મોરબીમાં ઉગ્ર વિરોધ વચ્ચે ભાજપની ગૌરવ યાત્રા
મહેન્દ્રનગરમાં બેડાં સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસ સાથે ઘર્ષણ
- Advertisement -
વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે જે યાત્રા ગઈકાલે મોરબી જીલ્લામાં આવી પહોંચી હતી જેમાં ટંકારા અને વાંકાનેર બાદ સાંજે યાત્રા મોરબી ખાતે ગૌરવયાત્રા પહોંચી હતી જે દરમિયાન વાંકાનેરમાં સાંસદ મોહન કુંડારિયા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી જેમાં છેલ્લી ઘડીએ યાત્રાનો રુટ બદલાતા ધોમધખતા તાપમાં ઉભેલા ભાજપ સમર્થકો વિફર્યા હતા અને “મોહન કુંડારિયા હાય હાય” ના નારા લાગ્યા હતા અહીં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં સાંસદ વિરૂદ્ધ નારેબાજી થતાં નેતાઓના મોઢા ઉતરી ગયા હતા અને નેતાઓ રથની કેબિનમાં જતા રહ્યા હતા. આ ઉપરાંત ભાજપની ગૌરવ યાત્રા મોરબી શહેરમાં ફરીને મહેન્દ્રનગર ગામે પહોંચી ત્યારે મહેન્દ્રનગરના સ્વાગત પોઈન્ટ ઉપર સ્થાનિક મહિલાઓએ પાણી મુદ્દે બેડાં સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સ્થાનિક મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
- Advertisement -
પિયુષ ગોયલની સભામાં મોટાભાગની ખુરશીઓ ખાલી
ભાજપની ગૌરવ યાત્રા મોરબી પહોંચતા નગર દરવાજા ચોકમાં કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી જ્યાં મંત્રી પીયુલ ગોયલે સભા પણ સંબોધી હતી પરંતુ આ સભામાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને આ સભામાં મોટાભાગના ભાજપના કાર્યકરો ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પિયુષ ગોયલ જયારે કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી રહ્યા હતા ત્યારે કાર્યકરોની પાંખી હાજરીથી સિનિયર આગેવાનો પણ અકળાયા હતા ત્યારે દ્વારકાથી ગુજરાત ગૌરવ યાત્રાનો ધમાકેદાર પ્રારંભ થયા બાદ મોરબીમાં કાર્યકરોની હાજરી ઘટતા ભાજપની યાત્રા ચર્ચાનું કેન્દ્ર બની છે.
ગૌરવ યાત્રાના વિરોધ મુદ્દે પ્રશ્ન પુછાતાં કેન્દ્રીય મંત્રીએ ગોળ ગોળ જવાબ આપીને પત્રકાર પરિષદ પૂરી કરી
મોરબી જીલ્લામાં ભાજપની ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં વાંકાનેર અને મોરબીના મહેન્દ્રનગરમાં યાત્રાનો વિરોધ જોવા મળ્યો હતો તો યાત્રા બાદ મોડી સાંજે કેન્દ્રીય મંત્રીની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રીએ ભાજપ ગુજરાતમાં ઐતિહાસિક 150 પ્લસ સીટો જીતશે તેવો દાવો પણ કર્યો હતો તો બીજી તરફ પત્રકાર દ્વારા મોરબીમાં ગૌરવ યાત્રાના વિરોધ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગોળ ગોળ જવાબ આપીને પત્રકાર પરિષદ પુરી કરી દીધી હતી.