વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લાનાં રાજકીય સમીકરણો બદલી નાખતું ભાજપ
હર્ષદ રીબડીયાની રાજીનામાંથી વિસાવદર માટે તૈયાર કરતા ભાજપનાં નેતાઓએ હવે નીચે બેસવું પડશે
- Advertisement -
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનો કરોડરજજુ ભાગી નાખી : તાલુકા પંચાયતમાં પણ નવાજુનીનાં એંધાણ
ખાસ ખબર સંવાદદાતા
2017ની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાંથી માત્ર કેશોદ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. ચાર બેઠક કોંગ્રેસનાં ફાળે ગઇ હતી. બાદ માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા ભાજપમાં આવી જતા ભાજપની બે બેઠક થઇ હતી. વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીક આવતા વિસાવદર વિધાનસભા બેઠકનાં કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રાજીનામુ આપી દેતા જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની કરોડરજ્જુ ભાગી ગઇ. એટલું જ નહી વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લાનાં રાજકીય સમીકરણો ભાજપે બદલી નાખ્યાં છે.
વિસાવદર વિધાનસભા બેઠકનાં કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડવાની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી.પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આ ચર્ચા તેજ બની હતી. તાજેતરમાં ભાજપનાં નેતાઓ સાથે હર્ષદ રીબડીયા ગબરે રમતા દેખાયા હતાં.ત્યારે પણ ભારે ચર્ચા જાણી હતી. પરંતુ ભાજપમાં જોડવાને લઇ કોઇ સ્પષ્ટતા હર્ષદ રીબડીયાએ કરી ન હતી. બાદ અચાનક ગઇ કાલે ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દીધું હતું. બાદ ભાજપમાં જોડવાની ચર્ચાને વેગ મળ્યો છે. કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાશે કે કેમ તે આગામી સમય બતાવશે. પરંતુ ધારાસભ્યનાં રાજીનામથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને વિધાસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની એક વિકેટ પડ્યાં બાદ ગીર સોમનાથ જિલ્લા તરફ પણ મીટ મંડાઇ છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા કોંગ્રેસનાં કબજામાં છે. આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં નવીજુની થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક ધારાસભ્ય કોંગ્રેસ છોડવાનાં વેતરણમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. હર્ષદ રીબડીયાનાં રાજીનામા બાદ આ ચર્ચા વધુ તેજ બની છે. વિસાવદર બેઠક માટે ભાજપનાં કેટલાક નેતા તૈયારીઓ કરતા હતાં. હર્ષદ રીબડીયાનાં રાજીનામ બાદ વિસાવદર માટે તૈયાર કરતા નેતાઓએ નીચે બેસી જવાનો વારો આવશે.
ભાજપનાં મહિલા નેતાએ વિસાવદર બેઠક માટે બાયોડેટા બનાવી નાખ્યો હતો
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનાં નેતાઓએ મહિલાઓને ટીકીટ આપવાનું કહ્યું છે. વિસાવદર વિધાનસભા બેઠક માટે એક ભાજપનાં મહિલા નેતાએ બાયોડેટા પણ બનાવી નાખ્યો છે. જોકે હાલ તો હર્ષદ રીબડીયાનાં રાજીનામથી તમામ સમીકરણો બદલી ગયા છે. આ બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખનું નામ પણ ચર્ચામાં હતું.
કોંગ્રેસ માટે મજબુત ઉમેદવાર શોધવો મુશ્કેલ બનશે
વિસાવદર બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી. મુખ્ય મંત્રી અને મંત્રી અહીંથી બન્યાં છે. પરંતુ હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી આવ્યા બાદ ભાજપ જીતી શક્યું નથી. હવે કોંગ્રેસનાં હર્ષદ રીબડીયાએ રાજીનામુ આપી દેતા કોંગ્રેસ માટે હવે અહીં મજબુત ઉમેદવાર શોધવા મુશ્કેલ બનશે.
હર્ષદ રીબડીયા આગામી ચૂંટણી ક્યાંથી લડશે ?
હર્ષદ રીબડીયા રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ભાજપમાં જવાની પુરી તૈયારીઓ પણ છે. હર્ષદ રીબડીયા જો ભાજપમાં આવે તો કયાંથી ચૂંટણી લડશે ? તે પણ એક ચર્ચા છે. વિસાવદર સિવાય અન્ય બેઠક પરથી ચૂંટણી લે તેવી ચર્ચા છે.
વિસાવદરનાં ધારાસભ્ય બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ પક્ષ છોડ્યો
વિસવાદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા બાદ કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ નટુભાઇ પોકીયાએ પણ પક્ષ છોડી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. બાદ કોંગી કાર્યકર્તા કાર્યાલયે એકત્ર થયા હતાં અને હર્ષદ રીબડીયા અને નટુભાઇ પોકીયા સામે સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ બેનરમાં બન્નેનાં ફોટા ઉપર સ્ટીકર મારી દીધા હતાં.