ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે 14 વર્ષની માસૂમ પુત્રીના બલિ મામલે આખા ધાવા ગામમાં અને ધૈર્યાની શાળામાં કોઈ વળગાડની વાત માનવા તૈયાર નથી, આથી તેની હત્યા વળગાડ કાઢવા નહીં, પણ બલિ ચઢાવવા માટે જ કરાઈ હતી એવું સાબિત થઈ ગયું છે.
લોકોમાં તો એવી વાતો પણ થાય છે કે પહેલાં ધૈર્યા નહીં, તેના મોટાબાપા દિલીપની દીકરીનો બલિ ચઢાવવાનો હતો, પણ તે ધૈર્યાથી ઉંમરમાં થોડી મોટી હોવાથી તેને અંદાજ આવી જતાં આનાકાની કરતાં વાત પડતી મુકાઈ હતી. ગામલોકોમાંથી મળતી વિગતો મુજબ, જો તેને વળગાડ હોય તો તેનું વર્તન તો અસહજ હોય જ, પણ છેક છઠ્ઠા નોરતા સુધી તે શાળામાં નવરાત્રિ મહોત્સવમાં પણ આવી હતી અને શિક્ષકો કે સાથે ભણતી વિદ્યાર્થિનીઓને પણ ક્યારેય એવું નથી લાગ્યું, આથી જ ભાવેશ અને દિલીપના વળગાડ કાઢવા દરમિયાન તેનું મૃત્યુ થયાની વાત લોકોના ગળે નથી ઊતરતી અને એનો રીતસર બલિ જ ચઢાવાયો હોવાનું લોકોનું દૃઢપણે માનવું છે. લોકો ત્યાં સુધી કહે છે કે બંને ભાઇ ન તો તાંત્રિક છે કે ન તો કોઇ વિદ્યાના જાણકાર. આ તેઓ એકલા કરી શકે એવું કામ નથી. તાલાલાના ગામલોકોમાં ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ ધાવા (ગીર) ગામના ગ્રામજનો ઘટના અંગે પોલીસને બાતમી આપેલી હતી. જે મુજબ શંકાસ્પદ સ્થિતિમાં 14 વર્ષિય દીકરીના અંતિમ સંસ્કાર કરી દેવાયા હોય અને અંધશ્રધ્ધાની આડમાં કોઈ વિધિ કરવાના બહાને દીકરી ધૈર્યા ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા તેનું મોત થયું હોવાની બાતમીદારે માહિતી આપેલી હતી. આ માહિતીમાં કેટલું સત્ય છે તે ચકાસવા પોલીસ તુરંત એલર્ટ થઈ હતી. સ્થાનિક તાલાલા પોલીસ મથકનો સ્ટાફ, એલસીબી, એસઓજીની ટીમો અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ- કર્મચારીઓને આ ઘટનાની તપાસમાં જોડાવા સુચના કરાઈ હતી.
આ ગુનામાં દીકરીના પિતા જ શંકાના દાયરામાં હોય તપાસ અને પૂછપરછની પ્રક્રિયા ખૂબ પડકારજનક રહી હતી. દીકરીના મૃત્યુ બાદ તેના પરિવારજનો મરણ બાદ થતી વિધિમાં વ્યસ્ત હતા. મરણ બાદ બેસણાની પ્રક્રિયા થતી હોય છે, જેમાં પરિવારમાં સગા-સબંધીઓની આવન-જાવન રહેતી હોય પરિવારની પૂછપરછ આ સ્થિતિમાં કરવા માટે ખુબ કાળજી રાખવી પડતી હોય છે. સંવેદનશીલ મામલો હોય ચીવટપૂર્વક તપાસ કરવી જરૂરી હતી. જેથી પોલીસે ખૂબ સંયમતા જાળવી પણ ઝડપી કામગીરી કરી હતી. પરિવારજનો તરફથી સહકાર ન મળતો હોય પોલીસે જુદી-જુદી દીશામાં ખુબ મહેનત કરવી પડી હતી. એક-એક કડીઓને જોડતા પોલીસને એવી વિગત તો મળી હતી કે, દીકરીની અંતિમક્રિયા શંકાસ્પદ હાલતમાં થઈ છે.
