રાજકોટની પરંપરાગત ગરબીઓમાં ભક્તિની શક્તિનો સમન્વય
મવડી ચોકડીએ યોજાતી શ્રી બજરંગ ગરબી મંડળનો પ્રસિદ્ધ ઈંઢોણી રાસ
- Advertisement -
રાજકોટની વર્ષો જૂની પરંપરાગત ગરબીમાં આજે પણ ભક્તિ સાથે શક્તિનો સમન્વય સર્જાય છે. મા દુર્ગાના સ્વરૂપ સમાન છ બાળાઓએ હાથમાં મશાલ, માથે સળગતી ઈંઢોણીનો રાસ લઈ સૌને મંત્રમુગ્ધ કરી લીધા હતા. સળગતી ઈંઢોણી, કપાળે પરસેવો, પગમાં જોમ અને હૈયામાં માતાની ભક્તિ. આ છે રાજકોટની મવડી ચોકડીએ યોજાતી શ્રી બજરંગ ગરબી મંડળનો પ્રસિદ્ધ ઈંઢોણી રાસ. આયોજક યુવરાજસિંહ ઝાલા કહે છે કે લગભગ 15થી 20 મિનિટમાં રજૂ થતો આ રાસ તૈયાર કરવામાં દોઢ મહિનાની આકરી મહેનત લાગે છે.
પરંપરાગત ગરબીઓમાં આપણી સંસ્કૃતિની વિરાસત સચવાઈ: આયોજક યુવરાજસિંહ ઝાલા
મશાલ અને બધેનું કાપડ વિંટતા જ દોઢ દિવસ જેટલો સમય લાગે છે. આયોજક યુવરાજસિંહ ઝાલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ 15 વર્ષથી નાની ઉંમરની બાળાઓ દાઝે નહીં કે એમને કંઈ તકલીફ ન પડે એ માટેની જહેમત ઉઠાવીને આ રાસ તૈયાર કરાવે છે. અર્વાચીન રાસોત્સવોના યુગમાં રાજકોટ શહેરમાં પરંપરા અને પ્રગતિનો એક અનોખો સમન્વય રચાય છે. આ શહેરની પરંપરાગત ગરબીઓમાં આપણી સંસ્કૃતિની વિરાસત સચવાયેલી છે.



