ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના યજમાન પદે કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શ્રવણ કરવાનો લ્હાવો મોરબીવાસીઓને સાંપડ્યો છે ત્યારે પ્રથમ દિવસે કથા વિરામ બાદ સાંજના સમયે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ મોરબીના પત્રકારો સાથે મહત્વપૂર્ણ ગોષ્ઠિ કરી હતી જેમાં પત્રકારો દ્વારા સાંપ્રત સમયમાં શિક્ષણ, રાજકારણ તેમજ ધર્મને લગતા પ્રશ્નો બાબતે પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આજની યુવા પેઢી અને બાળકો સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમમાં જે રીતે આંધળી દોટ મૂકી રહ્યા છે ત્યારે તેમને યોગ્ય રસ્તા પર કેવી રીતે વાળી શકાય તે બાબતે ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન દેશમાં હાલ વધી રહેલા રેવડી ક્લ્ચર મુદે પણ ગોષ્ઠી થઈ હતી જેમાં આજના સમયે રાજકીય પક્ષો દ્વારા ભવિષ્યનો વિચાર કર્યા વગર માત્ર મત મેળવવા માટે રાજનીતિમાં પ્રવેશેલા રેવડી કલચર પર ભાઈશ્રીએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય એ માણસની પ્રાથમિક જરૂરીયાત છે અને તે પુરુ પાડવાની જવાબદારી પણ સરકારની છે. સરકારે શિક્ષણ અને આરોગ્ય નિ:શુલ્ક પૂરું પાડવું જોઈએ પરંતુ ખાતામાં રોકડા આપવા કે મફત મુસાફરી કરાવવી જેવા ખોટા વચનોની લ્હાણી કરીને પ્રજાને નમાલી બનાવાઈ રહી છે જેથી તે અટકાવવું અત્યંત જરૂરી છે. સમાજ અને સરકારને યોગ્ય માર્ગે ચલાવવાની જવાબદારી પણ પત્રકાર, કથાકાર અને કલાકારની છે. તેમણે સત્યમ, શિવમ અને સુંદરમ એમ ત્રણેય ગુણોને સાથે રાખી પોતાના કર્તવ્ય નિભાવવા જોઈએ જો આ તમામ ગુણ સાથે આ ત્રણેય કાર બરાબર ચાલશે તો ચોથી સરકાર રૂપી કાર પણ યોગ્ય રીતે ચાલશે તેવું કહીને સરકારનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો હતો.
પત્રકાર, કલાકાર, કથાકાર યોગ્ય માર્ગે ચાલે એટલે સરકારની ચિંતા કરવાની ન હોય !
