ચેકડેમ યોજના, કાંકરેજ ગાયોની ગૌશાળા અને આદિવાસી છાત્રાલયની મુલાકાત લેતાં મંત્રી પુરૂષોત્તમ રૂપાલા
ખાસ-ખબર સંવાદદાતા
જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને આદિવાસી પ્રજાના શ્રમદાનથી સરકારી સહાય વગર ગામ ભેખડીયા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર અને ગામ જામલી, જિલ્લો આલીરાજપુર મધ્યપ્રદેશને ભારતના પ્રથમ દિવ્ય ગ્રામો બનાવવામાં આવ્યા છે. જળક્રાંતિ, ગોક્રાંતિ અને ગાય આધારિત કૃષિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ત્રણ વર્ષ ફેકટરી-ઘર છોડીને આદિવાસી ગામોમાં વાંસની ઝૂંપડીમાં નિવાસ કરીને આદિવાસીઓના દાળ રોટલા ખાઈને સર્વાંગી વિકાસના વિશ્ર્વપ્રેરક દિવ્યગ્રામો નિર્માણ કર્યા છે.
- Advertisement -
આ તકે ભારત સરકારના પુરૂષોત્તમ રૂપાલા ભેખડીયા આવ્યા હતા. સરકારી સહાય વગર શ્રમદાનથી 100 વર્ષ ટકાઉ 85 ચેકડેમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા છે. 15 ફૂટ ઉંચા ચેકડેમ અને 30 ફૂટ ઉંડા તળાવો માત્ર 7થી 15 લાખ રૂપિયામાં નિર્માણ કર્યા છે. તજજ્ઞ ઈજનેરોના મતે આવા તળાવ બનાવવામાં સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ થાય. જામલીના પહાડોમાં પાંચ કિલોમીટર લાંબી વિશિષ્ટ ટ્રેન્ચ પાળાઓ બનાવીને પહાડનું પાણી અને માટી પહાડમાં જેવી રાષ્ટ્રપ્રેરક નવી જળ યોજના તૈયાર કરવામાં આવી છે. બંને ગામોને સંપૂર્ણ ગાંડાબાવળ મુક્ત કરીને 5000 ફળઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. 2030ની સાલમાં ભેખડિયા અને જામલી દેશના લોકોને 100 પ્રકારની ઉત્તમ જાતની દેશી કેરી ખવડાવશે. યોજના પહેલા ભેખડિયા અને જામલીમાં એકરે બેથી દસ હજાર રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન મળતું હતું ત્યાં જળરક્ષાથી એકરે 25000થી 1 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે.
જળસંકટ અને કૃષિવિકાસના અભાવે ગામની 75 ટકા વસ્તી રોજગાર માટે સૌરાષ્ટ્રમાં ખેતીની મજૂરી માટે જતી હતી. એ લોકોને હવે ગામમાં જ રોજગારી મળે છે. ત્રણ રાજ્યમાં આદિવાસીઓમાં માનતાના નામે ડુંગરાઓ બાળવાની ભયાનક કુપ્રથાનો મનસુખભાઈ સુવાગીયાની પ્રેરણાથી અંત આવ્યો છે અને ભેખડીયા, જામલી દારૂ, તમાકુ, ગુટખા, શિકાર, બલીપ્રથા મુક્ત શાકાહારી ગામો બન્યા છે. વ્યસન મુક્તિથી વાર્ષિક દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ અટક્યો છે. સંપૂર્ણ શાકાહારી આદિવાસી ગામ જીવસૃષ્ટિ રક્ષાના વિશ્ર્વપ્રેરક તીર્થ બન્યા છે. ભેખડીયા અને જામલીમાં ત્રાસદાયક ડીજે સાઉન્ડ અને ફટાકડાનો પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ત્રણ રાજ્યોમાંથી આવેલા 5000 આદિવાસીઓ અને 100 સંતોને મનસુખભાઈ સુવાગીયાએ સંપૂર્ણ દારૂ, તમાકુ, ગુટકા અને હિંસા મુક્તિનો, દિવ્યગ્રામ નિર્માણનો, સંસ્કૃતિ ધર્મનો અને રાષ્ટ્રધર્મનો ઐતિહાસિક સંકલ્પ લેવડાવ્યો હતો. પરસોત્તમભાઈ રૂપાલાએ ચેકડેમ યોજના, કાંકરેજ ગાયોની ગૌશાળા, સરકારી સહાય વગર ચાલતી 300 વિદ્યાર્થીની આદિવાસી છાત્રાલય, વૃક્ષારોપણના દર્શન કર્યા હતા.
અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકમલે દિવ્યગ્રામ યોજના રાષ્ટ્રને સમર્પિત થાય એવી લાગણી મનસુખભાઈ સુવાગીયા અને પરસોત્તમભાઈ રૂપાલાએ વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગ રાઠવા, જિલ્લા અને તાલુકાના આગેવાનોએ રૂપાલાનું આદિવાસી પરંપરા મુજબ સન્માન
કર્યું હતું.