જૂનાગઢ શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું: રૂપિયા 4 હજાર કરોડનાં કામની જાહેરાત થશે
ખાસ-ખબર સંવાદદાતા
ચાર વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ પધારી રહ્યાં છે. તેમનાં સ્વાગતની પુરેપુરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.તેમના સ્વાગત માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમજ નરેન્દ્રભાઇ મોદીનાં કાર્યક્રમની તૈયારીઓને લઇ ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનનાં આગમન પહેલા જૂનાગઢને રોશનીથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 2018 બાદ તા.19 ઓકટોબર 2022ના જૂનાગઢ પધારતા હોઇ તેમને આવકારવા વહિવટી તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભા કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે બપોરે 1.30 કલાકે યોજાશે.જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂપિયા ચાર હજાર કરોડથી વધુનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરાશે. જે પૈકી આ ત્રણયે જિલ્લાના રૂપિયા 2400 કરોડના વિકાસ કામોનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જૂનાગઢ ખાતેથી કરાવાશે.વડાપ્રધાનના કાર્યક્રમ યોજાવાનો છે, તે કૃષિ યુનિ. ખાતે વિશાળ સમિયાણુ તૈયાર થઇ ગયું છે. પાર્કિંગની પણ સુઆયોજીત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
- Advertisement -
સેલ્ફી પોઇન્ટ પર ફોટો લેવા પડાપડી
જૂનાગઢનાં નરેન્દ્રભાઇ મોદીનાં કાર્યક્રમ સ્થળ નજીક મોતીબાગ રોડ પર સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અહી વડાપ્રધાનનો કટઆઉટ મુકવામાં આવ્યો છે. લોકોમાં આ સેલ્ફી પોઇન્ટનું ઘેલુ લાગ્યું છે. વડાપ્રધાનનાં કટઆઉટ સાથે ફોટો પડાવવા પડાપડી કરી રહ્યાં છે.
હેરીટેજ સાઇટ, સર્કલ રોશનીથી શણગારયા
વડાપ્રધાન મોદી આવવાનાં હોય જૂનાગઢમાં હેરીટેઝ સાઇટ, સર્કલ, રસ્તા, સરકારી ભવન રોશનીથી શણગારવામાં આવ્યાં છે. જૂનાગઢ શહેરમાં ઠેરઠેર હોર્ડીંગ્સ લગાડવામાં આવ્યાં છે. તેમજ મોતીબાગ અને કોલેજ રોડ પરનાં દબાણ દુર કરવામાં આવ્યાં છે.
જૂનાગઢમાં કોઇ મોટી જાહેરાત નહીં: કચવાટ
કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢમાંથી ગીર સોમનાથ,પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનાં વિકાસનાં કામો અને નવી જાહેરાતો કરશે. પરંતુ જૂનાગઢ માટે કોઇ કામ ન હોય કચવાટ જોવા મળ્યો છે. તેમજ સોશિયલ મિડીયા પર ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.
- Advertisement -
PM આવતા હોય લોકોમાં ઉત્સાહ: ભાજપ
જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી મંત્રી દેવાભાઇ માલમ,રાજેશ ચુડાસમા, ધવલભાઇ દવે, કિરીટભાઇ પટેલ, પુનીત શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનાં આગમનને લઇ લોકો અને ભાજપનાં કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે. ભાજપ દ્વારા ચાર દિવસથી વિવિધ સંગઠનો સાથે બેઠક કરવામાં આવી છે. જૂનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને જાહેરાત થશે.
ડીવાઇડરને રાતોરાત રંગ રોગાન કરાયા
જૂનાગઢ શહેરનાં મુખ્યો માર્ગ પર ડીવાઇડરને રંગ રોગાન કરવામાં આવ્યું છે. આ કામગીરી પુર ઝડપે કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં આગમન પહેલા શહેરનાં માર્ગો પર સફાઇનો દોર શરૂ થયો છે. છેલ્લા 3 દિવસથી સતત સફાઇ કરવામાં આવી રહી છે. ઉપરાંત મોતીબાગ રોડ ઉપર વડાપ્રધાન મોદીનાં 5 ફૂટ થી લઇ 18 ફૂટ સુધીનાં કટઆઉટ પણ મૂકવામાં આવ્યાં છે.