જ્વેલરી શોપમાં તિજોરી ગોઠવતાં પહેલાં નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ, કેમકે તિજોરીને એક વખત સેટ કર્યા બાદ તેની જગ્યામાં વારંવાર ફેરફાર કરવો ભારે વજનને કારણે આસાન હોતો નથી : ક્યારેય પણ દુકાનની અંદર ખાડો કરી તેમાં તિજોરી રાખવી નહીં
આજથી થોડા દસકાઓ અગાઉ ખરીદીમાં સરળતા રહે તે માટે નગર વ્યવસ્થા એવી રહેતી કે વસ્તુ આધારિત બજારોની રચના કરવામાં આવતી હતી. જેમ કે અનાજ કે અન્ય ખાદ્યસામગ્રી માટે દાણાપીઠ કે સોનાચાંદીના ઘરેણાંઓની ખરીદી કરવા માટે સોની બજાર. હવે શહેરી વિસ્તારનો વ્યાપ ઘણો વધી ગયો છે તેથી વ્યવસાય કોઈ એક બજાર પૂરતો મર્યાદિત ન રહેતાં શહેરના કોઈપણ ભાગમાં તમે વિવિધ વસ્તુઓ મેળવી શકો છો. જ્વેલરી શોપ પણ સોની બજાર પૂરતી મર્યાદિત ન રહેતાં શહેરના લગભગ દરેક વિસ્તારોમાં જોવા મળે છે. આજે આપણે વાસ્તુ પ્રમાણે જ્વેલરી શોપમાં કેવી રીતે ગોઠવણી કરવી? તે વિશે વિસ્તારથી સમજીએ.
- Advertisement -
ઘરેણાંની દુકાન એટલે કે જ્વેલરી શોપના આકારની વાત કરીએ તો તે ચોરસ કે લંબચોરસ હોવી જોઈએ. જો કોઈપણ દીવાલ સીધી એટલે કે રાઈટ એંગલના હોય તો અંદરથી પાર્ટીશન કરી ચારેય દીવાલને રાઈટ એંગલ કરવી જોઈએ. સોનાચાંદીની દુકાનમાં ઘરેણાંઓની સલામતી સૌથી અગત્યનો મુદ્દો છે. પહેલાંના સમયની અંદર લોકો લોખંડની વજનદાર તિજોરીમાં ઘરેણાં રાખતા હતાં. આજકાલ જ્વેલરી શોપની અંદર તિજોરીની જગ્યાએ સ્ટ્રોંગ રૂમ બનાવવાની પદ્ધતિ વધારે વપરાય છે. જ્વેલરી શોપની અંદર સ્ટ્રોંગ રૂમ શોપના દક્ષિણ પશ્ર્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં (સાઉથ વેસ્ટ કોર્નર) બનાવવા જોઈએ, જેનું ફ્લોરિંગ લેવલ શોપના ફ્લોરિંગ લેવલ કરતાં થોડું ઉંચું રાખવું. સ્ટ્રોંગ રૂમ કે તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલે તે રીતે ડોરની ગોઠવણી કરવી. જો ઉત્તર દિશા તરફ તે ખૂલી શકે તેમ ન હોય તો બીજા વિકલ્પે પૂર્વ દિશા તરફ ખૂલે તે રીતે સ્ટ્રોંગ રૂમનો દરવાજો બનાવવો. વાસ્તુ વિઝિટ દરમિયાન ઘણી વખત એ જોવામાં આવ્યું છે કે જગ્યા કે વાસ્તુની સમજના અભાવે લોકો પોતાની અનુકૂળતા અનુસાર તિજોરી ગોઠવતાં હોય છે. ઘણી વખત સીડીની નીચે તિજોરી રાખતાં હોય છે કે દક્ષિણ દિશા તરફ તિજોરીનો દ્વાર ખૂલે તે રીતે રાખતાં હોય છે. તો વળી ઘણાં કિસ્સાઓની અંદર ઈશાન ખૂણાની અંદર ભારેખમ તિજોરી રાખતા હોય છે. વાસ્તુ પ્રમાણે આ ત્રણેય પરિસ્થિતિઓ યોગ્ય નથી. તેથી ખાસ કરીને જ્વેલરી શોપમાં તિજોરી ગોઠવતાં પહેલાં નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ. કેમકે તિજોરીને એક વખત સેટ કર્યા બાદ તેની જગ્યામાં વારંવાર ફેરફાર કરવો ભારે વજનને કારણે આસાન હોતો નથી. ક્યારેય પણ દુકાનની અંદર ખાડો કરી તેમાં તિજોરી રાખવી નહીં.
સોના-ચાંદીની દુકાનમાં ખાસ ધ્યાન રાખવું કે ઈલેકટ્રીક મેઈન બોર્ડ અને જનરેટર સેટની ગોઠવણી અગ્નિ ખૂણામાં જ થાય
શોપની અંદર કેસ કાઉન્ટર તિજોરીની બાજુમાં નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ કોર્નરમાં રાખવું.
ગ્રાહકો સામાન્ય રીતે જ્વેલરી તેમને કેવી લાગશે તે જોવા માટે મિરર એટલે કે અરિસાનો ઉપયોગ કરતાં હોય છે. શોપની અંદર અરિસા પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલ તરફ લગાવવા. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મુખ્ય દરવાજાની બરાબર સામે અરિસા ન હોય.
જો શોપની અંદર મોટા અરિસા ન લગાવવા હોય તો સેલ્સ કાઉન્ટર પર નાના પોર્ટેબલ મિરરનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે ઘરેણાંની ખરીદીમાં ઘણો સમય લાગતો હોય છે તેથી વેઈટિંગ માટેના સોફા જ્વેલરી શોપમાં ખૂબ કોમન જોવા મળતાં હોય છે. જો આ સોફા પૂર્વ કે ઉત્તર દિશામાં ગોઠવવાના હોય તો તે પ્રમાણમાં હલકા વજનના તથા આસાનીથી હટાવી શકાય તેવા રાખવા.
વાયુ તત્ત્વ સાથે સંકળાયેલો નોર્થ વેસ્ટ કોર્નર ગતિશીલતા આપે છે. ઘણી વખત શોરૂમમાં જોવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ ખૂણામાં કરાયેલા ડિસ્પ્લેની જ્વેલરીમાં ડીમાન્ડ કે મુવમેન્ટ આવતી હોતી નથી. તો ઓછી મુવમેન્ટવાળી જ્વેલરી કે સારો નફો આપતી જ્વેલરીને વાયવ્ય ખૂણામાં રાખવાથી તેનું વેચાણ સરળતાથી થઈ શકશે. આ સિવાય જ્વેલરી માટેના પેકિંગ બોક્સ તથા પેકિંગ બેગ્સ પણ આપ શોપના વાયવ્ય ખૂણામાં રાખશો તો તેની સારી અસર ઓવરઓલ સેલ્સ પર જોવા મળશે. શોપની અંદર સેલ્સ કાઉન્ટર દક્ષિણની દીવાલ અથવા પશ્ર્ચિમની દીવાલ પર ગોઠવવા જોઈએ.
* દક્ષિણ દ્વારની જ્વેલરી શોપમાં મુખ્ય પ્રવેશદ્વાર અગ્નિ ખૂણામાંથી બનાવવું જોઈએ.
* ઘણાં મોટા જ્વેલરી શોપની અંદર નાના-મોટા રિપેરીંગ કામ માટે કાયમી કોઈ કારીગરની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તેમના માટેની બેઠક અગ્નિ અથવા તો વાયવ્ય ખૂણામાં રાખવી જોઈએ.
* સોનાચાંદીની દુકાનમાં લાઈટ્સ અને કેમેરાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઈલેકટ્રીક મેઈન બોર્ડ અને જનરેટર સેટની ગોઠવણી અગ્નિ ખૂણામાં જ થાય.
* સોનુ કે ચાંદી ગાળવા માટેની ભઠ્ઠી એટલે કે ફર્નેશ પણ અગ્નિ ખૂણામાં રાખવી.
* દુકાનની ખરીદી કરતાં પહેલાં એ ચોક્કસપણે ચેક કરી લેવું કે મુખ્ય પ્રવેશદ્વારની એકદમ સામે કોઈ મોટું વૃક્ષ કે ઈલેકટ્રીક પોલ, થાંભલો કે કાયમી અવરોધરૂપ બાંધકામ નથી.
* દુકાનમાં પ્રવેશ કરતાં સામે કોઈપણ અવરોધરૂપ સામાન ન હોય તેનું ખાસ ધ્યાન રાખજો. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે શો રૂમના દરવાજા અંદરની બાજુ ખુલવા જોઈએ.
* શોપનું બ્રહ્મસ્થાન ખુલ્લું હોવું જોઈએ તથા સરળતાથી અવરજવર થઈ શકે તે માટે ત્યાં કોઈ અવરોધરૂપ સામાન રાખવો નહીં.
* જો શો રૂમની સાઈઝ ઘણી મોટી હોય અને માલિક માટે શો રૂમની અંદર ઓફિસ બનાવવાની હોય તો તે તિજોરીની બાજુમાં સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય ખૂણામાં બનાવવી.
* શો રૂમની અંદર જો પેન્ટ્રી બનાવવાની હોય તો તે અગ્નિ અથવા વાયવ્ય ખૂણામાં બનાવી શકાય.
* શોપના ઈશાન ખૂણાની અંદર કોઈપણ પ્રકારના ફર્નીચરની ગોઠવણી કરવી નહીં. જગ્યાના અભાવે જો ત્યાં કંઈ રાખવું પડે તો ખૂબ જ હલકા પ્રકારનું વજન રાખવું જોઈએ.
* શો રૂમ જો બે માળનો હોય અને ઉપરના માળે જવા માટે સીડી બનાવવાની હોય તો તે શોપના વાયવ્ય ખૂણામાં કે પશ્ર્ચિમ દિશામાં બનાવી શકાય.
* જ્વેલરી પ્રોડકટને લગતાં પિક્ચર કે ફોટોસ ઉત્તર પશ્ર્ચિમ ખૂણામાં રાખવા.
ઉપરોક્ત સૂચનોને ધ્યાનમાં રાખી જલ્દી શો રૂમની ગોઠવણી કરવામાં આવે તો સકારાત્મક ઊર્જાનો સારો લાભ મેળવી શકાશે. ફરી મળીશું આવતાં શનિવારે કોઈ નવા વિષય સાથે…..
- Advertisement -