નેવી, કોસ્ટગાર્ડ સહિતની ટીમો દ્વારા નદીમાં શોધખોળ ચાલુ
નદીમાં વેલ મોટી માત્રામાં પથરાઈ હોય હજુ પણ વેલને દૂર કરવાની કવાયત ચાલુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં આજે બુધવારે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. હજુ પણ લાપતાની ભાળ મેળવવા નેવી, કોસ્ટગાર્ડ સહિતની ટીમોની બોટ દ્વારા નદીમાં શોધખોળ ચાલી રહી છે તો બીજી તરફ નદીમાં વેલ મોટી માત્રામાં પથરાઈ હોવાથી હજુ પણ વેલને દૂર કરવાની કવાયત ચાલુ છે. આખા દુર્ઘટનાગ્રસ્ત એરિયાને કોર્ડન કરીને હજુ કોઈ લાપતા હોય તો તેની ભાળ મેળવવા માટે વિવિધ ટિમો કામે લાગી છે.
મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પૂલ ગત રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ તૂટી પડતા મોટી સંખ્યામાં પુલ પરથી લોકો નીચે ખબકયા હતા જેથી તાકીદે સ્થાનિક લોકો બાદ સ્થાનિક તંત્ર અને બનાવની રાત્રે જ એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્સ સહિતની તમામ ટિમો આવી પહોંચી અને બોટ સહિતના સાધનોની નદીને ધમરોળીને એક પછી એક ડેડબોડી કાઢતા ગઈકાલ સાંજ સુધીમાં આ દુર્ઘટનાનો કુલ સતાવાર મૃત્યુઆંક 135 એ પહોંચ્યો છે જો કે ગઈકાલે આખો દિવસ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પણ એકપણ લાપતાની ભાળ મળી ન હતી પરંતુ હજુ બે વ્યક્તિ લાપતા હોવાનું મનાતું હોય આજે બુધવારે નદીમાં નેવી તેમજ કોસ્ટ ગાર્ડ સહિતની ટિમો દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
આ ઉપરાંત નદીમાં લીલીવેલ છવાઈ હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણ થતા બે દિવસથી સ્પેશિયલ મશીન મૂકીને વેલ દૂર કરવામાં આવી રહી છે. આજે પણ મશીન મૂકીને વેલ દૂર કરીને ત્યાં બોટ લઈ જઈ કોઈ લાપતા છે કે કેમ તેની શોધખોળ કરવામાં આવી રહી છે જો કે નદીમાં મોટાભાગની બોટ દ્વારા અગાઉની જેમ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ ગઈકાલે મંગળવારથી આજે બુધવારે અત્યાર સુધી સર્ચ ઓપરેશન દરમિયાન નદીમાંથી એકપણ લાપતાની ભાળ મળી નથી પણ વેલ જ્યાં હોય ત્યાં કદાચ કોઈ ફસાયું હોય એવી શંકાના આધારે જેમ જેમ મશીનથી વેલ દૂર થાય કે તુરંત જ બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના સ્થળને હજુ પણ પોલીસ કાફલાએ કોર્ડન કરી રાખ્યો છે. નદી પાસે રેસ્કયુ ઓપરેશન જોવા કે ખોટા આંટાફેરા કરતા લોકોને પોલીસ દ્વારા સલામતી માટે દૂર ખસેડી દેવામાં આવ્યા છે.