કોડીનારનાં શખ્સે ઇન્કમટેક્ષ રિટર્નમાં ચેડાં કર્યાનું બહાર આવતાં કૌભાંડનો પર્દાફાશ થયો
જૂનાગઢનો ઈઅ 2 હજારથી 5 હજાર રૂપિયામાં ખોટાં ઇન્કમટેક્સ રિટર્નનાં દસ્તાવેજ બનાવી આપે
નશાબંધી કચેરીનાં અધિકારી સામે 11 અરજદારોનાં ખોટાં ઇન્કમટેક્સ રિટર્ન ઉભા કર્યાનો ખુલાસો થયો
જૂનાગઢનો શખ્સ 45 હજાર રૂપિયા લઇ લીકર પરમિટ મેળવવામાં મદદરૂપ થતો, અનેકને મદદ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લિકર પરમીટ માટે ઇન્કમટેક્સ રિટર્નનાં ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં આવતા હોવાનો મોટો ખુલ્લાસો થયો છે. જૂનાગઢનાં નશાબંધી અને આબકારી કચેરીમાં લિકર પરમિટ માટે ઇન્કમટેક્સ રિટર્નમાં ચેડા કર્યાનું બહાર આવ્યું છે. એટલું જ નહી આ ઘટનામાં ઉંડામાં તપાસ કરતા જૂનાગઢનો સીએએ રૂપિયા 2 હજાર થી 5 હજારમાં ઇન્કમટેક્સ રિટર્નનાં દસ્તાવેજ બનાવી આપે છે. 11 અરજદારોનાં ખોટા ઇન્કમટેક્સ રિટર્ન ઉભા કર્યાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે કોડીનારનો એક અને જૂનાગઢનાં બે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢમાં આવેલ નશાબંધી અને આબકારી કચેરીનાં અધિક્ષક બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાએ કોડીનારનાં છારા ગામનો હરેશ કેશવભાઇ સવાનીયા, જૂનાગઢનાં નરેશ વાસવાણી, સીએ હરેશ દુબે સામે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લિકર પરમીટી માટે ઇન્કમટેક્સ રિટર્ન ખોટા ઉભા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, હરેશ કેશવભાઇ સવાનીયાને આરોગ્ય પરમીટ વર્ષ 2020 સુધીની કાઢી આપવી હતી. પરમીટ રીન્યુ માટે 2021માં અરજી આવી હતી. બાદ તેમને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે કચેરીએ બોલાવ્યાં હતાં. જેમા ઇન્કમટેક્સ રિટર્ન ચેક કરતા વર્ષ 2016-17માં 2,81,720 રકમ દર્શાવી હતી. વર્ષ 2019નાં પરમીટ કઢાવતી વખતે જોડેલા ઇન્કમટેક્સ રિટર્ન ચકાસતા તેમા વર્ષ 2016-17માં 3,81,720 દર્શાવી હતી. આ રકમમાં વિસંગતા ઉભી થતા હરેશ સવાનીયાને નોટીસ મોકલી ખુલ્લાસો કરવા કહેવામાં આવ્યું હતું. બાદ તા. 21 જુલાઇ 2022નાં હરેશ સવાનીયાએ કચેરીએ આવી કહ્યું કે, ખોટા ઇન્કમટેક્સ રિટર્ન અંગે જૂનાગઢનાં નરેશ વાસવાણીની મુખ્ય ભુમીકા છે. નરેશ વાસવાણીએ 45 હજાર રૂપિયા લઇ ખોટા રિટર્ન બનાવી આપ્યાં હતાં. પોતનાં ઇન્કમટેક્સ રિટર્ન ખોટા હોવાનું સ્વીકાર્યું હતું. હરેશ સવાનીયાનાં ખુલ્લાસાનાં આધારે નરેશ વાસવાણીને કચેરી બોલાવી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોતે અનેક લોકોનાં ત્રણ લાખથી ઓછી આવકનાં ઇન્કમટેક્સ રિટર્નમાં છેડછાડ કરી ત્રણ લાખથી વધુ આવકનાં ઇન્કમટેક્સ રિટર્ન બનાવેલા છે. તેઓએ ઇન્કમટેક્સ રિટર્ન સીએ હરેશ દુબેની મદદથી બનાવ્યાં હોવાનું કહ્યું હતું. હરેશ દુબે તેની પાસેથી 2 હજાર થી 5 હજાર રૂપિયા સુધીની રકમ લઇ ઇન્કમટેક્સ રિટર્ન ઉભા કર્યાં છે. એટલું જ નહી ગેરકાયદેસ રીતે 3 લાખથી વધુની આવકનાં ઇન્કમટેક્સ રિટર્ન બનાવી અનેક લોકોને દારૂની પરમીટ કઢાવા મદદ કરી છે. તેમજ નરેશ વાસવાણીએ કુલ 11 જેટલા અરદજારોનાં નામ લખાવ્યાં છે. કોડીનાર અને જૂનાગઢનાં શખ્સોએ બોગસ ઇન્કમટેક્સ રિટર્ન રજુ કરી ગેરકાયદેસર લિકર પરમીટ મળવી હતી. આ અંગે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લિકર પરમિટ માટે શું જોગવાઇ છે ?
લીકર પરમીટ મેળવવા માટે સરકારનાં ઠરાવ મુજબ અરજદારની લઘુતમ માસીક આવક 25 હજાર હોવી જોઇએ અને અરજદાર છેલ્લા પાંચ વર્ષથી ઇન્કમટેક્સ ભરતો હોવો જોઇએ. ખેડૂત અરજદારનાં કિસ્સામાં વીસ વિઘા જમીન અથવા વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોવી જોઇએ.
બગડાની જગ્યાએ ત્રગડો કરી આપ્યો
હરેશ સવાનીયાએ નરેશ વાસવાણી સાથે કરેલી વાતનાં રેકોર્ડીંગ, ચેટ સહિતનાં પુરવા કચેરીમાં આપ્યાં હતાં. જેમાં ઇન્કમટેક્સ રિટર્નમાં બગડાની જગ્યાએ ત્રગડો કરી આપ્યો હતો. અને 3 લાખની વધુની ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાનું ઉભુ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
યોગ્ય તપાસ થાય તો હજુ અનેક નામ સામે આવે
જૂનાગઢમાં ઇન્કમટેક્સ રિટર્ન ખોટા રજુ કરી લીકર પરમીટ મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છેે. એટલું જ નહી નરેશ વાસવાણીએ રૂપિયા લઇ અનેક લોકોને મદદ કર્યાનું પણ કબુલ્યું છે. જૂનાગઢમાંથી નિકળેલી લીકર પરમીટની યોગ્ય તપાસ કરવામાં આવે તો હજુ અનેક કડાકા-ભડાકા થઈ શકે તેમ છે અને અનેક નામ ખુલી શકે તેમ છે.