ 8.75 કરોડ રૂપિયા ઉછીના લીધેલા છે. હિતેશ વોરા પાસે 50 લાખની જંગમ મિલકત છે તેમજ વારસાગત 15 કરોડની મિલકત હોવાનું એફિડેવિટમાં દર્શાવ્યું છે. હિતેશ વોરાએ ગત વર્ષે 4,97,680, તેમની પત્ની સુમિત્રાબેને 4,73,450 અને પુત્ર યશએ 5,40,910નું ઈન્કમટેક્ષ રિટર્ન ભર્યુ છે. તેમની ઉપર હજુ સુધી એકપણ પોલીસ કેસ નોંધાયો નથી. હિતેશ વોરા 10 પાસ છે. હિતેશ વોરા પાસે 4.91 લાખ રૂપિયાની કિંમતના વાહનો છે. પાંચ લાખ રૂપિયાના દાગીના છે અને તેઓએ 50 લાખ રૂપિયા વ્યાજે આપેલા છે. તેમજ રાજકોટ શહેરમાં 2200 ચો.મી. અને 1200 ચો.મી.ના બે પ્લોટ ધરાવે છે. જેની કિંમત આશરે 80 લાખની આસપાસ થવા જાય છે. જ્યારે શાપરમાં પણ એક 4500 ચો.મી.નો પ્લોટ આવેલ છે, જે તેમણે ખરીદયો ત્યારે આ પ્લોટની કિંમત 25થી 35 લાખ હતી. અત્યારે તેની બજાર કિંમત દોઢ કરોડની આસપાસ થવા જાય છે. અત્યારે તેમના હાથ ઉપર રોકડ 2.44 લાખ રૂપિયા છે.
- Advertisement -
રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર પાસે બે કરોડની જમીન
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના અનુસુચિત જાતિના ઉમેદવાર સુરેશભાઈ બથવાર પાસે બે કરોડથી વધુની જમીન છે. તેમના કરતાં તેમના પત્ની પાસે દાગીના વધુ છે. આજે સુરેશભાઈ બથવારે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરતી વખતે મિલકત સહિતની માહિતી આપતું સોંગદનામું રજૂ કર્યું હતું. સુરેશભાઈ બથવારે ગત વર્ષે 5,69,635નું વાર્ષિક ઈન્કમટેક્ષ ભર્યુ છે.
સુરેશ બથવાર ઉપર અત્યાર સુધી એકપણ કેસ નોંધાયો નથી. ચૂંટણી લડવા માટે તેમની પાસે 9,20,800 રૂપિયાની રોકડ છે. જ્યારે પત્ની ડો.ગંગાબેન પાસે 8,10,500ની રોકડ છે. સુરેશભાઈના એચડીએફસી બેંકમાં 4,00,953 રૂપિયા, એસબીઆઈમાં 19,164 અને 3000ની થાપણ છે. જ્યારે પત્ની પાસે એક્સિસ બેંકમાં 57,014 રૂપિયા અને એચડીએફસી બેંકમાં 22,384 રૂપિયાની થાપણ છે. એનએસએસમાં સુરેશભાઈની 5,18,844 રૂપિયા અને પત્નીની 5,11,943 રૂપિયાની બચત છે.
સુરેશભાઈ પાસે 29.13 લાખની ટોયોટા ફોચ્ર્યુનર કાર, પત્ની પાસે 58 હજારની કિંમતનું એકટીવા છે. જ્યારે સુરેશભાઈ પાસે પાંચ તોલા દાગીના છે, જેની કિંમત 2,45,000 થાય છે. પત્ની ગંગાબેન પાસે 21 તોલા સોના ચાંદીના છે, જેની કિંમત 10.29 લાખ થવા જાય છે. સુરેશભાઈ પાસે રાજકોટમાં એક મકાન છે, જેની કિંમત આશરે 1.90 કરોડ આસપાસ થાય છે. આ ઉપરાંત ખાનગી બેંકમાં 19.75 લાખની લોન તેમજ 51 લાખ રૂપિયા ખાનગી વ્યક્તિને ચૂકવવાના બાકી છે. આમ તેઓ ઉપર 70.75 લાખનું દેવું છે. જ્યારે તેમના પત્ની ઉપર 12.59 લાખની ખાનગી બેંકની લોન ભરવાની બાકી છે.