- Advertisement -
ધૈર્યાનો આખો પરિવાર અંધશ્રધ્ધાળુ નીકળ્યો, કુટુંબીજનોએ સંબંધો તોડી નાખ્યા
પોલીસ દ્વારા ધૈર્યાના રાખ-હાડકાંના નમુના લેવાયા: ગુનેગારોને કડક સજા મળે તે માટે પોલીસની મજબૂત કાર્યવાહી
પહેલાં ધૈર્યા નહીં, તેના મોટાબાપા દિલીપની દીકરીને બલિએ ચઢાવવાની હતી
- Advertisement -
જેથી અગ્નિદાહ વખતે સ્મશાનમાં હાજર સાત વ્યક્તિના નિવેદન લેવાયા હતા. એટલી સ્પષ્ટતા થઈ હતી કે આ દીકરીના મૃત્યુનું કારણ છુપાવવા પ્રયાસ થયો છે. નિવેદનમાં એ પણ સામે આવ્યું કે રાત્રે 2 વાગ્યે અંતિમવિધિ થઈ હતી અને મૃતદેહને પ્લાસ્ટીક તેમજ ગોદડામાં વીટી કારની ડીકીમાં નાખી સ્મશાને લાવવામાં આવ્યો હતો અને સગા-સંબંધીને વાત કરાઈ હતી કે, અતિ ચેપી રોગથી દીકરીનું મોત થયું છે. તેથી તેને આમ વીંટીને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી છે. જે પછી પોલીસે અંદરખાને તપાસ કરતા જાણવા મળેલ કે મૃતકને કોઈ ડોકટર પાસે લઈ જવામાં આવી નહોતી કે પછી ઘરે કોઈ ડોકટરને બોલાવી તપાસવામાં આવી નહોતી. પોલીસને અહીંથી સ્પષ્ટતા મળી ગઈ હતી કે, મૃત્યુનું કારણ ચેપી રોગ નહીં પરંતુ બીજુ કોઈ કારણ છે. આ દરમિયાન ગામના જ બાતમીદારો અને ગ્રામજનો તરફથી વિગતો મળતી રહી, જે જગ્યાએ ધૈર્યાને રાખી અત્યાચાર કર્યાનું કહેવામાં આવી રહ્યું છે તે સ્થળની પોલીસે ચારથી પાંચ વાર વિઝીટ કરેલી હતી. આ ઉપરાંત ઘટના સ્થળ જે શેરડીની વાડ છે ત્યાંથી મૃતકના વાળ મળ્યા છે, કારની ડીકીમાંથી વાળ મળ્યા છે. દીકરીના પહેરેલ કપડા જે સળગાવી નાખવામાં આવ્યા હતા તેના રેસા નમૂના માટે લેવાયા છે. ઉપરાંત સ્મશાનમાં જયાં ધૈર્યાની અંતિમવિધિ થઈ ત્યાંથી રાખના નમૂના લેવાયા છે. અને અમુક હાડકા પણ ફોરેન્સીક ટીમે નમૂના ચકાસણી માટે લીધા છે. આ તમામ પુરાવાનું ફોરેન્સીક ટેસ્ટીંગ કરવામાં આવશે. આ તરફ મૃતકના નાના કે જેને ઘટના અંગે થોડી ઘણી માહિતી હતી. તેમને ફરિયાદી બનાવી મૃતક ધૈર્યાના પિતા ભાવેશ અકબરી અને દીલીપ અકબરીને આરોપી બનાવી પૂછપરછ કરતા આવી ઘટના બની હોવાની પૂરેપૂરી નહીં પરંતુ થોડી ઘણી કબૂલાત આપવામાં આવી છે. એસપી મનોહરસિંહે જણાવ્યું કે, ‘કેસને વધુ મજબુત કરવા પોલીસ હજુ પણ તપાસ ચલાવી રહી છે. ગુનામાં વધુ પુરાવા મળવાની આશા છે અને એ દીશામાં જઈ પોલીસ ગુનાના મુળ સુધી પહોંચશે’. ઉલ્લેખનીય છે કે આ ગુનાનો ભેદ ઉકેલવ માટે એસપી મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રીખેંગાર, સીપીઆઈ શ્રી મુનસી, એલસીબી પીઆઈ એ.એસ. ચાવડા, એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજા, તાલાલા પીએસઆઈ પી.જે. બાંટવા અને તેઓની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
તપાસ માટે પોલીસ સુરતમાં પહોંચી
ધૈર્યાના હત્યા કેસમાં વધુ તપાસ માટે પોલીસની ટીમ સક્રિય છે, એસઓજીની એક ટીમ સુરત ગયેલી જયાં આરોપી ભાવેશના બહેન અને તેના પરિવારની પૂછપરછ કરેલી જે પછી ભાવેશ પણ સુરત રહેતો હોય તેના સંપર્કમાં રહેલા એક વ્યકિતને પોલીસે રાઉન્ડઅપ કર્યો છે. જોકે તેનો આ ગુનામાં શું કોઈ રોલ છે કે કેમ? તે તપાસ ચલાવવામાં આવી રહી છે.
ધૈર્યાની માતા અને નાનાજીએ સંપર્ક કાપી નાખ્યો
આ બનાવમાં ફરિયાદી ધૈર્યાના નાનાજી વાલજીભાઇ ડોબરિયા ધૈર્યાની માતા કપિલાબેનને પોતાની સાથે માધુપુર દઇ ગયા છે અને તેઓ તેમજ કપિલાબેન પોલીસ ફરિયાદ બાદ કોઇના સંપર્કમાં જ નથી. આજે ફરિયાદ નોંધાયા પહેલાંનો સોશિયલ મીડિયા પરનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પોતાને પતિ પર પૂરો વિશ્વાસ હોવાનું અને તેને અંતિમક્રિયાની પોતે જ પરવાનગી આપી હોવાનું રટણ કર્યું હતું. જોકે સત્ય હકીકત જાણ્યા બાદ તેનું પતિ તરફનું વલણ કેવું છે એ હવે પ્રશ્ર્નાર્થ છે. તેની તબિયત સારી ન હોઇ, કોઈને મળવા નથી માગતી એવો જવાબ બધાને મળી રહ્યો છે.
ધૈર્યાનો મૃતદેહ સ્મશાનની વંડી ઓળંગીને લઈ જવાયો હતોે
ધૈર્યાની હત્યા બાદ તેની અંતિમવિધિ માટે ધાવાના સ્મશાનમાં રાત્રે દરવાજો બંધ હોવાથી વંડી ઠેકીને મૃતદેહને અંદર લઈ જવાયો હતો.
આખા ધાવા ગામે ધૈર્યાને શ્રદ્ધાંજલિ આપી
ધૈર્યાને ગત મોડી સાંજે લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી શોકસભામાં ગામના તમામ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આજે તેની શાળા ઉમિયા શૈક્ષણિક સંકુલમાં પણ શ્રદ્ધાંજલિ અપાશે.