- મોટી આવક જૂથ પરનો વધારાનો ટેક્સ પણ રદ: કોર્પોરેટ કર પણ નહીં વધારે
ભારતમાં ઉંચા ટેક્સ દર મામલે વખતોવખત ઉહાપોહ સર્જાઇ છે તેવા સમયે બ્રિટનમાં નવનિયુક્ત વડાપ્રધાન લીઝ ટ્રુસની સરકારે ઇન્કમટેક્સ દરમાં કાપ મુકવાનો મહત્વપૂર્ણ ફેંસલો લીધો છે. મોંઘવારીના માર વચ્ચે અર્થતંત્રને વેગ આપવા માટે આવકવેરા દર ઘટાડવામાં આવ્યો છે. આવકવેરા રેટ 20 ટકાથી ઘટાડીને 19 ટકા કરવામાં આવ્યો છે.
ઉપરાંત દોઢ લાખ પાઉન્ડથી વધુ કમાણી કરતા લોકો પરનો 45 ટકાનો વધારાનો ટેક્સ પણ રદ કરી દેવામાં આવ્યો છે. બ્રિટીશ નાણામંત્રીએ જાહેર કર્યું કે વિકાસ કેન્દ્રીત નવી રણનીતિ અંતર્ગત આ બદલાવ કરવામાં આવ્યો છે. 2.5 ટકાનો વિકાસ દર હાંસલ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ઉંચા ટેક્સથી લોકોની આવક ઘટે છે અને રોકાણ પણ મર્યાદિત આવતું હોવાથી અર્થતંત્રને વિપરીત અસર થાય છે તે દૂર કરવા માટે ટેક્સ ઘટાડો કરવામાં આવ્યો છે.
- Advertisement -
2026-27 સુધીમાં 45 અબજ પાઉન્ડની ટેક્સ કટૌતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાંચ દાયકા બાદ પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં ટેક્સ કાપ મુકવામાં આવ્યો છે. બ્રિટન પાઉન્ડ અમેરિકી ડોલર સામે 37 વર્ષના તળિયે પહોંચી ગયો છે. ઇન્કમટેક્સ ઘટાડવા ઉપરાંત કોર્પોરેટ ટેક્સ વધારવાનો નિર્ણય પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.