બેટ દ્વારકામાં છેલ્લા બે દિવસથી મેગા ડીમોલેશનની કામગિરી કરવામાં આવી રહી છે. ગઈકાલની જેમ આજે પણ અધિકારીઓ સ્ટેન્ડ ટુ છે. મળતી વિગતો અનુસાર 3 દિવસ સુધી સ્ટેન્ડ ટુ રાખવા માટે અધિકારીઓને આદેશ અપાયા છે. ત્યારે આજે પણ ડિમોલેશનની કામગિરી ચાલશે. પોલીસની મેગા ડ્રાઈવમાં અધિકારીઓ પણ સાથે રહેશે. આજે બોટ ફેરીઓ બંધ રાખવામાં આવી છે. પોલીસનો મોટો કાફલો બેટ દ્વારકામાં હાજર રહેશે. શનિવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાંથી શરૂ થયેલી આ દબાણ હટાવ કામગીરી આખો દિવસ ચાલ્યા બાદ ગઈકાલે રવિવારે પણ સવારથી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી ચાલી હતી. રવિવારે આખો દિવસ ચાલી રહેલી કામગીરી પછી પણ કેટલુંક દબાણ હટાવવાનું બાકી હોવાથી આજે સોમવારે પણ સવારે પોલીસ, પાલિકા, રેવન્યુ સહિતનો સ્ટાફ બેટ દ્વારકામાં જોવા મળ્યો હતું અને સવારથી આવા દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
24 વર્ષ બાદ દ્વારકાના બેટ વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મેગા ડીમોલેશનના કારણે યાત્રિકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. ગઈકાલે ડીમોલેશન કામગિરીમાં 25થી વધુ ઈમારતો તોડી પાડવામાં આવી હતી. અત્યારે બેટ દ્વારકામાં તમામ બજારો બંધ જોવા મળી રહી છે. દરીયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા અને તેને વધારવા માટે તેના ભાગરુપે કામગિરી થઈ રહી હોય તેમ માહિતી મળી રહી છે. જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ ઉભું કરાયું છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર વિસ્તારમાં રહેતા આશ્રય અમુક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને આપી શકાય છે. ત્યારે બની શકે છે કે,આ હેતુથી પણ કાર્યવાહી કરવામાં આવી હોય.
- Advertisement -
યાત્રાધામ બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં મળતી વિગતો અનુસાર 30 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓ અને એસઆરપીના જવાનોને સાથે રાખી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે મળતી વિગતો અનુસાર બેટ દ્વારકામાંથી 10 જેટલા શકમંદોને પોલીસે પૂછપરછ માટે ડીટેઈન કર્યા છે. આ કામગિરી અંતર્ગત આજે પણ સઘન રીતે ડીમોલેશન કરવામાં આવશે. ત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં ચલાવવામાં આવે તે પ્રકારનો આ સંકેત પણ છે. ત્યારે મોટી સંખ્યા સુરક્ષા સાથે અધિકારીઓ દ્વારા આ કામગીરી કરાઈ રહી છે.
આજરોજ નવરાત્રીની આઠમ હોવાથી સવારે બેટ દ્વારકાની કેટલીક બજારો ખુલ્લી જોવા મળી હતી અને જરૂરિયાત મુજબ સ્થાનિક લોકોની અવરજવર રહી હતી. પરંતુ બહારના યાત્રીઓ માટે હજુ આ વિસ્તાર સંપૂર્ણપણે ખુલ્લો મુકવામાં આવ્યો નથી દબાણ કર્તાઓએ ગૌચરની જમીન પર પણ વંડા વાળી લીધા હતા. ત્રણ દિવસ દરમિયાન દુકાનો, મકાનો વંડા વિગેરે મળી, આશરે એક લાખ ફૂટ જેટલી સરકારી જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ જમીનની કિંમત આશરે રૂ. ત્રણેક કરોડ જેટલી ગણવામાં આવી રહી છે.
- Advertisement -
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની આરંભથી અંત સુધીની રૂબરૂ ઉપસ્થિતિ વચ્ચે ડીવાયએસપી સમીર સારડા, હીરેન્દ્ર ચૌધરી, દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, સહિત પી.આઈ. પી.એસ.આઈ. સાથેના પોલીસ સ્ટાફ ઉપરાંત મરીન કમાન્ડો, એસ.આર.પી., એસ.આર.ડી., જી.આર.ડી. તથા હોમગાર્ડનો મજબૂત બંદોબસ્ત હોવાથી કોઈ બનાવ બન્યો ન હતો. આ ઝુંબેશમાં ઓખા નગરપાલિકા સ્ટાફ, રેવન્યુ તથા પીજીવીસીએલ પણ સક્રિય રીતે જોડાયેલું રહ્યું હતું.
આ કામગીરી દરમિયાન પ્રશાસન દ્વારા યાત્રાધામ બેટ દ્વારકા ને સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે. બેટની એક પણ દુકાન ખુલી નથી. બેટમાં અવરજવર કરવા માટે બોટથી સમુદ્રમાં જવાય છે તે તમામ બોટો પણ ત્રણ દિવસથી સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. લગભગ 1000 જેટલા સુરક્ષા કર્મીઓની દેખરેખ હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.