ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
કોરાનાકાળનાં બે વર્ષ બાદ કલાનગરી વડોદરામાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં આજે બપોરે 12:30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો, જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં વાદળો ગોરંભાયેલાં છે.
- Advertisement -
આજથી નવરાત્રિ શરૂ થઈ છે, જેની વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. 20 મિનિટમાં ધોધમાર વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જશે, તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાશે કે કેમ એની ખેલૈયાઓમાં અત્યારથી ચિંતા બેસી ગઈ છે, જોકે બપોરે શહેરમાં વાદળો છવાયેલાં છે. હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. આસો મહિનાના પ્રારંભમાં જ અષાઢી માહોલ જોવા મળતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નવરાત્રિ દરમિયાન પણ વરસાદ જોવા મળે છે. આજે પણ પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. ખાંભાના પીપળવા, ખડાધાર, નાનુડી, ધુંધવાળા સહિત ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.