સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફલો : ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો
છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો.જેને કારણે ડેમમાં પાણીની મોટી માત્રામાં આવક થઈ છે.સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફલો થયો છે, ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો હોવાનુ જણાઈ રહ્યુ છે.
- Advertisement -
અવિરત વરસાદને પગલે ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જો વિગતે વાત કરીએ તો 27 હજાર ક્યૂસેક આવકની સામે 7 હજાર ક્યૂસેક જાવક હાલ નોંધાઈ છે. મહત્વનું છે કે, 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ચોમાસાની આ સિઝનમાં સૌ પ્રથમ વાર ઓવરફ્લો થયો છે. ભાદર-1 ડેમ ઓવરફલો થતાં 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત ચોથા દિવસે મૂશળધાર વરસાદ વરસ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. તો ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારાથી રાહત મળી હતી.
તો બીજી તરફ જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદી મહેર જોવા મળી.મુશળધાર વરસાદથી મોટા ભાગના રસ્તાઓ પાણી-પાણી થયા હતા.મહત્વનું છે કે, વીરપુર, પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
- Advertisement -
સૌરાષ્ટ્રના 20 ડેમોમાં નવી આવક
રાજકોટ, મોરબી, જામનગર, વઢવાણના જળાશયોમાં અડધોથી અઢી ફુટ પાણી આવ્યું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા વ્યાપક વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની સતત આવક થઇ રહી છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાનાં છ સહિત સૌરાષ્ટ્રના 20 ડેમોમાં અર્ધોથી અઢી ફૂટ જેટલા નવા નીરની આવક થઇ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ ફલડ સેલના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના ભાદર-1 ડેમમાં અર્ધો ફૂટ, આજી-1 ડેમમાં અર્ધો ફૂટ, સુરવોમાં પોણા બે ફૂટ, ફાળદંગ બેટીમાં પોણો ફૂટ, ઇશ્વરીયામાં અર્ધો ફૂટ, ક ર્ણુકીમાં દોઢ ફુટ નવા નીરની આવક થવા પામી છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના છ ડેમોમાં પણ નવા પાણી ઠલવાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં મોરબીનાં મચ્છુ-1માં એક ફુટ, મચ્છુ-2માં દોઢ ફુટ, ડેમી-1માં દોઢ ફૂટ, ડેમી-2માં પોણો ફૂટ, બ્રાહ્મણીમાં પોણો ફૂટ અને બ્રાહ્મણી-2માં એક ફૂટ નવા નીરની આવક થઇ છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના ઉંડ-3માં અર્ધો ફુટ અને સસોઇ-2માં પણ અર્ધો ફુટ નવું પાણી ઠલવાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાનાં છ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં વઢવાણ ભોગાવો-1 (નાયકા) ડેમમાં 0.30 ફુટ, વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા)માં અર્ધો ફુટ, લીંબડી ભોગાવો-1માં 0.20 ફુટ, ફલકુ ડેમમાં 0.33 ફુટ અને લીંબડી ભોગાવો-2 (વડોદ) ડેમમાં 0.33 ફૂટ તેમજ ધારી ડેમમાં અઢી ફુટ નવા નીરની આવક થઇ છે.