– અંદાજે 11 લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે
– સરદાર સરોવર યોજના થકી 9104 ગામો-169 શહેરો-7 મહાનગરપાલિકાઓની કુલ આશરે 4 કરોડની જનસંખ્યાને નર્મદા જળ મળે છે.
- Advertisement -
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એકવાર ફરી સંપૂર્ણ ભરાઇ ગયો છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થશે. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ‘સરદાર સરોવર ડેમ’ની જળસપાટી 138.68 મીટરે પહોંચતા CM ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા વિધિવત પૂજા કરી આરતી ઉતારી હતી. આ નર્મદા જળ વધામણાં અવસરે રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્ય મનસુખ ભાઈ વસાવા,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સરદાર સરોવર નિગમના એમ.ડી શ્રી જે.પી.ગુપ્તા અને પદાધિકારીઓ,અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સીઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી
- Advertisement -
રીવરબેડ પાવરહાઉસમાંથી 43 હજાર 155 ક્યુસેક પાણી છોડાતા ડેમમાં હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમના 23 દરવાજા મારફતે 1 લાખ 50 હજાર ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.
ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક નોંધાઇ છે. ત્યારે સવારે 10 દરવાજા 1.30 મીટર સુધી ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી હોવાના કારણે ડેમની સપાટી ધીરે-ધીરે વધતી ગઈ. રાત્રીના નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી દીધી છે એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ છે.
► સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો. 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ.
► ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી.
► આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.
► પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે.
► નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે.
► નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.
► ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે.
► એટલું જ નહિ, 63,483 કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.
► નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
► વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્વળ ભાવિની દિશા આપી હતી.
► રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધ ની પૂર્ણ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 7 મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું.
► વડાપ્રધાનના જ વરદહસ્તે 2017ની 17મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.
► વર્ષ 2019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા.