રાજકોટમાં માધાપર ચોકડીનો બ્રિજ બનતો નથી ને રોજ બેડી ચોકડી સુધી વાહનોના થપ્પા લાગે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં માધાપર ચોકડી હવે કિલોમીટરો સુધીના ટ્રાફિકજામનું હોટસ્પોટ બની ગઈ છે. શુક્રવારે તો સવારે 7 વાગ્યાથી જ બ્રિજને કારણે સાંકડા થયેલા રોડ પર 3થી 4 કિ.મી. સુધી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. ઓવરબ્રિજની મંથરગતિએ ચાલતી કામગીરી જ આ સ્થિતિ માટે જવાબદાર છે. માધાપરથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામને કારણે આખો હાઈવે હોર્નના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. આ સ્થિતિ હવે તો રોજનું દૃશ્ય બની ગઈ છે અને રોજ સવારે અને સાંજે લાંબો ટ્રાફિક જામ થઈ જાય છે.
- Advertisement -
રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દોઢ કલાકથી વધારે સમયથી ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. માધાપર ચોકડીથી લઈ મોરબી રોડ સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના કારણે અવારનવાર માધાપર ચોકડી પાસે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાથી માધાપર ચોકડી ખાતે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જો કે, બ્રિજના નિર્માણ કાર્યમાં ઢીલ જોવા મળી રહી છે.
બ્રિજનું કામ જલ્દી પૂરું કરવા લોકોની માગ
માધાપર ચોકડીએ બની રહેલા બ્રિજની કામગીરી ગોકળગતિએ થતી હોવાથી અવારનવાર ટ્રાફિકજામ થઈ જાય છે. આથી વાહનચાલકોને ક્યારેક ક્યારેક તો અડધી કલાક સુધી ઉભું રહેવું પડે છે. જ્યારે આ જ સ્થિતિ બેડી ચોકડીએ પણ જોવા મળે છે. રોજ સવારે એકાદ કિલોમીટરનો તો ચારેય બાજુના રસ્તા પર ટ્રાફિકજામ થાય છે. તેમજ સાંજના સમયે બેડી ચોકડીએ ક્યારેક તો બે-બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ જાય છે. જેના કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે.