મા અંબાના સૌથી મોટા મંદિરમાં પગપાળા જવા ગુજરાતના લાખો ભક્તો નીકળ્યા છે ત્યારે સતત બીજા દિવસે દુ:ખદ સમાચાર આવ્યા છે.
દર વર્ષે નવરાત્રી પહેલા અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને લાખોની સંખ્યામાં સેંકડો કિમી ચાલીને ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે ત્યારે અકસ્માતના પણ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે.
- Advertisement -
એક પદયાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ,અન્ય એકનું સારવારમાં મૃત્યુ
બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર જીપ ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા જે બાદ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. થરાદના પડાદર અને ઝેટા ગામના ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ
રાયસંગભાઈ પટેલ
લગધીરજી ઠાકોર
શુક્રવારે પણ થયો હતો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મૃત્યુ
અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે. આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓના ગંભીર અકસ્માતને લઇ CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. CMએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.’
આ સિવાય પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સમગ્ર મામલે દુ:ખ વ્યક્ત કર્યું હતું.