ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં અવાર નવાર ઘરફોડ ચોરી કે દુકાનના તાળાં તુટવાની ઘટના બનતી હોય છે જોકે હવે તસ્કરો નવા જ પ્રકારની ચોરી તરફ વળ્યા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી હવે તસ્કરો એસીના કમ્પ્રેશરની ચોરી કરી રહ્યા છે. મોરબી શહેરમાં એસીના કમ્પ્રેસર તોડીને તેમાંથી કોપર વાયર તેમજ અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે ત્યારે મોરબીના માધવ માર્કેટમાંથી એસીના ચાર કમ્પ્રેશરની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે અને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ચુક્યા છે.
- Advertisement -
મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ માધવ માર્કેટને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને માધવ માર્કેટમાં આવેલ કેટલીક ઓફીસના એસીના કમ્પ્રેશરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મોરબી શહેરના મુખ્ય વિસ્તારમાં આ રીતે ચોરી કરતી તસ્કર ટોળકી જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી હોય ત્યારે હવે પોલીસ આવા તત્વોને ઝડપી લઈને કાયદાના પાઠ ભણાવે તેવી વેપારીઓમાં માંગ ઉઠી છે.