દીકરીને વળગાડની શંકાએ આગ પાસે બે કલાક ઉભી રાખી,3 દિવસ શેરડીનાં ખેતરમાં બાંધી રાખી
પોલીસમાં ફરિયાદ નોંધાઇ : બે – ત્રણ દિવસ સુધી ખાવાનું પણ ન આપ્યું
- Advertisement -
ચેપી રોગ થતા મોત થયાનું બહારનું બતાવી કોઇને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરી દીધા
ખાસ ખબર સંવાદદાતા
તાલાલાનાં ધાવા ગીર ગામે ચકચારી ઘટનામાં હત્યા કેસમાં મોટો ખુલ્લાસો થયો છે. 14 વર્ષની ધૈર્યાને તેના પિતા અને મોટાબાુજીએ વળગાડનાં નામે મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલ્લાસો થયો છે. ધૈર્યાનાં નાનાએ બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધૈર્યાને વળગાડની શંકાએ આગ પાસે બે કલાક ઉભી રાખી હતી. બાદ ધૈર્યાને શેરડીનાં ખેતરમાં લઇ જઇ ખુરશી સાથે બાંધી દીધી હતી અને બે – ત્રણ દિવસ સુધી ખાવા પીવાનું પણ આપ્યું ન હતું. એટલું જ નહી સંગા સંબંધીઅને ચેપી રોગથી મોત થયા હોવાનું કહી અંતિમ સંસ્કાર કરી દીધા હોવાનું કહ્યું હતું. અંધશ્રધ્ધામાં 14 વર્ષની ધૈર્યાનો ભોગ લેવાતા ભારે ચકચાર મચી ગઇ છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ તાલાલાનાં ધાવા ગીર ગામે 14 વર્ષની ધૈર્યાની બલી ચડાવ્યાનાં સમાચાર વાયુ વગે ફેલાઇ ગયા હતાં. પોલીસને અજાણ્યા વ્યકિતએ માહિતી આપી હતી.જેના પગલે ગીર સોમનાથ જિલ્લાનાં એસપી મનોહરસિંહ જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી હતી. ધાવા ગીરમાં ધૈર્યાનાં પિતા ભાવેશ ગોપાલભાઇ અકબરી સહિતનાની પુછપરછ શરૂ કરી હતી. આ ઘટનામાં ચોકાવનારો ખુલ્લાસો થયો છે. ધૈર્યાને પિતા ભાવેશ અકબરી અને મોટાબાપુજી દીલીપ ગોપાલભાઇ અકબરી સામે વળગાડ શંકાએ ભુખ્યા તરસ્યા રાખી મોત નિપજાવ્યાની ફરિયાદ વાલજીભાઇ ઉર્ફે વાલભાઇ દામજીભાઇ ડોબરીયાએ નોંધાવી છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી કપીલાબેનનાં લગ્ન ભાવેશ ગોપાલ અકબરી સાથે થયા છે અને તેમને સંતાનમાં 14 વર્ષની ધૈર્યા હતી. તેઓ બધા સુરત રહેતા હતાં. ધૈર્યા ચાલુ વર્ષે અભ્યાસ માટે અહીં આવી હતી. તા. 8 ઓકટોબરનાં મારા દિકરાએ કહ્યું કે, કલાપીબેનનાં જેઠ દીલીપભાઇ ગોપાલભાઇ અકબરીનો ફોન આવ્યો છે અને ધેર્યાનું નિધન થયું છે.અમે ધાવા ગીર ગામે ગયા હતાં અને મોતનાં કારણ અંગે પુછતા કહ્યું હતું કે, ધૈર્યાને ચેપી રોગ થયો હતો. તેના શરીરે ફોલા પડી ગયા હતાં. ચેપી રોગ બીજાને લાગુ ન પડે તે માટે ઘરમેળે અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતાં. બાદ ફરી ધાવા ગયા તો જાણવા મળ્યું કે તાંત્રિક વિધીમાં મોત થયું હતું. અમે કલાપીબેનનાં જેઠ દીલીપભાઇની પુછપરછ કરતા તેમણે કહ્યું હતું કે, ધૈર્યાને વળગાડ હતો. મારા ભાઇના કહેવાથી ધૈર્યાને ચકલીધાર વાડીએ જુના કપડા સાથે લઇ ગયો હતો. ત્યારે મારા ભાઇ ભાવેશભાઇ હાજર હતાં. ઘરેથી લાવેલ સામાન અને કપડા એક પથ્થર પર ખારી સળગાવ્યાં હતાં. અને આગ પાસે બે કલાક ઉભી રાખી હતી. બાદ તે જ દિવસે આખી રાત તેનો વળગાડ કાઢવા વિધી કરી હતી. તા. 2 ઓકટોબરનાં શેરડીનાં વાડમાં લઇ ગયા હતા. અહીં લાકડી અને વાયર વડે માર મારી ખુરશી સાથે બાંધી દીધી હતી અને શેરડીનાં વાડમાં બેસાડી દીધી હતી. બે – ત્રણ દિવસ ખાવા પીવાનું આપ્યું ન હતું.કયારેક કયારેક તેનો જવા જતા હતાં. તે બોલતી ન હતી. આંખો બંધ કરી પડી રહેતી હતી. તા. 5 ઓકટોબરનાં ગયા ત્યારે ધૈર્યા આડી પડી હતી. જીવતી હોવાનું લાગ્યું હતું. બાદ તા 7 ઓકટોબરનાં ગયા ત્યારે મૃત્યુ થયાની જાણ થઇ હતી. બાદ પ્લાસ્ટીક અને ગોદડામાં વીટી લઇ ગયા હતા અને તા. 8 ઓકટોબરનાં વહેલી સવારે અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતાં. હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધૈર્યાનાં શરીરમાં જીવાત પડી ગઇ હતી
ધૈર્યાને પિતા ભાવેશ અને મોટાબાપુ દીલીપએ શેરડીનાં વાડમાં બાંધી રાખી હતી.જેના કારણે તેનું મોત થયું હતું. એટલું જ નહી તેના મૃતદેહમાં જીવાત પડી ગઇ હતી.