– ચીનની ડીમાન્ડમાં ઘટાડાથી થઇ મોટી અસર
દેશભરમાં કેટલાક મહિનાઓથી મોંઘવારીના માર વચ્ચે હવે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડાના સંજોગો સર્જાયા હોય તેમ વિશ્ર્વ બજારમાં ક્રૂડ તેલનો ભાવ ચાલુ વર્ષનાં તળિયે ધસી ગયો છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ 81.94 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 88 ડોલર પર સરકી ગયું હતું.
- Advertisement -
ઓપેક રાષ્ટ્રોએ આવતા મહિને ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હોવા છતાં અને રશિયાની ટાઈટ સપ્લાય વચ્ચે પણ વિશ્ર્વ બજારમાં ક્રૂડ તેલમાં ગાબડા પડ્યા હતા. ચીનમાં ફરી વખત કોરોનાના કહેરને પગલે ડીમાંડમાં મોટો કાપ આવવાની શક્યતા અને વૈશ્વિત સ્તરે મોંઘવારીને કારણે વપરાશમાં ઘટાડો થવાની આશંકાને પગલે ક્રૂડ તેલ ગગડ્યું હોવાનું નિષ્ણાંતોનું કથન છે.
બ્રેન્ટ ક્રૂડ એક જ દિવસમાં 4.83 ડોલર ગબડીને 88 ડોલર થયું હતું. 8 ફેબ્રુઆરી પછી પ્રથમ વખત 90 ડોલરથી નીચેનો ભાવ જોવા મળ્યો છે. આ જ રીતે અમેરિકાનું ડબલ્યુટીઆઈ ક્રૂડ 4.94 ડોલર ગબડીને 81.94 ડોલર થયું હતું. જે જાન્યુઆરી પછીનો સૌથી નીચો ભાવ છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે યુરોપમાં ગેસ, ઉર્જાના ભાવો સર્વાધિક ઉંચાઈએ પહોચતા અને ડીમાંડમાં ઘટાડો થવા લાગતા ઉપરાંત વિશ્ર્વ સ્તરે વ્યાજ દરમાં સતત ઘટાડા જેવા ઘટનાક્રમોની કેવી અસર થાય છે તેના પર મીટ મંડાવા લાગી હોવાથી ક્રૂડ તેલમાં ગાબડા પડ્યા છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે અનેક દેશો હવે વ્યાજ દર વધારવાનું ચાલુ રાખવાનું જાહેર કર્યું છે તેની અસર વર્તાઇ છે.
- Advertisement -
યુરોપીયન બેન્ક આજે વ્યાજ દર વધારાનો નિર્ણય લેવાની છે. જ્યારે અમેરિકી ફેડરલ રિઝર્વ 21મીએ વ્યાજ દર વધારનાર છે. કેનેડાની બેન્કે ગઇકાલે વ્યાજ વધારીને 14 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચાડ્યું હતું. ચીનના નબળા અર્થતંત્ર અને કોવિડના કહેરને કારણે ડીમાંડ ઘટવાની ચિંતા છે. ચીનની ક્રૂડ આયાતમાં 9.4 ટકાનો ધરખમ ઘટાડો થયો છે.